કચ્છની રિયલ એસ્ટેટ લોબીના લલાટે ખેંચાઈ ચિંતાની લકીર
જંત્રીના ભાવ વધારાના ‘બુસ્ટર ડોઝ’નો સંકેત
દોઢ વર્ષમાં ફરી એક વખત જંત્રીના ભાવમાં વધારો કરવા સરકારે આદરી કવાયત : સંભવતઃ ઓગસ્ટ મહિનામાં નવા જંત્રી દરો જાહેર થવાની સંભાવના : મહાનગરો, મોટી નગરપાલિકા, એસઈઝેડ ક્ષેત્રમાં જંત્રીના ભાવમાં તોતીંગ વધારો થવાની સંભાવનાથી ફેલાયો ઉચાટ : અંતરિયાળ ગ્રામીણ વિસ્તારો અને મીઠાના અગર જેવા વિસ્તારમાં રાહત મળે તેવી શક્યતા : જંંત્રીના ભાવ વધારાની શક્યતાના લીધે હાલ દસ્તાવેજમાં વધારો નોંધાય તો નવાઈ જેવું નહીં, પરંતુ ત્યારબાદ મંદીરનું વાવાઝોડું ફુુંકાવાની વ્યક્ત કરાઈ દહેશત
ભુજ : કચ્છ જિલ્લામાં અઢી દાયકા અગાઉ કોડીની કિંમતની ગણાતી જમીનોના ભાવ આસમાને પહોંચ્યા છે. બે દાયકા લાંબી વિકાસ યાત્રાની ફળશ્રુતિ રૂપે એક સમયે વેરાન ગણાતી કચ્છની જમીનો સોનાની લગડી સમાન બની છે. કચ્છ જિલ્લામાં થયેલા ઔદ્યોગિક, બંદરિય વિકાસના પગલે જમીન, મકાન, ઓફિસ, દુકાનોની માંગમાં ખૂબ વધારો થયો છે. જિલ્લા મથક ભુજ, ગાંધીધામ સહિત કચ્છના મોટા ભાગના વિસ્તારોમાં બાંધકામના નાના-મોટા પ્રોજેક્ટ ધમધમી રહ્યા છે. ખાસ કરીને શહેરી વિસ્તારનો વ્યાપ વધી રહ્યો છે. મોટા શહેરોની આસપાસ ગ્રામ્ય વિસ્તારોમાં પણ રેસીડેન્સિયલ, કોમર્શિયલ કે ઈન્ડસ્ટ્રીયલ બાંધકામ વધ્યા છે ત્યારે સરકાર દોઢ વર્ષના સમયગાળા બાદ ફરી એક વખત જંત્રીના ભાવોમાં વધારો કરે તેવા અહેવાલો સાથે જ કચ્છમાં રિયલ એસ્ટેટ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકોમાં ઉચાટ જોવા મળી રહ્યો છે.
ગત વર્ષે ફેબ્રુઆરી મહિનામાં રાજ્ય સરકારે જંત્રીના ભાવમાં બમણો વધારો કર્યો હતો, જેનો વ્યાપક વિરોધ પણ થયો હતો. નવી જંત્રીની અમલવારી થોડો સમય સુધી મોકુફ રહ્યા બાદ કચ્છ સહિત રાજ્યભરમાં તબક્કાવાર લાગુ કરવામાં આવી હતી. સરકારે જે-તે સમયે જંત્રીના ભાવમાં બમણો વધારો કરતા કચ્છમાં જમીન - મકાનના વ્યવસાયમાં મંદી જોવા મળી હતી. કોરોના મહામારીના બે વર્ષ દરમ્યાન મંદીનો સામનો કરનાર રિયલ એસ્ટેટ સેક્ટરમાં માંડ તેજી આવી હતી તેવામાં જંત્રીના ભાવમાં થયેલા વધારાના કારણે વિપરીત અસર જોવા મળી હતી. સરકારે દોઢ વર્ષ બાદ ફરી એક વખત જંત્રીના ભાવમાં વધારો કરવાની કવાયત હાથ ધરી છે ત્યારે કચ્છના રિયલ એસ્ટેટ સેક્ટરમાં ઉચાટ જોવા મળ્યો છે. કચ્છ સહિત રાજ્યભરમાં કલેક્ટર કચેરી અને સ્થાનિક મહેસુલ વિભાગની