કચ્છના મદરેસાઓમાં શિક્ષણતંત્રના રીસર્વેનો ધમધમાટ શરૂ
નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સના નિર્દેશના પગલે ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા મળેલા આદેશ અનુસાર કચ્છમાં કરાયેલ સર્વેમાં પ્રથમ તબક્કે ૬૦૦ બાળકો શાળાઓે જતા જ ન હોવાનો આંક આવ્યો હતો સામે : જો કે, કચ્છના શિક્ષણતંત્રએ કહ્યુ કે, એવુ નથી, મોટાભાગના બાળકો શિક્ષણ મેળવે જ છે, છતા રીસર્વે હાથ ધરાયો છે, બે-ત્રણ દીવસ બાદ વધુ ચોકકસ આંક સામે આવી શકે : શ્રી સંજય પરમાર(જિલ્લા પ્રા. શિક્ષણાધીકારી)
શિક્ષણ વિભાગ દ્વારા હાથ ધરાયેલ મદરેસાઓની તપાસમાં સામે આવ્યું તારણ : રાજ્યમાં મદરેસામાં જતા ૮૦ હજાર બાળકોમાંથી ૭ હજાર બાળકો શાળાના પગથિયા જ નથી ચડ્યા
ભુજ : નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સના નિર્દેશના પગલે ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના તમામ મદરેસાઓમાં તપાસ અભિયાન ચલાવાયું હતું. રાજ્યના ૧૩૦૦ મદરેસામાં શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવેલી તપાસમાં ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે. કચ્છ જિલ્લામાં હાથ ધરાયેલ તપાસમાં ૬૦૦ બાળકો એવા મળી આવ્યા હતા, જે માત્ર મદરેસામાં જ જાય છે. તેમણે ક્યારેય શાળા જોઈ જ નથી ! જ્યારે રાજ્યમાં તેવા ૭ હજાર બાળકો છે, જે ક્યારેય શાળાએ ગયા જ નથી. રાજ્યના શિક્ષ વિભાગે હવે તેવા તમામ બાળકોને શાળામાં પ્રવેશ અપાવવા કવાયત હાથ ધરી છે.
જો કે, બીજીતરફ આ બાબતે કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધીકારીશ્રી સંજય પરમારની સાથે વાતચીત કરવામાં આવતા તેઓએ જણાવ્યુ હતુ કે, વાસ્તવિકતામાં ૬૦૦ બાળકો શાળાએ જતા જ ન હોય તેવુ નથી. જયારે સર્વે પ્રથમ વખત કરવામા આવ્યો હતો તે વખતે જે માહીતીઓ એકત્રીત કરાઈ હતી તેમાં મદરેસાઓમાં કુલ્લ બાળકોની સંખ્યાઓ જ અમુક જગ્યાએથી મળવા પામી હતી એટલે આંક ૬૦૦ જેટલા લાગી રહ્યો છે. પરંતુ ફરીથી આ અંગેની ચોકકસ માહીતીઓ અને આંક તથા નામો સહિતની માહીતીઓ મેળવવા માટે રીસર્વે કચ્છના શિક્ષણ વિભાગ દ્વારા હાથ ધરવામા આવ્યો છે અને અત્યાર સુધીમાં જે તપાસો થવા પામી છે તે મદરેસાઓના બાળકો શિક્ષણ વિભાગ મેળવતા હોવાનુ જ સામે આવી રહ્યું છે. આ રીસર્વેની કામગીરી અંદાજીત બેથી ત્રણ દીવસ સુધી હજુ પણ ચાલશે તે બાદ સ્ક્રુટીનાઈઝ કરાય તે પછી જ સાચુ ચિત્ર વધારે સારી રીતે સામે આવવા પામી શકે. જો કે શ્રી પરમારે કહ્યુ કે, મદરેસામાં જતા બાળકો પ્રાથમિક શિક્ષણ પણ મહદઅંશે મેળવતા હોય તેવુ જ સર્વે દરમ્યાન સામે આવ્યુ છે.
નોધનીય છે કે, નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સના નિર્દેશ બાદ ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા કચ્છ સહિત રાજ્યના ૧૩૦૦ જેટલા મદરેસામાં સર્વે અભિયાન ચલાવાયું હતું. આ તપાસમાં ૧૩૦૦ મદરેસામાં લગભગ ૮૦ હજાર બાળકો નોંધાયા હોવાનું જાણવા મળ્યું હતું. રાજ્યના શિક્ષણ વિભાગે કુલ ૭ હજારથી વધુ બાળકોની ઓળખ કરી છે, જે માત્ર મદરેસામાં જાય છે, પણ શાળાએ જતા નથી. તેવા તમામ બાળકોને શાળામાં પ્રવેશ અપાવવા કવાયત હાથ ધરવામાં આવી છે. સરકાર આ બાળકોને મુખ્ય પ્રવાહની શાળાઓમાં સામેલ કરવા માટે એક કાર્યક્રમની યોજના બનાવી રહી છે. શાળા સમય બાદ તેમના મદરેસામાં શિક્ષણ ચાલુ રાખવાની મંજૂરી અપાશે.
એનસીપીઆરના પરિપત્ર મુજબ ગુજરાતના ૧૩૦૦ મદરેસાઓની વિગત માંગવામાં આવી છે, જેમાં મદરેસા ચલાવતી સંસ્થાનું નામ, સરકારી માન્યતાની માહિતી, ફાયર વિભાગની એનઓસી, દરેક મદરેસામાં વિદ્યાર્થીની સંખ્યા, શાળાનો સમય વગેરે વિગતો માંગવામાં આવી છે. મદરેસાઓના સર્વેક્ષણ દરમ્યાન પ્રતિકાર પણ થયો હતો. રાજ્યના ૩૯ મદરેસામાં અધિકારીઓને પ્રવેશ નકારવામાં આવ્યો હતો.

Comments