કચ્છમાં ઘેટા-બકરાની જેમ પેસેન્જરો ભરી દોડતા ખાનગી વાહનોને હવે ‘સ્થળ પર જ દંડ’
જિલ્લામાં એસટીની અપુરતી સુવિધાઓ વચ્ચે ખાનગી મુસાફર વાહનોની બોલબાલા વધી : વધુ પૈસા કમાઈ લેવાની લ્હાયમાં ખાનગી વાહન ચાલકો મુસાફરોના જીવને મુકી રહ્યા છે જોખમમાં : કાયદાનું ઉલ્લંઘન કરતા વાહનો સામે દંડનીય કાર્યવાહી માટે નોટીફિકેશન જારી કરવા કવાયત
ભુજ : કચ્છમાં એસટીની અપુરતી સુવિધાઓ વચ્ચે ખાનગી મુસાફર વાહનોની બોલબાલા વધી છે. જિલ્લા મથક ભુજથી માંડી કચ્છના તમામ તાલુકા મથકો પરથી ખાનગી લકઝરી બસોથી માંડી રીક્ષા, છકડો સુધીના મુસાફર વાહનોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. વધુ પૈસા કમાઈ લેવાની લ્હાયમાં ખાનગી વાહન ચાલકો મુસાફરોના જીવને જોખમમાં મુકતા અચકાતા નથી. વાહનની ક્ષમતા કરતા અનેકગણા વધુ પ્રવાસીઓને ઠાંસી માતેલા સાંઢની જેમ વાહનો ધોરીમાર્ગ પર દોડતા નજરે ચડી રહ્યા છે ત્યારે હવે આવા વાહનોને સરકારી કાયદા-નિયમોના ભંગ બદલ દંડ-પેનલ્ટીરૂપે વધુ એક કોરડો વિંઝવાની તૈયારી કરવામાં આવી છે. રાજય સરકારે સ્થળ પર જ દંડ લાગુ કરવાનો નિર્ણય લીધો છે અને તુર્તમાં તે અમલમાં મુકતુ નોટીફીકેશન જારી કરાશે તેવું સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.
આ અંગેની વિગતો મુજબ મોટર વ્હીકલ એકટ હેઠળ કોઈપણ વાહનમાં આરસી બુકમાં નિર્દિષ્ટ સંખ્યા કરતા વધુ લોકો બેસી શકતા નથી. કારમાં પેસેંજર ક્ષમતા પાંચની હોય છે. પરંતુ ઘણા કિસ્સામાં વધુ લોકો મુસાફરી કરતા હોય છે. ઓટો રીક્ષામાં માત્ર ત્રણ મુસાફરોને જ બેસાડવાના હોય છે પરંતુ કચ્છમાં એક રીક્ષામાં બમણાથી વધુ મુસાફરોને બેસાડી રીક્ષા ચાલકો ટ્રાફિક પોલીસની સામેથી પસાર થતા જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત શહેરોથી લઈને ગ્રામીણ પટ્ટા વચ્ચે દોડતા તુફાન, છોટાહાથી, બોલેરો, મીનીબસ, લકઝરી જેવા વાહનો ક્ષમતાથી વધુ મુસાફરો ભરી બેફામ દોડી રહ્યા છે. તો કેટલાક ખાનગી વાહનો ટેકસી પાસીંગ ન હોવા છતાં મુસાફરોની હેરફેર કરી ટેકસની ચોરી સાથે લોકોના જીવ પર મોટું જોખમ ઉભું કરી રહ્યા છે. થ્રી વ્હીલરથી માંડીને કાર-બસ સહિતના વાહનોમાં નિયત ક્ષમતા કરતા વધુ લોકોનો પ્રવાસ સામાન્ય થઈ ગયો છે ત્યારે આ ટ્રેન્ડ રોકવા માટે રાજય સરકારે સ્થળ પર જ દંડ લાગુ કરવાનો નિર્ણય લીધો છે જે અંતર્ગત થ્રી વ્હીલર માટે રૂા.૫૦ તથા કાર અને અન્ય વાહનો માટે રૂા.૨૦૦ નકકી કરાયા છે અને તુર્તમાં તે અમલમાં મુકતુ નોટીફીકેશન જારી થશે તેવું જાણવા મળી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં તાજેતરમાં સર્જાયેલા અકસ્માતોમાં વાહનોમાં વધુ પ્રવાસીઓ હોવાનુ માલુમ પડયુ હતું અને તેના પગલે સરકારે કડક કાર્યવાહી કરવાનુ નકકી કર્યુ હતું. આરટીઓએ તાજેતરમાં ખાસ અભિયાન પણ ચલાવ્યુ હતું. એક કિસ્સામાં વાહનમાં નિયત કરતા ૧૦ પ્રવાસી વધુ નિકળતા ચાલકને ૨૦૦૦નો દંડ ફટકારાયો હતો. મામલો અદાલતના દ્વારે પહોંચતા સતાવાર નોટીફીકેશન ન હોવાથી દંડ રદ્ કરવામાં આવ્યો હતો. અદાલતે મોટર વ્હીકલ એકટ હેઠળ કાર્યવાહી કરવાનો આદેશ કર્યો હતો. અદાલતી ચુકાદા છતા સતાવાર નોટીફીકેશન ન હોવાથી તંત્રના હાથ બંધાયેલા હતા. હવે મહારાષ્ટ્ર દેશના અન્ય રાજ્યોનું અનુસરણ કરી ગુજરાતમાં પણ ચૂંટણી પરિણામ બાદ નોટીફીકેશન જારી કરી કાયદાને ઘોળીને પી જતા મુસાફર વાહનો સામે દંડની તલવાર ઉગામવામાં આવશે.

Comments