Trending News
સ્થાનિક સમાચાર

મીઠીરોહર હાઈવે પર ત્રણ શખ્સોએ ટ્રક ડ્રાઈવર - ક્લિનરને લૂંટી લીધો

06 June



છરીની અણીએ બે મોબાઈલ, રોકડા રૂા. ૩૮૦૦ સાથે ટ્રેઈલરની ચાવી પણ ઝુંટવી લીધી



ભુજ : ગાંધીધામ સંકુલમાં વધી રહેલા ટ્રાન્સ્પોર્ટ વાહનો તેમજ પરપ્રાંતિય વસ્તીના કારણે ગુનાખોરીમાં વધારો થઈ રહ્યો છે. અવારનવાર હાઈવે રોડ પર રાહદારીઓ, શહેરીજનો અને ડ્રાઈવર - ક્લિનરોને લૂંટી લીેવામાં આવતા હોય છે. મોબાઈલ સ્નેચીંગની ઘટના સામાન્ય બની છે ત્યાં હવે મીઠીરોહર હાઈવે પર ત્રણ શખ્સોએ ટ્રકના ડ્રાઈવર - ક્લિનરને લૂંટી લીધો છે.
ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાંથી મળેલી માહિતી મુજબ ફરિયાદી ઉત્તરપ્રદેશના કાનપુરના રામરાજ બાબુરામ રાજપુતે જણાવ્યું કે, તે અને સાહેદ ઉમેશ ઉર્ફે પપ્પુ રાજપુત ટ્રેઈલર વાહન નંબર આર.જે.૧૪.જી.આર.૦૯૦૧ લઈને જતા હતા. મીઠીરોહર હાઈવે પર પુલીયાથી આગળ એવી જોશી પુલીયા પાસે ટ્રેઈલર ઉભું રાખી લાકડા સ્લીપર કાઢવાનું કરતા હતા એ દરમ્યાન મંગળવારે રાત્રે ૧૧ વાગ્યાના અરસામાં બાઈક નંબર જી.જે.૧ર.ઈ.એસ. ૭૯૯પ પર અજાણ્યા ત્રણ ઈસમો આવ્યા, ર૦ થી રપ વર્ષના આ આરોપીઓ પૈકી એક જણાએ ફરિયાદીના ગળા પર છરી રાખી ફરિયાદી અને સાહેદને ગાળો આપી ફરિયાદીને થપ્પર મારી બળજબરીપૂર્વક પેંન્ટના ખીસ્સામાંથી રીઅલમી કંપનીનો પાંચ હજારનો મોબાઈલ તેમજ ઉમેશના ખીસ્સામાંથી રોકડા રૂા. ૩૮૦૦ અને પ૦૦ નો મોબાઈલ કાઢી લીધો હતો. જતા જતા આરોપીઓ ટ્રેઈલરમાં લગાવેલ ચાવી પણ ઝુંટવીને ભાગી ગયા હતા. મોડી રાતના અરસામાં લૂંટમાં રોકડ અને મોબાઈલ જતા રહ્યા અને વાહનની ચાવી પણ ઝુટવાઈ જતા બન્ને જણા હેબતાઈ ગયા હતા. રાતના સમયે મદદ ન મળતા ટ્રેઈલર પાસે જ બેસી રહ્યા. સવારે ફરિયાદ લખાવવા માટે પોલીસ સ્ટેશનેે ગયા હતા. અંજાર ડીવાયએસપી એમ. પી. ચૌધરીએ સ્થળ તપાસ કરી આગળની કાર્યવાહી પીઆઈ એમ. ડી. ચૌધરીએ હાથ ધરી છે.

Comments

COMMENT / REPLY FROM