Trending News
સ્થાનિક સમાચાર

ભીમાસરના પ્લોટમાંથી ૬.૭પ લાખનો ૯ હજાર લીટર શંકાસ્પદ પેટ્રોલિયમ પદાર્થ કરાયું સીઝ

29 May




કંડલાના એસએસસી ટર્મીનલમાંથી માલ મેળવાયો હોવાનો ખુલાસો : સ્થાનીકે સેફટીના સાધનો કે આધાર પુરાવા ન મળી આવતા ગાંધીધામ એસઓજીની કાર્યવાહી



ગાંધીધામ : રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં બીજા માળે મોટી માત્રામાં સંગ્રહ કરીને રાખેલ ઈંધણના કારણે આગ પ્રસરી હતી, જે બાદ સમગ્ર રાજયમાં સરકાર અને તંત્ર હરકતમાં આવ્યું છે ત્યારે અંજારના ભીમાસરમાં આવેલા પ્લોટમાં ૯ હજાર લીટર પેટ્રોલિયમ પદાર્થ સંગ્રહ કરીને રાખવામાં આવ્યો હતો. પરંતુ સ્થાનીકે આધાર પુરાવા કે સેફટીના સાધનો રાખવામાં ન આવતા એસઓજીએ મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અંજાર વિસ્તારમાં એસઓજીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે અંજારથી ભીમાસર જતા હાઈવેની બાજુમાં આવેલ બી એન એગ્રીટેક કંપની પાસે આવેલ સર્વે નંબર ૪૦પ માં સોમનાથ એન્ટરપ્રાઈઝના પ્લોટમાં શંકાસ્પદ રાખેલો પેટ્રોલિયમ પદાર્થનો ગેરકાયદે જથ્થો મળી આવ્યો હતો. સ્થળ પર મળી આવેલા ભીમાસરના માદેવા રામજીભાઈ હુંબલ પાસે પ્લોટના કબજા બાબતે આધાર - પુરાવા માંગતા ગામનો ૭ નો નમુનો રજુ કર્યો હતો. પ્લોટના ખુણામાં ટેન્કર નંબર જી.જે.૦ર એકસ ૧૮૮૧ વાળો રાખેલ હતું. જેમાં વાલ્વ બોકસ અને મીટર બોકસમાં નોઝલ લગાવેલી હતી. ટેન્કરમાં પેટ્રોલિયમ પદાર્થ હોઈ તપાસ કરતા ચાર ખાનામાં સીલ જોવા મળ્યા ન હતા. ગેજ પટ્ટીથી માપીને જોતા આ ટેન્કરમાં કુલ્લ ૯ હજાર લીટર શંકાસ્પદ પેટ્રોલિયમ પદાર્થ હોવાનું જાણવા મળ્યું હતું. પુછપરછ કરતા આ પેટ્રોલિયમ પદાર્થનો ટ્રેઈલરમાં ઈંધણ તરીકે ઉપયોગ કરતા હોવાનું જણાવ્યું હતું. જેથી નમુના મેળવી તપાસ માટે મોકલવામાં આવ્યા છે. ઈંધણ કયાંથી મેળવ્યું તે બાબતે પુછતા કંડલા એસએસસી ટર્મીનલમાંથી મેળવ્યું હોવાની કબુલાત આપી હતી. ભાવીન મહેતા નામના શખ્સે આ ઈંધણ મોકલાવ્યું હતું. પોલીસે ચાર લાખનો ટેન્કર, ૬.૭પ લાખનું ઈંધણ, મીટર બોકસ, પાઈપ, ઈલેકટ્રીક વાયર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. પ્લોટમાં મળી આવેલા માદેવા રામજીભાઈ હુંબલ પાસે મુદ્દામાલ સંગ્રહ કરવા માટે કે વેચાણ માટે કોઈ આધાર - પુરાવા મળી આવ્યા ન હતા. જેથી શક પડતા મુદ્દામાલ તરીકે માલ કબજે રાખી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપીએ સ્થાનીકે ઈંધણ રાખી સેફટીના સાધનોની વ્યવસ્થા કરી નહોતી, તેમજ લાયસન્સ કે એનઓસી ન મેળવતા પગલા ભરવામાં 
આવ્યા છે.

Comments

COMMENT / REPLY FROM