ભચાઉના યશોદાધામમાં બોગસ ડોકટર ઝડપાયો
પશ્ચિમ બંગાળનો શખ્સ ગેરકાયદે રીતે કરતો હતો લોકોની દવા : એસઓજીએ કરી બોગસ ડોકટરની દવા : સ્થાનિકે આરોગ્ય વિભાગ કેમ રહી ગયું અંધારામાં
ભચાઉ : દરેક સરકારી વિભાગોને સરકારે જવાબદારી આપેલી છે. રાજકોટમાં ગેમઝોનમાં લાગેલી આગ બાદ ફાયર વિભાગની જવાબદારી સુનિશ્ચિત થઈ છે. હાલે કચ્છમાં ઔધોગીક વસતી અને પરપ્રાંતિઓના આગમનના કારણે ગેરકાયદે બોગસ ડોકટરોનો રાફડો ફાટ્યો છે. વાગડ વિસ્તારમાં તો સરકારી દવાખાનામાં યોગ્ય સુવિધા ન મળવાના કારણે ના છૂટકે લોકોને આવા બોગસ ડોકટરો પાસે જવું પડે છે. ત્યારે ગુનાખોરી અટકાવવાનુંં કામ છે તે પોલીસે બોગસ ડોકટરને પકડી લીધો છે. ત્યારે ભચાઉ આરોગ્ય વિભાગ અને જિલ્લા આરોગ્ય તંત્ર કેમ અંધારામાં રહી ગયું તે સવાલ ઉઠી રહ્યો છે.
ભચાઉના યશોદાધામમાં રમેશભાઈ આહિરના મકાનમાં રહેતા મૂળ પશ્ચિમ બંગાળના ૩૭ વર્ષિય પ્રહલાદ ધિરેન્દ્રનાથ બિશ્વાસે બસ સ્ટેશનની પાછળ આવેલ દુકાનમાં ગેરકાયદે દવાખાનું ખોલ્યું હતું. ગુજરાત મેડિકલ કાઉન્સિલનું રજીસ્ટ્રેશન પ્રમાણપત્ર મેળવ્યા વગર ડોકટરની પ્રેકટીશ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવ્યા હતા. ગેરકાયદે રીતે મેડિકલ પ્રેકટીશથી મેળવેલ એલોપેથીક દવાઓ અને મેડિકલ સાધનો કિ.રૂા. ૧૧,૧૯૩નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. એસઓજીએ બોગસ ડોકટરને ઝડપી ભચાઉ પોલીસ મથકે તેની સામે ગુનો દાખલ કરાવ્યો છે. અત્યાર સુધી ગરીબ શ્રમજીવીઓની દવા કરતા બોગસ ડોકટરની પોલીસે દવા કરી નાખી છે.

Comments