શિકારપુર ફાયરિંગ કેસમાંં રાજકોટ હોસ્પિટલ બિછાને એકનું મોત : ચારની અટકાયત
રણમાં મીઠાનું અગર ખાલી કરવા મુદ્દે ફોર્ચ્યુનર, સ્વિફટ, ક્રેટા, બોલેરો, જીપમાં આવેલા શખ્સોએ આંતક મચાવ્યો અને કરી હતી ફાયરીંગ : ૧૭ જણા સામે નોંધાયો ગુનો : બનાવ હત્યામાં પલટાતા ૩૦ર દાખલ કરાઈ
ગાંધીધામ : કચ્છના રણમાં મીઠાના અગરની જમીનનો મુદ્દો લાંબા સમયથી ચર્ચામાં છે. અવાર-નવાર અહીં મીઠાની જમીનનો કબજો મેળવવા માટે સામ સામે મારામારી થતી રહે છે. ગત વર્ષે પણ અહીં ફાયરિંગ થયું હતું. અભયારણ્ય વિસ્તારમાં ગેરકાયદે રીતે મીઠાના કારાખાના ધમધમી રહ્યા છે જ્યાં રક્ત રેળાય છે. ત્રણ દિવસ પુર્વે થયેલી આ ઘટનામાં દિનેશ કોલી નામના યુવકને ગંભીર ઈજાઓ પહોચતા તેને સારવાર માટે ખસેડાયો હતો જયા રાજકોટમાં હોસ્પિટલ બિછાને આંંખો મીચી દીધી હતી. સામખિયાળી પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરવા તજવીજ હાથ ધરી હતી, તેમજ ચારેક જણાની અટકાયત પણ કરીહતી.
૧૩ તારીખે સાંજે ૪થી ૪ઃ૩૦ ના અરસામાં શિકારપુર રણ વિસ્તાર ઘુડખર અભયારણ્યમાં આ બનાવ બન્યો હતો. ફરિયાદી કાનમેરમાં રહેતા મગનભાઈ સુજાભાઈ ગોહિલના જણાવ્યા પ્રમાણે ફરિયાદી અને સાહેદો જોધપરવાંઢ રણ વિસ્તારમાં મીઠાના કારખાના પાસે બેઠા હતા ત્યારે આરોપીઓ પોતાનો સમાન ઈરાદો પાર પાડવા માટે ફોર્ચ્યુનર, સ્વફિટ, ક્રેટા, સફેદ કલરની બોલેરો જીપમાં આવ્યા જેમાં આરોપી દેવા કરશન ડોડિયા, બળદેવ ગેલા રાજપૂત અને વિજય રાયધણ ઉસેટીયાએ બંદૂકથી ફાયરિંગ કરતા સાહેદને ઈજા પહોંચી હતી. વિજયએ પોતાના કબજાની બોલેરોથી ફરિયાદી મગનભાઈ અને સાહેદ દિનેશ કોલીને મારી નાખવાને ઈરાદે ટક્કર મારી અન્ય આરોપીઓ કહ્યું કે, રણ તમારા બાપનું નથી કહીં જાતિ અપમાનિત શબ્દો ઉચારી જુના મીઠાના કારખાના વાળી જગ્યા ખાલી કરી નાખવા જણાવ્યું હતું. જો જગ્યા ખાલી ન કરે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આરોપીઓ ફાયરિંગ કરવા સાથે લાકડી વડે મુંઢમાર મારી ફ્રેક્ચર સહિતની ઈજાઓ પહોંચાડી હતી. વલીમામદ ઈબ્રાહીમ રાજા, મુકેશ બેચરા કોલી અને ફરિયાદી મગનભાઈને ઈજા થતા પ્રાથમિક સારવાર સામખિયાળીમાં અપાઈ હતી હાલ તેઓ સ્વસ્થ છે. દિનેશભાઈ કોલીને માથાના ભાગે ગોળી વાગતા ગંભીર ઈજાઓ હોવાથી તેઓને રાજકોટ લઈ જવામાં આવ્યા હતા જયા તેણે દમ તોડી દેતા પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી આગળની કાર્યવાહીહાથ ધરીહતી.
