ગાંધીધામના ખોડિયારનગર ઝુપડામાં યુવાનની ઘાતકી હત્યા
એક મહિનાના ટુંકાગાળામાં જિલ્લામાં હત્યાનો આઠમો બનાવ
પૈસાની લેવડ દેવડ બાબતે યુવાનને રહેંસી નખાયો
ગાંધીધામ : જિલ્લામાં કાયદો - વ્યવસ્થાની કોઈને પરવાહ ન હોય તેમ એક મહિનાના ટુંકાગાળામાં હત્યાનો આઠમો બનાવ સામે આવ્યો છે. શહેરના ખોડિયારનગર ઝુપડા વિસ્તારમાં પૈસાની લેતી દેતી બાબતે યુવાનને છરીના ઘા ઝીકી રહેસી નાખવામાં આવ્યો હતો. આ અંગેની વિગતો મુજબ ફરિયાદી ગોપાલપુરીમાં રહેતા મનોજ શ્રીભગવાન વાલ્મિકીએ એ ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરાવતા જણાવ્યું કે, ર જુનના રાત્રે તેઓ ઘરે હતા ત્યારે ર૦ વર્ષિય ક્રિશના મિત્રો રોહિત મકવાણા અને દિનેશ મેઘવાળ ઘરે આવ્યા અને તમારા દિકરા ક્રિશને ગોલુએ છરી મારી હોવાની વાત કરી હતી. જેથી તાત્કાલિક રામબાગમાં જતા તબીબે યુવાનનું મોત થયું હોવાનું જણાવ્યું હતું. રોહિતથી વાત કરતા તેણે જણાવ્યું કે, તે ક્રિશ અને દેવેન્દ્ર ગોહિલ રેલવે કોલોનીમાં મેદાન પાસે બેઠા હતા ત્યારે ક્રિશે મહાવીર હિરાલાલને ફોન કર્યો અને પૈસાની વાત કરી હતી. મહાવીર તથા તેના ભાઈ દિપક પાસેથી પૈસા લેવાના છે તેમ કહી ત્રણેય જણા બાઈક પર દિપકના ઘરે ગયા ત્યારે ઘરમાંથી જતીન ઉર્ફે ગોલુ કનૈયાલાલ વાલ્મિકી બહાર આવ્યો અને તેણે ક્રિશને કહ્યું કે, તું દિપક પાસે પૈસા કેમ માગે છે ? તેમ કહી ગાળાગાળી કરી ક્રિશે ગાળો બોલવાની ના પાડતા આરોપી ઉશ્કેરાઈને ક્રિશને મારતા ડાબી સાથળમાં વાગતા ગંભીર ઈજાઓ થઈ હતી. જેને સારવાર માટે તાત્કાલિક રામબાગમાં લઈ જતા તબીબે મૃત જાહેર કર્યો હતો. જેથી જતીન સામે હત્યાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. એ ડિવિઝન પોલીસે આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Comments