Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં મત ગણતરીની તૈયારીઓનો ધમધમાટ શરૂ

16 May

લોકસભા ચૂંટણી - ર૦ર૪



જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અમિત અરોરાના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્રએ માઇક્રો પ્લાનિંગ સાથે હાથ ધરી કવાયત : ૮ હોલ, ૧૪ ટેબલ અને ર૬ રાઉન્ડમાં ૧પ૦૦થી વધુનો સ્ટાફ મતગણતરીમાં જોડાશે : ટૂંકમાં કર્મચારીઓના ઓર્ડર, તા.૨૦ બાદ ગણતરી માટેની તાલીમ અપાશે : : એન્જીનીયરીંગ કોલેજ ખાતે ૪ જૂને મતગણતરી માટે તંત્ર તૈયારીઓમાં વ્યસ્ત

ભુજ : કચ્છ લોકસભા બેઠક પર તા.૭ના રોજ મતદાન પૂર્ણ થયા બાદ તમામ ઇવીએમને ભુજની સરકારી એન્જીનીયરીંગ કોલેજના સ્ટ્રોંગ રૂમમાં અર્ધલશ્કરી દળોના જવાનોની સુરક્ષા વચ્ચે સીલ કરવામાં આવ્યા છે. આગામી તા.૪ જૂનના રોજ મતગણતરીનું આયોજન હોવાથી કચ્છ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અમિત અરોરાના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર દ્વારા માઇક્રો પ્લાનિંગ સાથે તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.

આ અંગેની વિગતો મુજબ ૧૮મી લોકસભાની ચૂંટણી માટે ૭મી મેના કચ્છ સહિત રાજ્યની રપ બેઠક પર ત્રીજા તબક્કામાં મતદાન થયું હતું. કચ્છ લોકસભા બેઠક પર પ૬.૧૪ ટકા મતદાન થયું હતું. કચ્છ જિલ્લાના છ વિધાનસભાના મત વિસ્તારમાં પપ.૭૭ ટકા મત પડયા હતા. કચ્છ બેઠક પર પ,૯૯,૧૦પ પુરૂષ અને ૪,૯૧,૭૬પ તથા ૮ અન્ય મળી કુલ્લ ૧૦,૯૦,૮૭૮ મતદારોએ પોતાની બંધારણીય ફરજ અદા કરી હતી. કચ્છ લોકસભા બેઠકના ભાજપ-કોંગ્રેસ સહિત ૧૧ ઉમેદવારના રાજકીય ભાવિનું કાઉન્ટ-ડાઉન શરૂ થાય તે ૫ૂર્વે તંત્ર દ્વારા પ્રાથમિક તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભુજની સરકારી ઇજનેર કોલેજ ખાતે ચોથી જુને સવારના આઠ વાગ્યાથી મતગણતરીનો પ્રારંભ થશે. જેમાં આઠ હોલમાં મતગણતરી થશે. વિધાનસભા વિસ્તારવાઇઝ બેઠકના સાત હોલ અને એક પોસ્ટલ બેલેટના હોલનો સમાવેશ થાય છે. ઉપરોક્ત આઠેય હોલમાં ૧૪ ટેબલ ઉપર મહત્તમ ૨૬ જેટલા રાઉન્ડમાં મતગણતરી કરવામાં આવશે. ટેબલ દીઠ સુ૫રવાઇઝર, આસિ.સુ૫રવાઇઝર, માઇક્રો ઓબ્ઝર્વર સહિતના કર્મચારીઓની ફાળવણી કરવાની હોવાથી મતગણતરીમાં કુલ ૧પ૦૦ જેટલા કર્મચારી જોડાશે. મતગણતરીના સ્ટાફ માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અમિત અરોરા ટૂંક સમયમાં કર્મચારીઓના ઓર્ડર કરશે. કર્મચારીઓના ઓર્ડર કરાયા બાદ મતગણતરી માટે આગામી તા.૨૦ બાદ ૧પ૦૦થી વધુ કર્મચારીને તાલીમ અપાશે. 
અત્રે ઉલ્લેખનીય છે કે, મત ગણતરી પ્રક્રિયામાં એક રાઉન્ડમાં ૧૪ બુથના મતની ગણતરી કરાશે. કચ્છ લોકસભા બેઠક પર અબડાસા વિધાનસભા મતક્ષેત્રમાં સૌથી વધુ બુથ આવેલા હોઈ સૌથી લાંબી ગણતરી અબડાસા વિધાનસભા ક્ષેત્રની રહેશે. એક રાઉન્ડમાં ૧૪ બુથની ગણતરી થવાની હોવાથી અબડાસા બેઠક પર ૩૭૩ બુથ હોવાથી ર૬ રાઉન્ડ સુધી ગણતરી ચાલશે જયારે અંજાર વિધાનસભા ક્ષેત્રમાં સૌથી ઓછા ર૮૮ બુથ હોવાથી ર૦ થી ર૧ રાઉન્ડમાં ગણતરી હાથ ધરવામાં આવશે. સૌ પ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરી હાથ ઈવીએમની ગણતરી શરૂ થશે.

Comments

COMMENT / REPLY FROM