મેઘપર બોરીચીમાં ૧૩.૭પ૦ કિલો પોશડોડા સાથે શખ્સની ધરપકડ
માલ આપનાર હારીજના શખ્સનું નામ ખુલ્યું
અંજાર : તાલુકાના મેઘપર બોરીચી ગામે સર્વે નંબર ર૦૦ માં આવેલ આશાપુરા નગરમાં રહેતા શખ્સ દ્વારા પોશડોડાનું વેચાણ કરવામાં આવતું હોવાની બાતમી આધારે ગાંધીધામ એસઓજી દ્વારા કરવામાં આવેલી તપાસમાં ૧૩.૭પ૦ કિલો પોશડોડાનો જથ્થો મળી આવ્યો હતો. એસઓજી દ્વારા આરોપી પરસોત્તમ રાધોમલ રીજવાનીના મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. તપાસ કરતા માદક પદાર્થ પોશડોડા હોવાનું પરીક્ષણ થયા બાદ વજન કરાવતા કુલ્લ ૧૩.૭પ૦ કિલો માલ હોવાનું જાહેર થતા તેની કિંમત રૂા. ૪૧,રપ૦ આંકવામાં આવી હતી. પુછપરછ કરતા આરોપી પાટણના હારીજના તખુભા જાડેજા પાસેથી માલ લઈ આવ્યો હોવાની કબુલાત આપી હતી. આરોપી છુટકમાં માદક પદાર્થનું વેચાણ કરતો હતો. જેને ઝડપીને કુલ્લ અડધા લાખની મતા કબજે કરવામાં આવી છે. આરોપી સામે અંજાર પોલીસમાં એનડીપીએસની કલમો તળે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ કામગીરીમાં એસઓજી પીઆઈ એન. એન. ચુડાસમા અને પીએસઆઈ એન. કે. ચૌધરી જોડાયા હતા. મહત્વનું છે કે, પૂર્વ કચ્છ જિલ્લામાં પરપ્રાંતિય વસ્તી વધ્યા બાદ ખાસ કરીને પોશડોડા, ગાંજો, ચરસ, અફીણનો રસ સહિતના માદક પદાર્થનું વેચાણ અને સેવન વધ્યું છે. ખાસ કરીને ઉત્તર ભારતના રાજયોમાંથી ડ્રગ્સ લાવીને તેનું સ્થાનીકે છુટકમાં વેચાણ કરવામાં આવતું હોય છે. એકતરફ મીઠીરોહરની દરીયાઈ ખાડીમાં વર્ષ અગાઉ ૮૦૦ કરોડનું બીનવારસી કોકેઈન મળ્યું, જે બાદ ખારીરોહરમાંથી ૧૩૦ કરોડનું કોકેઈન મળ્યું. જેમાં પોલીસ મુળ સુધી પહોંચી નથી. પરંતુ છુટા છવાયા દરોડામાં આરોપી પકડાઈ રહ્યા છે.

Comments