Trending News
સ્થાનિક સમાચાર

પ૦ ઈન્કમટેક્સ અધિકારીઓએ પુનઃ ઈન્સ્પેક્ટર બનવા કરી અરજી...!

02 June

લો... બોલો... આયકર વિભાગમાં ઉલટી ગંગા....


પ૦ ઈન્કમટેક્સ અધિકારીઓએ પુનઃ ઈન્સ્પેક્ટર બનવા કરી અરજી...!


તાજેતરમાં પ્રમોશન મેળવી ઓફિસર બનેલા ૧પ૦ પૈકીના પ૦ કર્મીઓએ નવી સિસ્ટમ અને કામના ભારણથી પ્રમોશન જતું કરવાની દર્શાવી તૈયારી



ભુજ : કોઈપણ સરકારી વિભાગમાં નોકરી કરતા કર્મચારીનું બઢતી થાય તે એક સ્વપ્ન રહેતું હોય છે. પોતાના જ વિભાગમાં હોદ્દો અને મોભો વધે તેવી મહેચ્છા દરેક સરકારી કર્મચારી રાખતા જ હોય છે, પરંતુ ઈન્કમટેક્સ વિભાગમાં જાણે ઉલટી ગંંગા વહેતી હોય તેમ તાજેતરમાં ઈન્સ્પેક્ટરમાંથી બઢતી મેળવી આઈટી ઓફિસર બનેલા ૧પ૦ કર્મીઓ પૈકીના અંદાજે પ૦ અધિકારીઓએ પોતાને ફરી ઈન્સ્પેક્ટર બનાવી દેવા અરજી કરી  હોવાનું ચર્ચાઈ રહ્યુ છે. કોઈને પણ ઝટ ગળે ન ઉતરે તેવી આ વાત ખરી હકીકત છે. ઈન્સ્પેક્ટરમાંથી બઢતી મેળવીને અધિકારી બનેલા પ૦ કર્મીઓએ પોતાને એક પાયરી ઉતારી દેવાની અરજ કરતા ઈન્કમટેક્સ વિભાગમાં હડકંપ મચી ગયો છે.
અત્યંત વિશ્વાસપાત્ર સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર તાજેતરમાં આઈટી વિભાગમાં સામૂહિક બઢતીનો ગંજીફો ચીંપાયો હતો, જેમાં ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતા ૧પ૦ જેટલા આઈટી ઈન્સ્પેક્ટરોને પ્રમોશન આપી ઓફિસર બનાવાયા, પરંતુ આઈટી વિભાગમાં કાર્યરત થયેલી નવી કામકાજી સિસ્ટમના કારણે ભારે વર્કલોડ અને કામના ભારણથી પરેશાન થઈ ૧પ૦ પૈકીના પ૦ અધિકારીઓએ ફરી ઈન્સ્પેક્ટર બની જવાની મહેચ્છા વ્યક્ત કરી છે.
આધુનિક ટેકનોલોજીના દોરમાં આઈટી વિભાગમાં પણ મોટા ફેરફાર થઈ રહ્યા છે. સૂત્રોનું માનીએ તો ઈન્કમટેક્સ અને જીએસટીને મર્જ કરી દેવાની યોજના પર કામ ચાલી રહ્યું છે. ખાસ કરીને એક્સાઈઝ અને સર્વિસ ટેક્સ નાબુદ થયા બાદ સેન્ટ્રલ જીએસટી વિભાગ પાસે માત્ર ર૦ ટકા કામકાજનું ભારણ રહ્યું છે. સ્ટેટ જીએસટી વિભાગમાં સ્ટાફ - મહેકમ ઓછું છે, પરંતુ કામગીરીનું મોટા ભાગનું ભારણ સ્ટેટ જીએસટી વિભાગ પાસે જ છે. જ્યારે સેન્ટ્રલ જીએસટી વિભાગમાં હાલે જે કામકાજ બચ્યું છે તે માત્ર ૧૦ ટકા સ્ટાફથી જ ચાલી શકે તેમ છે. 
ગાંધીધામ જીએસટી વિભાગમાં કામકાજના ભારણના લીધે છેલ્લા ૪ મહિનામાં નિમણૂંક પામેલા અધિકારીઓ પૈકીના ૯ ઓફિસરો હજુ સુધી જોઈન પણ થયા નથી, તો છ જેટલા અધિકારીઓ જીએસટી વિભાગમાં જોઈનીંગ લીધા બાદ અન્ય વિભાગમાં ટ્રાન્સ્ફર મેળવી ચાલ્યા ગયા છે. હાલે ગાંધીધામમાં કાર્યરત ટીમમાંથી મોટા ભાગના કર્મચારીઓમાં નવા હોવાના કારણે અનુભવનો અભાવ જોવા મળી રહ્યો છે. તો કેટલાક અધિકારીઓને ડ્રાફટીંગનું પણ જ્ઞાન ન હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. સ્ટાફના સિનિયર અધિકારીઓ એક્સટેન્સનના ચક્કરમાં સરકાર સાથેના સંબંધોમાં ખટાશ ન આવે તે રીતે મૌન સેવી રહ્યા છે અને કામકાજજ જેે રીતે ચાલી રહ્યું છે તેની સામે આંખ આડા કાન કરી રહ્યા છે.
જ્યાં એક તરફ બેરોજગાર યુવાનો સરકારી નોકરી મેળવવા નાની - મોટી દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપી પોતાનું ભાગ્ય અજમાવી રહ્યા છે તો બીજી તરફ આયકર વિભાગમાં વહેતી ઉલટી ગંગાએ સરકારી કર્મચારી બેડામાં નવી ચર્ચાઓને વેગ આપ્યો છે.
.............

ઈન્કમટેક્સ વિભાગમાં અનુભવી અધિકારીઓની ઘટ 


ભુજ : એક બાજુ ઇન્કમટેક્સ વિભાગના સંચાલનને જીએસટી  સાથે મર્જર કરવાનું સંભાળવા મળી રહ્યું છે. તો બીજી તરફ સ્ક્રુટીની જેવા મહત્વના કામો પણ પ્રાઇવેટાઈઝ થઈ શકે તેવા સમાચાર આવી રહ્યા છે. ઇન્કમટેક્સની નવી સિસ્ટમ દાખલ થયા પછી અનેક અધિકારીઓ રાજીનામાં આપી રહ્યા છે. તે વાત પણ હવે જાહેરમાં જુની અને જાણીતી બની ગઈ છે, તો આઈટી વિભાગમાં ચર્ચાતી વિગતો મુજબ અમુક અધિકારીઓ બઢતી જતી કરી, પાછા ઈન્સ્પેક્ટર બનાવવા માટે અરજીઓ કરી છે તે સમાચાર નવાઈ પમાડે તેવા છે. તેવી પણ માહિતી પ્રાપ્ત થાય છે કે અનેક રાજીનામાં બાદ, ઇન્કમટેક્સ વિભાગને અનુભવી અધિકારીઓની સ્પષ્ટ કમી વર્તાય રહી છે. આથી જ એક એસીઆઈટીના અધિકારીઓને અનેક જગ્યાના ચાર્જ સોંપવામાં આવ્યા છે. 
 

Comments

COMMENT / REPLY FROM