ભુજના બહુમાળી એપાર્ટમેન્ટ પર તંત્રની ટીમો ત્રાટકી
શહેરના ઘનશ્યામનગરમાં આવેલા એપાર્ટમેન્ટમાં ફાયર સેફ્ટીનો અભાવ : તંત્રએ નોટિસ ફટકારી ફાયર સેફટી સિસ્ટમ લગાડવા કર્યો આદેશ : ખંડેર બની ગયેલા વૃંદાવન એપાર્ટમેન્ટને તોડી પાડવા નોટિસ
ભુજ : રાજકોટના ખાનગી ગેમઝોનમાં બનેલી ગોઝારી આગની દુર્ઘટના બાદ કચ્છ સહિત રાજ્યભરમાં ફાયર સેફટીને લઈ તંત્ર દ્વારા ચકાસણી અભિયાન શરૂ કરાયું છે. રાજકોટની પ્રાદેશિક કચેરીના નિર્દેશ અનુસાર ભુજ નગરપાલીકા દ્વારા શહેરમાં જાહેર સ્થળો, બહુમાળી ભવનો સહિતની ચકાસણી કરવામાં આવી હતી. આજે સવારે તપાસ ટુકડીએ ભુજમાં બહુમાળી એપાર્ટમેન્ટોની ચકાસણી કરી હતી. ભુજના હમીરસર તળાવ નજીક ઘનશ્યામનગર વિસ્તારમાં આવેલા કૈલાશ એપાર્ટમેન્ટ, નિશાંત એપાર્ટમેન્ટ, પૂર્વ નિશાંત એપાર્ટમેન્ટ, લીંબડીવાળા ટેરેસ, રાધા-કૃષ્ણ એપાર્ટમેન્ટ, વૃંદાવન એપાર્ટમેન્ટ ખાતે ફાયર સેફટી સિસ્ટમ સહિતની તપાસ હાથ ધરી હતી. એપાર્ટમેન્ટ દ્વારા ફાયર એનઓસી અને બીયુ પ્રમાણપત્ર રજૂ કરવામાં ન આવતા નગરપાલિકાએ નોટિસ ફટકારી આગામી સૂચના ન આવે ત્યાં સુધી એકમનો ઉપયોગ તાત્કાલિક અસરથી બંધ કરવાનો આદેશ કર્યો હતો. આ ઉપરાંત વર્ષોથી ખાલી અને ખંડેર બની ગયેલા વૃંદાવન એપાર્ટમેન્ટને તોડી પાડવા નોટિસ અપાઈ હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ ર૦૦૧ મા આવેલા વિનાશક ભૂકંપમા વ્યાપક રીતે નુકશાન પામેલા વૃંદાવન એપાર્ટમેન્ટને તોડી પાડવા અગાઉ પણ નોટિસ બજવણી કરવામાં આવી હતી. જોખમરૂપ બની ગયેલા જર્જરીત એપાર્ટમેન્ટ તોડવા ફરી વખત આદેશ કરાયો છે. તંત્ર દ્વારા વિવિધ એપાર્ટમેન્ટને ફટકારવામાં આવેલી નોટિસ બાદ આવનાર દિવસો શું કાર્યવાહી થાય છે તેના પર ભુજવાસીઓની મીટ મંડાઈ છે. તંત્ર દ્વારા વખતોવખત નોટિસો પાઠવવામાં આવે છે, પરંતુ થોડા દિવસો બાદ કોઈપણ કાર્યવાહી થતી નથી. જાગૃત નાગરિકો તંત્ર માત્ર નોટિસ બજવીને કામગીરી કર્યાનો સંતોષ માની લેવાના બદલે નક્કર પગલાં ભરે તેવી લાગણી વ્યક્ત કરી રહ્યા છે.

Comments