Trending News
સ્થાનિક સમાચાર

ભુજ પંથકમાં ભર ઉનાળે વીજ ધાંધિયાનું વધ્યું પ્રમાણ : લોકો ત્રાહિમામ

15 May


કાળઝાળ ગરમીના દિવસોમાં છાશવારે સર્જાતા વીજ વિક્ષેપથી લોકો પરેશાન : રાત્રિના સમયે રોજિંદા બની ગયેલા વીજ ફોલ્ટથી લોકોની ઉંઘ થઈ રહી છે હરામ : વીજ પુરવઠો ઠપ્પ થઈ જતા ગરમીથી રાહત મેળવવા વસાવેલા મોંઘા ઉપકરણો બની જાય છે નકામા


ભુજના બન્ને ડિવિઝનમાં વીજ ફોલ્ટની ફરિયાદો ત્રણ ગણી વધી : દરરોજ ૯૦ જેટલી ફરિયાદો ઉઠતા સમારકામ માટે વીજ તંત્રની ટીમો પાડી રહી છે પરસેવો


ભુજ : ઉનાળાની સિઝનનો સૂરજ મધ્યાહને તપી રહ્યો છે. મે માસના મધ્ય ભાગે આભમાંથી જાણે રીતસર આગ વરસી રહી હોય તેમ કચ્છવાસીઓ અગનભઠ્ઠીંમાં શેકાઈ રહ્યા છે. કાળઝાળ ગરમીના કપરા દિવસોમાં વીજળીની સમસ્યાએ લોકોની મુસીબતમાં વધારો કર્યો છે. જિલ્લા મથક ભુજ અને આસપાસના ગ્રામ્ય વસતારોમાં વાંરવાર વીજ વિક્ષેપ ઉપરાંત લો-હાઈ વોલ્ટેજની સમસ્યા રોજિંદી બની છે, તો બીજી તરફ ઉનાળાના દિવસોમાં વીજ ફોલ્ટની ફરિયાદોમાં ત્રણ ગણો વધારો થયો હોવાથી પીજીવીસીએલની ટીમો ફરિયાદના નિવારણમાં સાચા અર્થમાં દોડતી રહી છે.
આ અંગે સ્થાનિકેથી મળતી વિગતો મુજબ ભુજ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વીજ ધાંધિયાનું પ્રમાણ વધ્યું છે. દિવસે જ નહીં, રાત્રિના સમયે પણ લાંબો સમય સુધી વીજ પુરવઠો ખોરવાઈ જવાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ઉનાળાના પ્રારંભેથી જ વીજ ફોલ્ટની ફરિયાદોનું પ્રમાણ વધ્યું છે. પીજીવીસીએલના અધિકારી શ્રી કષ્ટાએ જણાવ્યું હતું કે, ઉનાળાના દિવસોમાં વીજ ઉપકરણોનો વપરાશ ખૂબ વધી જતો હોવાથી વીજ ખપતમાં મોટો વધારો થતો હોય છે. લોકો ગરમીથી રાહત મેળવવા વીજ ઉપકરણોનો વપરાશ કરતા હોય છે. કોઈ ચોક્કસ વિસ્તારમાં અચાનક જ એક સામટા નવા વીજ ઉપકરણોનો વધારો થાય તેવા સંજોગોમાં તે વિસ્તારમાં વીજ ફોલ્ટની શક્યતાઓ વધી જતી હોય છે. ટીસીની ક્ષમતાથી વધુ વીજ વપરાશ થતો હોવાના કિસ્સામાં વોલ્ટેજની વધ-ઘટ કે વીજ લાઈન ઠપ્પ થઈ જવાની શક્યતા  રહેતી હોય છે. વર્ષના અન્ય દિવસોની સરખામણીએ ઉનાળામાં વીજ ફોલ્ટની ફરિયાદો વધતી હોય છે. સામાન્ય રીભે ભુજ-૧ અને ભુજ-ર ડિવિઝનમાં ર૦ થી રપ ફરિયાદોની સરેરાશ રહેતી હોય છે, પરંતુ ઉનાળા દરમ્યાન વીજ ફોલ્ટની રોજિંદી ૮૦ થી ૯૦ ફરિયાદો મળતી હોય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વીજ ફરિયાદોમાં વધારો થતાં સમારકામ માટે ટીમોને ખડે પગે રહેવું પડે છે. વીજ તંત્ર દ્વારા ટીમની સંખ્યા અને ક્ષમતામાં વધારો કરવામાં આવે છે. ર૪ કલાક દરમ્યાન ૩ શિફટમાં વીજ વિભાગની ટીમો ફરિયાદના નિવારણ માટે સતત દોડતી રહે છે. સવારે ૮ થી સાંજે ૪ સુધી ૪ જેટલી ટીમો, સાંજે ૪ થી રાત્રે ૧ર સુધી ર ટીમો અને રાત્રિના સમયે એક ટીમ સતત કાર્યરત રહે છે. ટીમમાં કારીગરોની સંખ્યા પણ બેથી વધારી ૪ની કરી દેવામાં આવે છે. રહેણાંકના વિસ્તારોમાં સામાન્ય રીતે રાત્રિના સમયે લોડ વધી જવાના કારણે વોલ્ટેજમાં વધ-ઘટની સમસ્યા ઉભી થતી હોય છે. કોઈ સ્થળે વીજ લાઈન ટ્રેપ થાય તો રાત્રિના સમયે જ તેનું સમારકામ થતું હોવાથી વીજ પુરવઠો બંધ રાખવાની ફરજ પડતી હોય છે. ભુજ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો છાશવારે સર્જાતા વીજ ધાંધિયાથી પરેશાન થયા છે. કોઈપણ પૂર્વ સૂચના વગર જ રાત્રિના સમયે લાંબો સમય સુધી વીજ પુરવઠો ઠપ્પ થઈ જવાથી લોકોની ઉંઘ હરામ થઈ ગઈ છે. દિવસના ભાગે કાળઝાળ ગરમીથી ત્રસ્ત લોકોને રાત્રિના સમયે લાઈટ ગુલ થઈ જવાના કારણે પંખા, એસી વગર જ રહેવાની ફરજ પડી રહી છે. ભુજના કેટલાક વિસ્તારોમાં દરરોજ રાત્રે લાઈટની આવ-જાવ શરૂ થઈ જાય છે. એક વખત વીજ પુરવઠો ઠપ્પ થયા પછી કલાકો બાદ પુનઃ સ્થાપિત થાય છે. રાત્રિ દરમ્યાન વારંવાર પુરવઠો ખોરવાઈ જવાના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર પીજીવીસીએલના જૂના માળખામાં જ વીજભાર વધી રહ્યો છે તેથી વારંવાર ખોટીપો સર્જાઈ રહ્યો છે. તંત્ર દ્વારા જે વિસ્તારમાં વીજ ખપત વધી છે તેનો સર્વે કરી ટીસીની ક્ષમતા વધારવામાં આવે કે નવા ટ્રાન્સફોર્મર ઉભા કરવામાં આવે તે જરૂરી છે. હાલે તો ગરમીથી રાહત મેળવવા લોકોએ મોંઘા ભાવે ખરીદેલા ઉપકરણો શોભાના ગાંઠિયા સમાન બની ગયા હોવાથી લોકોને નાછૂટકે ગરમીમાં શેકાવાની ફરજ પડી રહી છે.

