કચ્છના મદરેસાઓમાં શિક્ષણ તંત્રનું રિસર્વે સંપન્ન
જિલ્લાના મદરસેામાં જતા ૩૭ બાળકો નિશાળે ન જતા હોવાનું મળ્યું તારણ : ૬થી ૧૪ વર્ષની વયજૂથના બાળકોને આગામી શૈક્ષણિક વર્ષના પ્રારંભે જ કરાવાશે શાળા પ્રવેશ
નેશનલ કમીશન ફોર પ્રોટેકશન ઓફ ચાઈલ્ડના નિર્દેશ અનુસાર થયેલા પ્રારંભિક સર્વેક્ષણમાં કચ્છમાં મદરેસાએ જતા ૬૦૦ બાળકો શાળાએ જતા ન હોવાનું આવ્યું હતું સામે : કચ્છ શિક્ષણ તંત્ર દ્વારા જિલ્લાના તમામ મદરેસાઓમાં હાથ ધરાઈ હતી રિસર્વેની કામગીરી
ભુજ : નેશનલ કમિશન ફોર પ્રોટેકશન ઓફ ચાઈલ્ડ રાઈટ્સના આદેશના પગલે ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા કચ્છ સહિત ગુજરાતના ૧૩૦૦ જેટલા મદરેસાઓમાં તપાસ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ અંગે પ્રથમ વખત થયેલા સર્વેમાં કચ્છ જિલ્લામાં અંદાજીત ૬૦૦ જેટલા મદરેસામાં જતા બાળકો શાળાએ ન જતા હોવાનું ચોંકાવનારું તારણ સામે આવ્યું હતું. જોકે, તમામ મદરેસાઓમાંથી ચોક્કસ માહિતી એકત્ર કરવા કચ્છ શિક્ષણ તંત્ર દ્વારા રિ-સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં કચ્છના માત્ર ૩૭ બાળકો એવા મળી આવ્યા હતા જેઓ શાળાએ જતા નથી. આ તમામ બાળકોને આગામી શૈક્ષણિક વર્ષના પ્રારંભે શાળામાં દાખલ કરવાની કવાયત હાથ ધરવામાં આવી હતી.
આ અંગે વિગતો આપતા જિલ્લા શિક્ષણાધિકારી સંજયભાઈ પરમારે જણાવ્યું હતું કે, પ્રારંભિક તબક્કે જે આંકડા સામે આવ્યા હતા તેમાં વિસંગતતાઓ જણાતા શાળાએ ન જતા બાળકો અંગે ચોક્કસ માહિતી અને આંક મેળવવા માટે રીસર્વે કરવામાં આવ્યું હતું. રીસર્વે બાદ કચ્છ જિલ્લામાં મદરેસા જતા રરરર બાળકો પૈકી માત્ર ૩૭ બાળકો એવા મળી આવ્યા છે જે મદરેસામાં જાય છે પરંતુ શાળાએ જતા નથી. આ તમામ બાળકોને આગામી શૈક્ષણિક વર્ષના શાળા પ્રવેશોત્સવ દરમિયાન શાળામાં દાખલ કરવામાં આવશે. શાળાએ ન જતા બાળકોનો વાસ્તવિક આંક માત્ર ૩૭ જ હોવાથી તેમને શાળામાં પ્રવેશ અપાવવાની કામગીરી એકાદ દિવસમાં જ પૂર્ણ થઈ શકશે.

Comments