Trending News
સ્થાનિક સમાચાર

ભવાનીપરમાં શિકાર માટે નિકળેલી ટોળકી ઝડપાઈ

31 May


એસઓજીએ બંદુક, જીવંત કારતુસ, છરી સહિતનો મુદ્દામાલ કબજે કર્યો : અવાર-નવાર લખપત અને અબડાસા વિસ્તારમાં વન્ય પ્રાણીના શિકારની સામે આવે છે ઘટના : પોલીસ દ્વારા શિકારી પ્રવૃત્તિ અટકાવાય તો વનવિભાગ કરે છે શું ? ફોરેસ્ટ વિભાગની કામગીરી સામે ઉઠ્યા સવાલો 


ભુજ : અબડાસા તાલુકાના કનકપરથી ભવાનીપર જતા કાચા રસ્તે વન્યપ્રાણીના શિકાર માટે નિકળેલ શિકાર ટોળકીને ગેરકાયદે દેશી બંદુક, જીવંત કારતુસ, છરીઓ સાથે એસઓજીએ ઝડપી પાડી શિકારના મનસુબાને નાકામ બનાવ્યો છે.
આ અંગેની વિગતો મુજબ એસઓજીને બાતમી મળી હતી કે, અબડાસાના નુંધાતડમાં રહેતા અનવર સતાર ખલીફા, હારૂન મામદ સાડ અને હનીફ રમઝાન સાડ વન્ય પ્રાણીનો શિકાર કરવા માટે જવાના છે. જે બાતમીના આધારે રેડ કરવામાં આવી હતી. જેમાં આરોપીઓના કબજામાંથી હથિયારો મળી આવ્યા હતા. જે બાબતે પુછપરછ કરતા યોગ્ય હકિકત જણાવી ન હતી. તપાસ કરતા ત્રણેય ઈસમો જંગલ વિસ્તારમાં શિકાર કરવા માટે જતા હોવાનું સામે આવ્યું હતું. જેથી દેશી બનાવટની બંદુક, ૧ર બોર ગનના જીવંત ૪ કારતુસ, એક ખાલી કારતુસ, નાની મોટી બે છરી, લોખંડના ત્રણ સળીયા, ચાર મોબાઈલ, પલ્સર બાઈક, કોથળા સહિતના ૧,૩૮,૦૬૦/-નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. આરોપીઓ સામે નલિયા પોલીસમાં ગુનો દાખલ કરાવાયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, લખપત અને અબડાસા વિસ્તારમાં અવાર-નવાર પોલીસ દ્વારા શિકારી પ્રવૃત્તિનો પર્દાફાશ કરવામાં આવે છે પરંતુ જવાબદાર એવા વન વિભાગ દ્વારા કોઈ પગલાં ભરવામાં ન આવતા વનવિભાગની કામગીરી સામે  સવાલો ઊભા થયા છે. 

Comments

COMMENT / REPLY FROM