Trending News
સ્થાનિક સમાચાર

મતગણતરી માટે તંત્રની આખરી તબકકાની તડામાર તૈયારીઓ : જિલ્લા ચૂંટણી તંત્રે વ્યવસ્થાનું કર્યું નિરીક્ષણ અને સમીક્ષા

03 June



ભુજની એન્જિનિયરિંગ કોલેજ ખાતે ચાલી રહેલી આખરી તૈયારીઓની સમીક્ષા કરી સુચારૂ વ્યવસ્થા ગોઠવવા આપ્યા જરૂરી દિશાનિર્દેશ 



ભુજ : કચ્છ લોકસભા બેઠક પર તા.૭ મેના રોજ મતદાન પૂર્ણ થયા બાદ તમામ ઇવીએમને ભુજની સરકારી એન્જીનીયરીંગ કોલેજના સ્ટ્રોંગ રૂમમાં અર્ધલશ્કરી દળોના જવાનોની સુરક્ષા વચ્ચે સીલ કરવામાં આવ્યા હતા. આવતીકાલે મતગણતરીનું આયોજન હોવાથી કચ્છ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અમિત અરોરાના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર દ્વારા માઇક્રો પ્લાનિંગ સાથે તૈયારીઓ કરી લીધા બાદ જિલ્લા ચૂંટણી તંત્રે વ્યવસ્થાનું નિરીક્ષણ અને સમીક્ષા કરી સુચારૂ વ્યવસ્થા ગોઠવવા જરૂરી દિશાનિર્દેશ આપ્યા છે. આ અંગેની વિગતો મુજબ ૧૮મી લોકસભાની ચૂંટણી માટે ૭મી મેના કચ્છ સહિત રાજ્યની રપ બેઠક પર ત્રીજા તબક્કામાં મતદાન થયું હતું. કચ્છ લોકસભા બેઠક પર પ૬.૧૪ ટકા મતદાન થયું હતું. કચ્છ જિલ્લાના છ વિધાનસભાના મત વિસ્તારમાં પપ.૭૭ ટકા મત પડયા હતા. કચ્છ બેઠક પર પ,૯૯,૧૦પ પુરૂષ અને ૪,૯૧,૭૬પ તથા ૮ અન્ય મળી કુલ્લ ૧૦,૯૦,૮૭૮ મતદારોએ પોતાની બંધારણીય ફરજ અદા કરી હતી. કચ્છ લોકસભા બેઠકના ભાજપ-કોંગ્રેસ સહિત ૧૧ ઉમેદવારના રાજકીય ભાવિનું આવતીકાલે ફેસલો થવાનું છે ત્યારે મત ગણતરીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું હોઈ જિલ્લા તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવાનો ધમધમાટ પરાકાષ્ટાએ પહોંચી ગયો છે. ભુજની સરકારી ઇજનેર કોલેજ ખાતે આવતીકાલે એટલે કે, ૪ જુને સવારના આઠ વાગ્યાથી મતગણતરીનો પ્રારંભ થશે. જેમાં આઠ હોલમાં મતગણતરી થશે. વિધાનસભા વિસ્તારવાઇઝ બેઠકના સાત હોલ અને એક પોસ્ટલ બેલેટના હોલનો સમાવેશ થાય છે. ઉપરોક્ત આઠેય હોલમાં ૧૪ ટેબલ ઉપર મહત્તમ ૨૭ જેટલા રાઉન્ડમાં મતગણતરી કરવામાં આવશે. ટેબલ દીઠ સુપરવાઇઝર, આસિ.સુપરવાઇઝર, માઇક્રો ઓબ્ઝર્વર સહિતના મળી ર૦૦૦ જેટલા કર્મચારીઓની અંતિમ તારવણી આવતીકાલે સવારે પાંચ કલાકે કરવામાં આવશે. ભુજની સરકારી ઇજનેરી કોલેજના પાછળના ભાગે ત્રિસ્તરીય કડક સુરક્ષા વ્યવસ્થા સાથે મતગણતરીની કામગીરી વિનાવિઘ્ને અને સુચારૂપણે પાર પાડવા ચૂંટણીતંત્ર દ્વારા વ્યવસ્થિત આયોજન હાથ ધરાયું છે. મત ગણતરી પ્રક્રિયા માટે ત્રણ ઓબ્ઝર્વરની નિમણૂંક કરવામાં આવી છે.  વિધાનસભા મત વિભાગવાર મત ગણતરી હોલની વ્યવસ્થા તેમજ મીડિયા રૂમની વ્યવસ્થાનો પણ અધિકારીઓએ સાથે નિરીક્ષણ કર્યું હતું. મતગણતરી માટેના સ્ટાફ તેમજ રીટર્નિંગ ઓફિસરો, ઉમેદવારો, એજન્ટો, ઓબ્ઝર્વર, માઇક્રો ઓબ્ઝર્વર સહિતના ઉચ્ચ અધિકારીઓ માટે અલગ-અલગ વિભાગવાર ગોઠવાયેલ વ્યવસ્થા સહિત કયાંય કોઇ અવ્યવસ્થા ઊભી ન થાય તે માટે બેરીકેટીંગ, દિશા નિર્દેશક બોર્ડ, પ્રવેશ માટેના માર્ગો ઉપર સુરક્ષાની ચકાસણી સહિતના પાસાંઓ અને વ્યવસ્થા સંબંધે જિલ્લા ચૂંટણી અધિકારીએ દિશાનિર્દેશ આપ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, મત ગણતરી પ્રક્રિયામાં એક રાઉન્ડમાં ૧૪ બુથના મતની ગણતરી કરાશે. કચ્છ લોકસભા બેઠક પર અબડાસા વિધાનસભા મતક્ષેત્રમાં સૌથી વધુ બુથ આવેલા હોઈ સૌથી લાંબી ગણતરી અબડાસા વિધાનસભા ક્ષેત્રની રહેશે. એક રાઉન્ડમાં ૧૪ બુથની ગણતરી થવાની હોવાથી અબડાસા બેઠક પર ૩૭૩ બુથ હોવાથી ર૭ રાઉન્ડ સુધી ગણતરી ચાલશે જયારે માંડવી વિધાનસભા ક્ષેત્રમાં સૌથી ઓછા ર૮૦ બુથ હોવાથી ર૦ રાઉન્ડમાં ગણતરી હાથ ધરવામાં આવશે. ભુજ, ગાંધીધામમાં રર રાઉન્ડ, અંજાર, રાપર અને મોરબીમાં ર૧ રાઉન્ડમાં મત ગણતરી હાથ ધરાશે. સૌ પ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી હાથ ધરાયા બાદ ઈવીએમની ગણતરી શરૂ થશે.