કચેરીઓ દ્વારા એક વર્ષ દરમ્યાન સર્વેની કામગીરી કરવામાં આવી છે. સર્વેના આધારે જંત્રી કેટલી હોવી જોઈએ તેનું આકલ કરવામાં આવ્યું છે સાથે સરકાર દ્વારા આ ક્ષેત્ર સાથે સંકળાયેલા સ્ટોક હોલ્ડર્સ સાથે પણ જંત્રીના ભાવ અંગે પરામર્શ કરાયો છે તેવું જાણવા મળી રહ્યું છે. સંભવતઃ ઓગસ્ટ ર૦ર૪માં જંત્રીના નવા ભાવ જાહેર થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
સૂત્રોનું માનીએ તો આ વખતે સરકાર દ્વારા કરવામાં આવેલા સર્વેના તારણ અનુસાર રાજ્યના મહાનગરો અને તેની આસપાસના અર્બન વિસ્તારો, મોટી નગરપાલિકાઓ, નજીકના ભવિષ્યમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં મોટું રોકાણ આવી શકે તેવા સંભવિત ક્ષેત્રો, નવી જાહેર થયેલ મહાનગરપાલિકાઓ, ઈન્ડસ્ટ્રીયલ કોરીડોર અને એસઈઝેડ જેવા વિસ્તારોમાં જંત્રીના દરમાં મોટો વધારો થશે. બીજી તરફ અંતરિયાળ ગ્રામીણ વિસ્તારો, મીઠાના અગરો ધરાવતી જમીન, દરિયાઈ ખારાશવાળી વિકાસની સંભાવના ન હોય તેવી જમીનમાં જંત્રીના ભાવ ઘટે તેવી શક્યતા છે. સરકાર દ્વારા શહેરી વિસ્તારોમાં જે એફોર્ડેબલ હાઉસીંગ ઝોન નક્કી કરાયા છે તેવા વિસ્તારો ઉપરાંત ખેતીવાડી વિસ્તારોમાં મહદઅંશે ગત ફેબ્રુઆરીમાં નિયત થયેલા જંત્રીના ભાવ યથાવત રહેશે. બજાર ભાવ અને જંત્રીના દર વચ્ચે અજુગતુ સંતુલન ન હોય તેવા વિસ્તારોમાં જંત્રીના ભાવવમાં કોઈ બદલાવ થાય તેવી શક્યતા નહીંવત જણાઈ રહી છે. કચ્છ જિલ્લાના સંદર્ભે જોઈએ તો કચ્છના ગાંધીધામ શહેરને મહાનગરપાલિકાનો દરજ્જો મંજૂર થયો છે. ભુજને પણ નજીકના ભવિષ્યમાં જ મહાનગરપાલિકા બનાવવામાં આવશે તેવા સંકેતો મળ્યા છે. એસઈઝેડ, ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારો અને નજીકના ભવિષ્યમાં મોટું રોકાણ આવે તેવા સંભવિત ક્ષેત્રો જિલ્લામાં આવેલા હોવાથી કચ્છમાં જંત્રીના ભાવમાં મોટો ફેરફાર આવે તેવી સંભાવના છે. આ ઉપરાંત મીઠાના અગરો અને અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં જંત્રીના ભાવમાં રાહત મળે તેવી પણ આશા બંધાઈ છે. કચ્છમાં હાલે જમીન - મકાનના ક્ષેત્રમાં સામાન્ય તેજી જોવા મળી છે. અનેક નવા પ્રોજેક્ટસ પ્રગતિમાં છે ત્યારે જંત્રીના ભાવમાં ફરી વધારો થવાના સંકેતોથી રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં ગણગણાટ શરૂ થયો છે. માંડ પાટે ચડેલી ગાડી ફરી ફસાઈડ ન પડે તેવી ચિંતા બિલ્ડર લોબીને સતાવી રહી છે.

Comments