આ બનાવ અંગે સામખિયાળી પોલીસમાં કાનમેરના ભરત દેવા ભરવાડ, ભરત રવા વાઘેલા, શબરા પાલા વાઘેલા, દેવા કરશન ડોડિયા, કીડિયાનગરના ઈશ્વર રાજપૂત, કાનમેરના શક્તિ ડાયા ડોડિયા, બળદેવ ગેલા રાજપૂત, સઈના રાયધણ ઉસેટીયા, વિજય રાયધણ ઉસેટીયા, શિકારપુરના કાજા અમરા રબારી, જેઠાસરી ચિત્રોડના વિરમ રબારી, કાનમેરના સતીષ કલા ભરવાડ, લખમણ દેવા ભરવાડ, અજા ટપુ ભરવાડ, રૂપા ટપુ ભરવાડ, થાવર આંબા રબારી, સવા રત્ના રબારી સામે હત્યાના પ્રયાસ સહિતની કલમો તળે ગુનો દાખલ કરાયો હતો. સામખિયાળી પીએસઆઈ વી.આર.પટેલે વિગતો આપતા જણાવ્યું કે, દીનેશ કોલી નામના યુવકનું સારવાર દરમિયાન મોત થતા હત્યાની કલમનો ઉમેરો કરવા તજવીજ હાથ ધરાઈ છે અને ચારેક આરોપીઓની અટકાયત છે સતાવાર રીતે ૩૦ર દાખલ કર્યા બાદ તેમની ધરપકડ દેખાડવામાંં આવશે.
...........
વનવિભાગનો ‘જંગલરાજ’ છે જવાબદાર : ઘુડખર અભ્યારણ્યમાં મીઠાના ધંધાઓ ચાલે જ કેમ? આ જમીનો જ બધી રદ કેમ ન થાય?
કાળા ડુંગરના રક્ષિત વિસ્તારોમાં જો કડક કાર્યવાહી થવા પામતી હોય તો અહી તો અભ્યારણ્ય વિસ્તાર છે? વનવિભાગના માટી પગા અધિકારીઓની ફાયરીંગ જેવી બનેલી ગંભીર ઘટનાઓ વખતે કેમ ફિટ ન થાય લાપરવાહી? : પ્રાંત અધિકારી આ બાબતે કરે લાલઆંખ..!
ગાંધીધામ : વાગડ પટ્ટામાં મીઠાની જમીનો મુદે જુથ અથડમણ અથવા તો હિસક હુમલાઓની ઘટનાઓ સતત પ્રકાશમાં આવવા પામી રહી છે તે વચ્ચે જ અહી મીઠાની જમીન બાબતે જ કથિત રીતે ગંભીર જુથઅથડામણ થવા પામી ગઈ છે અને તેમાં રાજકાટેમાં સારવાર લઈ રહેલા એક વ્યિતનુ અવસાન પણ થવાપામી ગયું છે. હકીકતમાં અહી મીઠાની જમીનોને લઈને જે ડખ્ખા અને બબાલો થવા પામી રહી છે તેના મુળમાં વનવિભાગનો જંગલરાજ જ કારણભુત હોય તેમ દેખાવવા પામી રહ્યું છે. કારણ કે, મીઠાવાળા અમુક તત્વો જે ગેરકાયદેસર પેશકદમી કરી ગયા છે તેઓ ઘુડખર રક્ષિત અભ્યારણ્ય પટ્ટાને પણ નથી છોડયો. ઘુડખર અભયારણમાં કેવી રીતે મીઠાના ધંધાની મંજુરીઓ મળી શકે? વનવિભાગ શુ કરી રહ્યુ છે?અભ્યારણ ક્ષેત્રના જવાબદારો કેમ કુંભકર્ણિ નિંદ્રામાં જ રહેલા છે? પ્રાત અધિકારીએ આ બાબતે ખેરખર વિચારવુ જોઈએ અને અહી અભ્યારણ્ય વિસ્તાર હોય તો તેમાં ધમધમતી મીઠાના ધધાવાળાઓનથી સચોટ આધાર-પુરાવાઓ મંગાવવા જોઈએ અને તેમની સામે કડકાઈથી ધાક બેસાડતી કાર્યવાહી કરવી જોઈએ. મીઠાની ગેરકાયદેસર પેશકદમીમા એકબીજાના ઢીમઢાળી દેવા સમાન ઘટનાઓ બની રહી છે તેને ગંભીરતાથી નહી લેવાય તો અહી કાયદો વ્વયસ્થાને લઈને પણ ભવિષ્યમાં મોટા પડકારો ઉભો થવા પામી શકે તેમ છે.

Comments