Trending News
સ્થાનિક સમાચાર

અબડાસામાં રેતીચોરો બેલગામ : ઘોર નિદ્રામાં ખાણ ખનીજ અને પોલીસ તંત્ર 

11 June



કોઠારા-ભેદી વિસ્તારમાં રેતી ચોરી ઝડપાયા બાદ પણ ગેરપ્રવૃત્તિ અવિરત ચાલુ : તાલુકા અન્ય વિસ્તારોમાં રેતી, બેન્ટોનાઈટ અને બોકસાઈડ ચોરી થતી હોવા છતાં તંત્ર માત્ર વાહનો ઝડપી પાડી માની લે છે સંતોષ : ગ્રામ્ય વિસ્તારોમાં મશીનરી અને મસમોટા ખાડાઓ રેતી ચોરીના દુષણની વ્યાપકતાની આપી રહ્યા છે ગવાહી : તંત્ર દ્વારા તટસ્થ તપાસ થાય તો ખુલાસો સ્થાનિક જાગૃત નાગરિકોએ વ્યક્ત કર્યો હતો : હાલમાં રાયધણઝરમાં તળાવ ખોદવાના નામે બેન્ટોનાઈટ ખનીજનો મોટા પાયે ખનન થતા હોબાળો મચ્યો હતો...ઃ લખપત તાલુકામાં સુજલામ - સુફલામના નામે ખનીજનું મોટા પાયે ગેરકાયદેસર ખનન....ઃ કોલસાના ખનનનો અધિકાર માત્ર જીએમડીસીને પરંતુ ખાનગી-પડતર જમીનમાંથી “કાળા સોનાનું” ગેરકાયદેસર ખોદકામ