.........


મત ગણતરી કેન્દ્ર પર ત્રિસ્તરીય સુરક્ષા બંદોબસ્ત : સાગર બાગમાર



પોલીસ અધિકારી - કર્મચારી સહિત પપ૦થી વધુ કર્મીઓ રહેશે તૈનાત



ભુજ : કચ્છ લોકસભા બેઠકની આવતીકાલે મત ગણતરી હાથ ધરાવાની છે ત્યારે આજે મત ગણતરી સ્થળ એવા ભુજ એન્જીનીયરીંગ કોલેજની કચ્છ કલેકટર અને મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારી અમિત અરોરા, ઓબ્ઝર્વર સહિતના ઉચ્ચ અધિકારીઓએ મુલાકાત લઈ તમામ વ્યવસ્થાનો નિરીક્ષણ કર્યું હતું. પશ્ચિમ કચ્છના ઈન્ચાર્જ પોલીસવડા સાગર બાગમારે વિગતો આપતા જણાવ્યું કે, આવતીકાલે મત ગણતરી પ્રક્રિયા હાથ ધરાવાની હોઈ તમામ કામગીરી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે હેતુથી તમામ વ્યવસ્થાનો બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવ્યું છે. મત ગણતરી હોલ સહિત સમગ્ર સંકુલમાં ત્રિસ્તરીય સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે જેમાં પોલીસ અધિકારી - કર્મચારી સહિત પપ૦થી વધુ કર્મીઓ ફરજમાં તૈનાત રહેશે. ગરમીનું પ્રમાણ વધુ હોઈ મત ગણતરી કેન્દ્રમાં હાજર રહેલા લોકોને કોઈ પરેશાની ન થાય તે માટે પાણી સહિતની પુરતી વ્યવસ્થા રાખવામાં આવશે. આરોગ્યની ટીમ પણ તૈનાત રહેશે. 

..........



 

Comments

COMMENT / REPLY FROM