ખારીરોહરમાં ઝડપાયેલું ડ્રગ્સ ૧૩૦ કરોડનું કોકેઈન હોવાનો ઘટસ્ફોટ
એટીએસની ટુકડીએ અજ્ઞાત ઈસમો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી : ગત ર૮ સપ્ટેમ્બરના સ્થાનિક પોલીસે મીઠીરોહરમાંથી કબજે કરેલા ૮૦૦ કરોડના પેકેટ પૈકીનો માલ હોવાનું અનુમાન : કંડલા-તુણાના દરિયામાં દાણચોરી થતી હોવાનો ઈશારો
ગાંધીધામ : રાજ્યમાં ગેરકાયદે ડ્રગ્સ અટકાવવા માટે એટીએસની ટુકડીએ કમર કસી છે. સૌરાષ્ટ્રના દરિયામાં તાજેતરમાં ઉપરાછાપરી કાર્યવાહી કરીને કરોડો રૂપિયાનું ડ્રગ્સ કબજે કરવામાં આવ્યું હતું. જેમાં એક કેસમાં બિદડાના અલીઅસગરની ધરપકડ બાદ માંડવીના સલાયાના હૈદરઅલી હુશેન થેમની એટીએસે ધરપકડ કરી હતી. આ દરમિયાન ગાંધીધામમાં ખારીરોહરથી કંડલા જતા માર્ગે એચપીએસીએલની પાઈપ લાઈન નજીકથી બાવળની ઝાડીઓમાં છુપાવેલા ડ્રગ્સના પેકેટ કબજે કરવામાં આવ્યા હતા. એટીએસ અને સ્થાનિક પોલીસ દ્વારા કરાયેલી કાર્યવાહીમાં ડ્રગ્સના ૧૩ પેકેટ મળી આવ્યા હતા. એફએસએલ મારફતે તપાસ કરાવતા આ ડ્રગ્સ કોકેઈન હોવાનો ખુલાસો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત ૧૩૦ કરોડ થવા જાય છે. મહત્ત્વની વાત એ છે કે, ગત તા.ર૮/૯/ર૦ર૩ ના પૂર્વ કચ્છ પોલીસે મીઠીરોહરમાં સમુદ્રી ખાડીમાંથી બિનવારસુ હાલતમાં કોકેઈનના ૮૦ પેકેટ કબજે કર્યા હતા. જેની કિમંત ૮૦૦ કરોડ આંકવામાં આવી હતી. આ કેસમાં હજુ સુધી પોલીસ મૂળ સુધી પહોંચી શકી નથી. ત્યાં ફરી કોકેઈનના પેકેટ મળી આવ્યા છે. બન્ને જથ્થામાં સામ્યતા હોવાનું માનવામાં આવે છે. કારણ કે, પેકેટ એક સમાન જોવા મળી રહ્યા છે. સૂત્રોના મતે અગાઉ મુન્દ્રા બંદરે કરોડો રૂપિયાનું ડ્રગ્સ આવ્યા બાદ અહીં સતર્કતા વધારી દેવામાં આવી છે. તેમજ માંડવી અને જખૌ દરિયામાં અગાઉ ડ્રગ્સ પકડાયું હોવાથી કોસ્ટગાર્ડ દ્વારા પહેરો વધારવામાં આવતા ડ્રગ્સ માફિયાઓએ રૂટ બદલ્યો છે. કંડલા અને તુણાના દરિયા મારફતે ડ્રગ્સ ઘુસાડવામાં આવી રહ્યો છે. ડ્રગ્સ લાવીને ખાડીઓમાં છુપાવી દેવામાં આવે છે. ભરતી આવે ત્યારે ખાડીમાં પાણી ભરાઈ જાય જેથી શક પડતો નથી. પેકેટ એવી રીતે પેકિંગ કરવામાં આવે છે. જેનાથી ડ્રગ્સને નુકસાની ન થાય. જે રીતે મીઠીરોહર, ખારીરોહર પટ્ટામાં બિનવારસુ કોકેઈન પકડાઈ રહ્યું છે. તે જોતા સ્થાનિકે પણ કોઈ મદદગાર હોવાની ભીતિ છે. કોકેઈનનું મોટા ભાગે સ્મગલિંગ મોટા ભાગે અમેરિકા, મેક્સિકો, આફ્રિકાના દેશો મારફતે થાય છે. એટીએસ દ્વારા આ પ્રકરણમાં અજ્ઞાત ઈસમો સામે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરવામાં આવી છે. અગાઉ ઝડપાયેલા પેકેટ અને આ પેકેટનું ફોરેન્સિક રિપોર્ટ કરાવી સામ્યતા ચકાસવામાં આવી રહી છે. એટીએસ દ્વારા સ્થાનિક પોલીસને સાથે રાખીને ડ્રોન મારફતે સર્વે પણ કરાવાયો છે. વધુ જથ્થો છુપાયેલો હોવાની આશંકાએ આ તપાસ હાથ ધરવામાં આવી છે.

Comments