ભુજ : કુદરતી ખનિજ સંપદાઓથી સમૃદ્ધ કચ્છ જિલ્લામાં અનેકવિધ કિંમતી ખનીજ મળી આવે છે. સરકારને લીઝ અને રોયલ્ટી માફરતે મોટી આવક થાય છે તો બીજી તરફ જિલ્લામાં ખનીજ ચોરોનું દુષણ પણ વ્યાપક બન્યું છે. અંતરિયાળ ગ્રામિણ વિસ્તારોમાં મંજૂરી વીના જ ખનનની ગેરપ્રવૃત્તિ વ્યાપક બની છે. કચ્છમાં ખનીજ ચોરીની વ્યાપક ફરિયાદો સમયાંતરે ઉડતી રહે હોય છે. ખાણ ખનીજ વિભાગ અને પોલીસ તંત્ર દ્વારા અવારનવાર ગેરકાયદેસર ખનીજ ખનન અને પરિવહનના કારસાઓ ઝડપી પાડવામાં આવે છે પરંતુ કાયદાનો કોઈ ભય ન હોય તેમ રેતીચોરી કરતા તત્ત્વો પોતાની ગેરપ્રવૃત્તિ ચલાવી રહ્યા છે. 
કચ્છ જિલ્લાના સરહદી અબડાસા તાલુકામાં રેતી ચોરી દુષણનું ખુબ વ્યાપક બન્યું છે. રેતી ચોરી કરતા તત્ત્વો મોટા પ્રમાણમાં રેતીનું ગેરકાયદેસર ખનન કરી સરકારી તિજોરીને ચૂનો ચોપડી રહ્યા છે. અબડાસાના ભેદી, કોઠારા જેવા વિસ્તારોમાં રેતી ચોરી મોટા પ્રમાણમાં થઈ રહી છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર ગ્રામિણ વિસ્તારોમાં ગેરકાયદેસર ખનન માટે મશીનરીનો ઉપયોગ થઈ રહ્યો છે. ગ્રામ્ય માર્ગો પર ઓવરલોડ રેતી ભરેલા વાહનો દિવસ-રાત દોડી રહ્યા છે. તેમ છતાં ખાણ ખનીજ વિભાગ, પોલીસ તંત્ર સહિતના સંબંધિત તંત્રોને તે નજરે ચડતું નથી. તાજેતરમાં કોઠારા, ભેદી વિસ્તારમાં રેતી ચોરી કરતા વાહનોને ઝડપી પાડવામાં આવ્યા હતા, પરંતુ કોઈપણ કારણસર તેની તપાસ આગળ ધપી ન હતી. સ્થાનિકો લોકો જણાવી રહ્યા છે કે, અબડાસા પંથકમાં મહાકાય મશીનરી, લોડર, ડમ્પરોની સતત ધરધરાટી સાંભળવા મળી રહી છે. આ વિસ્તારમાં બેફામ રેતીચોરી થઈ રહી છે.
સ્થાનિકો દ્વારા તંત્ર સમક્ષ વારંવાર ફરિયાદો-રજૂઆતો થઈ છે પરંતુ પરિણામ શૂન્ય રહ્યું છે. તંત્ર દ્વારા નિષ્ઠાપૂર્વક તટસ્થ તપાસ થાય તો અબડાસા પંથકમાં રેતીચોરીના કરોડોના કૌભાંડનો ખુલાસો થઈ શકે. આ પંથકમાં ગેરકાયદેસર ખનનથી પડેાલ મોટા ખાડાઓ રેતીચોરીની ચાડી ખાઈ રહ્યા છે. જવાબદાર તંત્રો પર કોનું દબાણ કામ કરી રહ્યું છે કે, બેલગામ બની ગયેલા રેતીચોરી પર કોઈ ધાક બેસાડતી કાર્યવાહી કરવામાં આવતી નથી. 
તો હાલમાં રાયધણઝણમાં તળાવના નામે ખનન થતા તેમાં મોટા પાયે બેન્ટોનાઈટ ખનીજ કાઢવામાં આવી હતી. આ બાબતે હોબાણો મચયો હતો, પરંતુ પોલીસ કે ખનીજ તંત્ર કોઈ કાર્યવાહી હાથ ધરી હોય તેવું દેખાતું નથી. તો બીજી તરફ હાલમાં નુંધાતર, મિયાણી સહિત ખનીજ ધરાવતા પટ્ટામાં રાત્રે મશીનરીઓની ધમધમાટ જોવા મળે છે. જેમાં અમુક પોલીસ અધિકારી અને કર્મચારીઓને સાચવી લેવામાં આવતો હોવાની વાત બહાર આવી રહી છે. 
કચ્છના દુર્ગમ વિસ્તાર ધરાવતા અબડાસા અને લખપત ચુંટણી દરમ્યાન મોટા પાયે ખનીજ ખનન કરવામાં આવ્યા હતો. આ વિસ્તારમાં ક્યાં સુજલામ- સુફલામના નામે તો કયાં અન્યના નામે ખનીજ ખનન કરવામાં આવ્યો. હાલ અબડાસા અને લખપતની ચાલતી અમુક લીઝોની તપાસ કરવામાં આવે તો તેમના લીઝ વિસ્તાર કરતા અનેક ઘણી રોયલ્ટી ફારવામાં આવી છે અને સ્થળ ઉપર એનાથી વધુ ખનીજ પણ હાજર મળી આવે તેમ છે. આ લીઝ વિસ્તારમાં પડેલા ખનીજ અને પેટાળ ખનીજની તપાસ કરાય તો સ્પષ્ટ થઈ જાય તેમ છે. 
કચ્છના જમીનના પેટાળમાં બેન્ટોનાઈટ, બોકસાઈટ, લેટરાઈટ તેમજ ચાઈના કલે સહિત અનેક ખનીજની સાથે કોલસો પણ મોટા પાયે ધરાવે છે. કોલસા માત્ર જીએમડીસી મારફતે કાઢવામાં આવે છે પરંતુ કેટલાક સમયથી ગેરકાયદેસર કોલસાના ખનન થઈ રહ્યો છે, જેને કાયદેસરનો થપો મારી દેવામાં આવે છે. હાલ કેટલાક જમીનોની તપાસ કરાય તો મોટા પાયે ગેરકાયદેસર ખનન બહાર આવે તેમ છે.

Comments

COMMENT / REPLY FROM