.......


વીજ ઉપકરણોનો વધ્યો વપરાશ


ભુજ શહેરના રહેણાંક વિસ્તારોમાં ઉનાળાના દિવસોમાં ગરમીથી રાહત આપતા પંખા, એસી અને એરકુલર જેવા ઉપકરણોનો વપરાશ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. ભુજ શહેરમાં આવેલા ઈલેકટ્રોનિક્સના શો-રૂમ પર હાલે ધૂમ ઘરાકી જોવા મળી રહી છે. ભુજ અને આસપાસના ગામોમાંથી લોકો નવા રેફ્રીજરેટરથી માંડી એરકન્ડીશન, એરકુલર, પંખા સહિતની ખરીદી કરવા ઉમટી રહ્યા છે. વીજ ઉપકરણોનો વપરાશ મોટા પ્રમાણમાં વધી જતા રહેણાંક વિસ્તારના ટ્રાન્સફોર્મર પર લોડ વધી રહ્યું છે. સતત વધતો વીજભાર વીજ ફોલ્ટનું મોટુુંં કારણ મનાય છે.

.........

સોલાર પેનલ પણ સમસ્યાનું એક કારણ


ભુજ શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વીજ ઉત્પાદન કરતી સોલાર પેનલ વધી રહી છેે. લોકો વીજ બિલમાં બચત માટે પોતાના ઘર, ઓફિસમાં ૧ થી ૩ કે તેથી ક્ષમતાના સોલાર યુનિટ ઈન્સ્ટોલ કરાવી રહ્યા છેે. સોલાર પેનલથી ઉત્પાદિત થતી વીજળી ટ્રાન્સફોર્મરમાં જતી હોય છે. ઉનાળાના દિવસોમાં સોલાર યુનિટ થકી વીજ ઉત્પાદન ખૂબ વધી જતું હોય છે, જેના કારણે પણ સમસ્યા ઉભી થતી હોય છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર સોલાર યુનિટ લાગેલા હોય તેની આસપાસના ઘર-દુકાનો કે ઓફિસમાં અચાનક જ વીજ વોલ્ટેજમાં વધ-ઘટ થતી હોવાનું જોવા મળી રહ્યું છે.

........

Comments

COMMENT / REPLY FROM