ટી-ટવેન્ટી વર્લ્ડકપ શરૂ થતા કચ્છના બુકી - પંટરો ગેલમાં
આઈપીએલમાં ડુબેલા નાણા સરભર કરવા વધુ એક દાવ....
૯ જુને રમાનારી ભારત - પાકિસ્તાનની હાઈ વોલ્ટેજ મેચને લઈને બુકી બજાર અત્યારથી ગરમ : વર્લ્ડકપમાં ભારત ફેવરીટ તરીકે ઉતરતા અબજો રૂપિયાનો સટ્ટો રમાશે
ભુજ : ભારતમાં ક્રિકેટ સહિતની રમતો પર ઓફલાઈન રમાતો સટ્ટો જ ગેરકાયદે છે પરંતુ ઓનલાઈન વિવિધ સાઈડ પર રમાતા જુગાર પર કોઈ નિયંત્રણ ન હોવાથી ગેરકાયદે જુગાર પણ કાયદેસરની વ્યાખ્યામાં આવી જાય છે. આઈપીએલની મેચમાં કચ્છમાં કરોડો રૂપિયાનો સટ્ટો રમાયો જેમાં કેટલાક ધોવાઈ ગયા અને કેટલાક બે પાંદડે થયા ત્યારે હવે ટુંકા સમય ગાળામાં ટી-ટવેન્ટી વર્લ્ડકપ શરૂ થતા બુકીઓ માટે દિવાળી સમાન માહોલ સર્જાયો છે. આઈપીએલમાં ર૦ ઓવર અને ટી-ર૦ માં ર૦ ઓવર હોવાથી બુકીઓ માટે બીજી આઈપીએલ સમાન ફટાફટ ક્રિકેટનો રંગ જામ્યો છે. ફરક એટલો છે, આઈપીએલમાં વિવિધ દેશોના ખેલાડીઓ પર સટ્ટો રમાતો હવે દેશ પર રમાશે. શરૂઆતથી જ વર્લ્ડકપમાં ભારત ફેવરીટ છે અને તેમાં પણ આગામી ૯ જુને હાઈ વોલ્ટેજ ગણાતી ભારત - પાક.ની મેચને લઈને ન માત્ર ભારત પણ સમગ્ર દુનિયાની નજર છે. જયારે જયારે ભારત - પાક. વચ્ચે મેચ હોય છે ત્યારે સ્વયંભુ લોકડાઉન જેવી સ્થિતિ સાથે સ્ટેડીયમમાં માંગ્યા દામ આપવા છતા ટિકીટ મળતી નથી. તેવામાં આ મેચ પર હાર - જીતને લઈને અબજો રૂપિયાનો સટ્ટો રમાય તેવી શકયતા છે. ગત વર્ષે આઈપીએલમાં ભુજના શાકભાજીના ધંધાર્થી અને આ વર્ષે અરલના યુવાનને આઈપીએલમાં ર કરોડની લોટરી લાગતા ઓનલાઈન ગેમ રમતા ખેલાડીઓનો વિશ્વાસ વધુ બળવતર બન્યો છે. આ અંગેની વિગતો મુજબ ભારતમાં પૈસા, પ્રતિષ્ઠા અને પાવરનો પર્યાય ક્રિકેટ હવે અમેરિકામાં પ્રથમ વખત ટી-૨૦ વર્લ્ડ કપ ફોર્મેટમાં રમાઈ રહ્યું છે. આ સાથે જે બાબત સૌથી વધુ ચર્ચામાં છે તે સટ્ટાબાજીની છે. ભારતમાં તે ગેરકાયદેસર છે, પરંતુ અમેરિકામાં કાયદેસર છે. તેથી જ ક્રિકેટની રમત ‘ધનવર્ષા’ના નવા વિકલ્પ તરીકે ઉભરી આવી છે. બેટિંગની ૫૦૦ વેબસાઈટ્સ અને એપ સક્રિય થઈ છે. અમેરિકામાં રમત અને સટ્ટાબાજી એકસાથે ચાલે છે. મોટા ભાગની ટી-૨૦ મેચ ન્યૂયોર્કમાં યોજાઈ રહી છે. સટ્ટાબજારના આંકલન પ્રમાણે આ વખતે ટી-ર૦ વિશ્વકપ જીતવા માટે ભારતીય ટીમ અવ્વલ નંબરે ફેવરીટ તરીકે ઉભરી આવી છે. બીજા નંબરે ઓસ્ટ્રેલિયા અને ત્રીજા નંબરે ઈંગ્લેન્ડની ટીમનો દબદબો જોવા મળી રહ્યો