પાણીની તરસે ૧પ ભેંસોના મોત બાદ હવે તંત્ર એનજીટી બોર્ડર પર બનાવશે તળાવ
ચરિયાણની શોધમાં નરાની વાંઢથી ૧પ કિલોમીટર દૂર પહોંચી ગયેલા ૧પ ભેંસ-પાડાઓના નીપજ્યા હતા મોત : બન્ની રેન્જની સરહદે વનવિભાગે બનાવેલ ટ્રેન્ચમાં ફસાઈ ગયા હતા માલધારીઓના પશુ : નો મેન્સ લેન્ડ વિસ્તાર હોવાથી પખવાડિયા સુધી પશુઓના મોતની નહોતી પડી ખબર
એનજીટીના હુકમથી બનાવવામાં આવેલી ટ્રેન્ચના તળિયે મીઠાની ખારાશથી છવાયું હતું કીચળનું સામ્રાજ્ય : પાણીના સ્ત્રોતના અભાવે તરસ્યા પશુઓ ૧ મીટર ઊંડી ટ્રેન્ચમાંથી ન આવી શક્યા બહાર
ભવિષ્યમાં આવી કોઈ દુર્ઘટના ન બને તે માટે રખાશે તકેદારી : અબોલપશુઓ માટે તળાવ બનાવવાની યોજના બન્ની વનવિભાગ
૧પ જેટલા પશુઓ લાપતા થયા હોવાની નોંધાવાઈ હતી ફરિયાદ : પશુ ચોરી થયાનું માની લઈ થઈ નહોતી તલસ્પર્શી તપાસ : પખવાડિયા બાદ મળી આવેલા મૃતદેહોનું પોસ્ટમોર્ટમ ન બન્યું શક્ય
ભુજ : તાજેતરમાં હાજીપીર નજીક વનવિભાગ દ્વારા બનાવવામાં આવેલ ટ્રેન્ચમાં પડી જવાથી ૧પ જેટલા ભેંસ અને પાડાઓના મોતથી ગરીબ માલધારીઓ પર આભ તૂટી પડ્યું હતું. આ બનાવ બાદ માલધારી સંગઠને તપાસની માંગ કરી માલધારીઓને વળતર ચૂકવવા રજૂઆત કરી હતી. માનવ વસ્તી રહિત મીઠાની લીઝ નજીક બનેલી આ ઘટના કચ્છભરમાં લોકચર્ચાનું કેન્દ્ર બની હતી. પાણીના અભાવે પશુઓના મોતથી જીવદયાપ્રેમીઓમાં અરેરાટી ફેલાઈ હતી.
હાજીપીર નજીક બન્ની રેન્જ વનવિભાગની હદ પાસે બનેલ આ ઘટનાની તપાસ વનવિભાગ દ્વારા કરવામાં આવી હતી. જેમાં નરા વાંઢથી ચરિયાણની શોધમાં નીકળેલ પશુઓ ૧૪થી ૧પ કિલોમીટર દૂર પહોંચી ગયા હોવાનું તારણ સામે આવ્યું હતું. એનજીટી બોર્ડર નજીક જે સ્થળે આ બનાવ બન્યો હતો તે એક નો મેન્સ લેન્ડ વિસ્તાર હોવાનું બન્ની ગ્રાસલેન્ડ ડિવિઝનના ડીસીએફ બી.એમ.પટેલે જણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, આ રેવન્યુ વિસ્તારમાં મીઠાની લીઝ આવેલી છે. સીમા સુરક્ષા દળ દ્વારા પણ આ વિસ્તારમાં કોઈને પણ જવા દેવામાં આવતા નથી. આ વિસ્તારમાં પાણીના સ્ત્રોત પણ નથી. જેવી નરાની વાંઢથી લગભગ ૧૪ કિલોમીટર દૂર આવી ગયેલા પશુઓ પાણી કે ચરિયાણ ન મળવાથી અશકત બની થાકી ગયા હશે તેમજ એનજીટીના હુકમથી બનાવવામાં આવેલ ૧ મીટર જેવી ઉંડાઈની ટ્રેન્ચમાં ઉતરી ગઈ હશે. ટ્રેન્ચના તળિયે મીઠાના ખારાશના કારણે કિચળ હોવાથી ટ્રેન્ચમાં ઉતરી ગયેલ અશક્ત પશુઓ તાકાત ન હોવાથી બહાર નીકળી શક્યા નહીં હોય.
માલધારીઓએ પોતાના પશુઓ ગુમ થયા હોવાની ફરિયાદ લખાવી હતી. સામાન્ય રીતે નરાની વાંઢ આસપાસના વિસ્તારોમાં પશુઓની ચોરીના બનાવ બનતા રહેતા હોવાથી પશુઓની ચોરી થયાનું પ્રાથમિક તારણ લગાવી તપાસ થઈ ન હતી. આ ઉપરાંત એનજીટી બોર્ડર નજીક સામાન્ય રીતે પશુઓ આવતા નથી. આ વિસ્તારમાં ચરિયાણ લાયક ઘાસ કે પાણી ન હોવાથી પશુઓ જતા ન હોવાથી તે દિશામાં શોધખોળ થઈ ન હતી. ભેંસ જેવા પશુઓની રેન્જ દરરોજ ૪થી પ કિલોમીટર ચરિયાણ માટે ફરવાની હોય છે. જ્યારે જે સ્થળે ઘટના બની તે વિસ્તારમાં નરાની વાંઢથી ૧પ કિલોમીટર દૂર હોવાથી પશુઓ અહીં પહોંચ્યા હશે તેવું કોઈએ વિચાર્યું ન હતું. લગભગ ૧પ કે તેથી વધુ દિવસો બાદ ટ્રેન્ચમાં ૧પ જેટલા ભેંસ-પાડાના મોત થયા હોવાનું બહાર આવ્યું હતું. પશુઓના મૃતદેહ મળ્યા ત્યારે પોસ્ટમોર્ટમ થઈ શકે તેવી સ્થિતિ પણ ન હતી.
શ્રી પટેલે વધુમાં જણાવ્યું હતું કે, અઢી લાખ હેક્ટરમાં પથરાયેલા ફોરેસ્ટ વિસ્તારમાં ૧૦૦ જેટલા તળાવ વનવિભાગ દ્વારા બનાવવામાં આવ્યા છે. સરકાર દ્વારા સેન્ચૂરી એરિયામાં વન તળાવ બનાવવા ગ્રાંટ આવતી હોય છે. આ ઉપરાંત કેમ્પા ફંડમાંથી પણ જળસંગ્રહ સ્થાનો વિક્સાવવામાં આવ્યા છે. જોકે, છેલ્લા ૩ વર્ષથી કેમ્પામાં ફંડ આવતું ન હોવાથી ઘાસચારા કે અન્ય કોઈ યોજનામાં બચી ગયેલા ફંડમાંથી માટીકામ કરાવી વન તળાવ બનાવવામાં આવે છે. ભેંસોના મોત થયા તે એનજીટી બોર્ડર નજીક પણ આવનાર દિવસોમાં ફરી આવી કોઈ દુર્ઘટના ન બને તે માટે વનવિભાગ દ્વારા તળાવ બનાવવામાં આવશે તેવું તેમણે વધુમાં ઉમેર્યું હતું.

Comments