માંડવી બીચ દુર્ઘટના : આખરે પેરાગ્લાઈડીંગના સંચાલક સામે બેદરકારી સંદર્ભે નોંધાયો ગુનો
ઝારખંડના પ્રવાસીએ રાઈડમાં બેસતા પહેલા હેલ્મેટ સહિતના સેફટીના સાધનો માંગ્યા છતાં અપાયા નહીં : રાઈડ ચલાવતા જવાબદારોએ પણ સેફટીની કરી અવગણના : ઉંચેથી પટકાયા બાદ હતભાગી બલદેવસિંઘ સાત ફુટ દુર સુધી ઢસડાયા
આને કહેવાય ચોરી ઉપરથી સીનાજોરી... દુર્ઘટના બાદ ઈજાગ્રસ્તને સારવાર માટે ખસેડવાને બદલે રાઈડના તમામ જવાબદારો ઉભી પુછડીએ ભાગ્યા : અન્ય પ્રવાસીઓની મદદથી ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયા પણ સારવાર કારગત સાબિત ન થઈ : શીવ વોટર સ્પોર્ટસના સંચાલક સહિતનાઓ સામે સાપરાધ મનુષ્યવધની કલમો તળે ફોજદારી
માંડવી : હાલના રજાઓના દિવસોમાં માંડવી બીચ પર સહેલાણીઓ ઉમટી રહ્યા છે, ત્યારે અહીં આવેલી વિવિધ પ્રકારની રાઈડમાં બેસવા માટે ક્રેઝ જોવા મળતો હોય છે. જો કે લાંબા સમયથી માંડવી બીચ પર ચાલતી તમામ રાઈડો ચર્ચાના સ્થાને છે. કારણ કે તેમાં નિયમોનું પાલન થતું નથી. મોટા ભાગની રાઈડના સંચાલકો પાસે લાયસન્સ નથી. અગાઉ પણ આ મુદ્દો ચર્ચામાં આવી ચુકયો છે ત્યારે ગત ૧૭ તારીખે કોઈપણ પ્રકારના સેફટીના સાધનો વગર પેરા ગ્લાઈડીંગની રાઈડ ચાલતા ઉંચેથી પટકાવાના કારણે ઝારખંડના પ્રવાસીનું મોત થયું હતું. જેમાં આખરે શીવ વોટર સ્પોર્ટસ પ્રવૃતિના સંચાલક પંકજ ભાનુશાલી તેમજ પેરા ગ્લાઈડીંગની રાઈડ માટે ચાલતી જીપના ચાલક તેમજ પ્રવાસીને બેસાડવા માટે મદદરૂપ થનારા વ્યક્તિઓ સામે આઈપીસી ૩૦૪, ૩૩૭, ૩૩૮, ૧૧૪ સહિતની કલમો તળે માંડવી પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ફરિયાદી ઝારખંડના સુખવિંદર બલદેવસિંઘ કૌરના જણાવ્યા પ્રમાણે તેમના ભાઈ એરફોર્સમાં હોવાથી તેઓ વેકેશન કરવા માટે ભુજમાં આવ્યા હતા. ગત તા. ૧૭ના તેઓ પરિવાર સાથે માંડવી બીચ પર ફરવા ગયા એ દરમ્યાન બીચ પર પેરાગ્લાઈડીંગની રાઈડ ચાલુ હોઈ ત્યાં ગયા બપોરે ર.૩૦ થી ૩ વાગ્યાના અરસામાં તેમના પતિ રાઈડમાં બેસવા માટે ગયા હતા. પેરાગ્લાઈડીંગની જીપવાળાએ એક વ્યક્તિના રૂા. ૭૦૦ નક્કી કર્યા હતા. પતિ રાઈડમાં બેઠા અને પાંચસો મીટર દુરથી રસ્સી બાંધેલી હતી, તેમાં બલુન બાંધેલો હતો. જો કે બલદેવસિંઘને સેફટીના કોઈ સાધનો આપવામાં આવ્યા ન હતા. જીપવાળાને સેફટી બાબતે પુછતા તેણે કોઈ સંતોષકારક જવાબ ન આપ્યો, સેફટીના સાધનોની વાતને ગણકારી ન હતી. પતિને હેલ્મેટ પણ ન આપ્યું અને સેફટીના સાધનો પણ ન આપ્યા. પરિણામે જીપ ચાલી અને પેરાગ્લાઈડીંગ ઉપર પહોંચી તેવામાં પવનના કારણે બલુન પરથી નીચે પડતા પતિ જમીન સાથે પટકાયા અને આશરે સાત ફુટ દુર સુધી ઘસડાયા હતા. રાડા રાડ કરતા જીપ ઉભી રાખીને ડ્રાઈવર અને રાઈડમાં મદદ કરવાવાળા માણસો ભાગી ગયા. ફરિયાદી મહિલા અને આસપાસના પ્રવાસીઓ દોડીને બલદેવસિંઘ પાસે પહોંચ્યા જયાં તેઓને હાથ અને નાક મોઢામાંથી લોહી નિકળતેું હોઈ તાત્કાલિક અન્ય મુસાફરોની મદદથી સારવાર માટે હર્ષ મેડિકલ સેન્ટર માંડવીમાં લઈ જવાયા હતા. જયાંથી વધુ સારવાર માટે કે. કે. પટેલમાં લઈ જતા તબીબે મૃત જાહેર કર્યા હતા.
ભુજમાં અંતિમવિધિ કર્યા બાદ ફરિયાદીએ તપાસ કરતા જાણવા મળ્યું કે, પેરા ગ્લાઈડીંગની રાઈડ શીવ વોટર સ્પોર્ટસ પ્રવૃતિ દ્વારા ચલાવવામાં આવે છે. જેનો સંચાલક પંકજ ભાનુશાલી છે. જીપ નંબર જી.જે.૧ર.કે.૮૮૭રનો ચાલક તેમજ પેરા ગ્લાઈડીંગ ઉંચો કરનારા બે શખ્સો સામે સાપરાધ મનુષ્ય વધની કલમો તળે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. નિયમ પ્રમાણે પેરાગ્લાઈડીંગ ઉડાળવા માટે પુરતા સેફટીના સાધનો આપવાના હોય છે. જો કે સ્થાનીકે સાધનો રાખ્યા નહીં તેમજ પ્રવાસીને પહેરાવ્યા પણ નહીં અને તમામની બેદરકારીના કારણે ઝારખંડના પ્રવાસીનું મોત થતા ગુનો દાખલ કરવામાં આવ્યો છે. માંડવી પીએસઆઈ યુ.કે. જાદવે આગળની કાર્યવાહી હાથ ધરી છે. ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન બને તે માટે નક્કર પગલાં લેવામાં આવે તે જરૂરી બન્યું છે. હાલમાં બીચ પર ચાલતી તમામ રાઈડ બંધ હોવાનુ જાણવા મળ્યું છે.

Comments