છે. કચ્છમાં ઓનલાઈન સાથે ઓફલાઈન રમાતા જુગારનો આંક પણ લાખોને આંબી જાય તેમ છે. જેમાં ઘર પાસે, ફળીયામાં બે મિત્રો કે અન્ય કોઈ સાથે આ ટીમ જીતશે કે બીજી ટીમ ? કઈ ટીમ ટોસ જીતશે ? કયો ખેલાડી કેટલા રન બનાવશે ? વિકેટ સહિતના નાના - નાના મુદ્દાઓ પર દસ રૂપિયાથી માંડી દસ હજાર સુધી દૈનિક સટ્ટો રમાતો હોય છે. મહત્વનું એ છે કે, આ તમામ પ્રવૃતિ મૌખિક થતી હોય છે. જેમાં કોઈ પુરાવા હોતા નથી. જેથી પકડાઈ જવાની બીક રહેતી નથી. ઘણા લોકો ટાઈમપાસમાં આ પ્રમાણે સટ્ટો રમી ગજવા ગરમ કરી લે છે. તો કેટલાક અભ્યાસ કરીને પણ દાવ લગાવે તો પણ પાકીટ ખાલી થઈ જાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ક્રિકેટ સટ્ટો કે ઓનલાઈન ગેમિંગના મુળ ગુજરાતમાં ઊંડા ઉતરી ચૂક્યાં છે. ક્રિકેટ સટ્ટાની એપ્લિકેશનો બનાવવા ઉપરાંત તેની સાથે સંકળાયેલાં બેટિંગ આઈડી વેચવા તેમજ પૈસાની હેરાફેરી માટે ગેરકાયદે બેન્ક ખાતાં ભાડે રાખવાના કારસ્તાન કરતી ટોળકીઓ ગુજરાતમાં કાર્યરત છે. આ નેટવર્ક એટલું મજબૂત છે કે, પોલીસ કે એજન્સીઓ આયોજનબધ્ધ રીતે તપાસ હાથ ધરે તો પણ તેને ધ્વસ્ત કરતાં મહિનાઓ વિતી જાય તેમ છે. કચ્છ જિલ્લામાં દરેક મોટી સ્પર્ધાઓ વખતે સાયબર ક્રાઈમ દ્વારા સટ્ટા પર કાર્યવાહી કરવામાં આવતી હોય છે. જેમાં એકલ - દોકલ નાના સાપોલીયાઓને પકડી સંતોષ માની લેવામાં આવે છે. જયારે મોટા મગરમચ્છો જિલ્લા બહારથી સટ્ટાનું સંચાલન કરતા હોવાથી પોલીસની પક્કડથી દુર જ રહે છે. આઈપીએલની મેચોમાં માત્ર ગાંધીધામ અને મુંદરામાંથી ઓનલાઈન સટ્ટો રમતા ખેલીઓ ઝડપાયા જયારે અન્ય વિસ્તારમાં કાર્યવાહી થઈ જ નથી. એનો મતલબ ભુજ, અંજાર સહિતના વિસ્તારોમાં ઓનલાઈન ક્રિકેટ સટ્ટો નહીં રમાતો હોય ? તેમ માની શકવું અશક્ય છે. ખરેખર પોલીસ ડીજીટલ હોય તો આવા પંટરીયાઓને પકડવા જોઈએ. જો કે પંટરીયાઓને પકડીને સંતોષ માની લેતી પોલીસ મુળ સુધી પહોંચતી નથી. જેની પાછળ હપ્તાખોરી જવાબદાર હોવાના અનેક કિસ્સાઓ અગાઉ સામે આવી ચુકયા છે. દર વખતે ગુજરાતમાં દુર્ઘટના ઘટે ત્યારે સરકાર એક નિવેદન આપતી હોય છે ‘કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે’ આ નિવેદન હવે ગુજરાતના ઘરે ઘરે બાળકોને પણ મોઢે યાદ રહી ગયું છે, તેમ પોલીસ ખાતામાં પણ એક નિવેદન પ્રચલીત છે, ‘સટ્ટોડિયાઓ પર ધાક બેસાડતી કાર્યવાહી કરવામાં આવશે’ પણ વરવી વાસ્તવિકતા કંઈક અલગ છે.

Comments