સામખિયાળી ટોલનાકે છોટાહાથીમાંથી બે લાખનો શરાબ ઝડપાયો
ગાંધીધામ : અંજારના શખ્સોએ રાપરના પલાંસવામાં રહેતા શખ્સ પાસેથી મંગાવેલો દારૂ સામખિયાળી ટોલનાકે ઝડપાઈ ગયો છે. બે લાખનો દારૂ એલસીબીએ કબજે કરી કુલ્લ છ શખ્સો સામે ફરિયાદ દાખલ કરી છે.
સામખિયાળી વિસ્તારમાં એલસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળી કે છોટાહાથી નંબર જી.જે.૧ર.બી.ઝેડ.૩૭ર૬ માં દારૂ ભરીને આ વાહન લાકડીયાથી અંજાર તરફ જવાનું છે. જેથી બાતમીના આધારે ટોલનાકા પાસે વાહનને રોકાવતા ચાલક ભાગ્યો હતો. જેને પીછો કરીને ઝડપી લેવામાં આવ્યો હતો. ચાલક અંજારના કાસમશા ભકરશા શેખ અને ક્લિનર નાની ખેડોઈના શુભમ હરેન્દ્રભાઈ ગજ્જરની અટકાયત કરી વાહનમાં તપાસ કરતા દારૂની પેટીઓ મળી આવી હતી. વાહનમાંથી અલગ અલગ બ્રાન્ડની દારૂની ૬૦૩ બોટલ કિંમત રૂા. ર,૧૧,૦પ૦/-નો મુદ્દામાલ મળી આવ્યો હતો. દારૂ બાબતે પુછપરછ કરતા આ દારૂ ભરવા માટે અંજારના જાફરશા કાસમશા શેખ અને સચીન ઉર્ફે મારાજ વિનોદભાઈ પંડયાએ મોકલાવ્યો હોવાનું જણાવી દારૂ પલાંસવાના જીવણ ભરવાડ અને ભીમા ભરવાડે ભરી દીધો હોવાની કેફીયત આપી હતી. પોલીસે ઝડપાયેલા બે શખ્સો પાસેથી દારૂ તેમજ પાંચ લાખનો છોટાહાથી, ર૦ હજારના બે મોબાઈલ કબજે કરી કુલ્લ છ ઈસમો સામે સામખિયાળી પોલીસમાં ગુનો દાખલ કર્યો છે.

Comments