Trending News
સ્થાનિક સમાચાર

ભુજના આશાપુરાનગરમાં રાતના સમયે યુવાનની ઘાતકી હત્યા : આરોપી ફરાર 

14 May

અઠવાડિયામાં ભુજમાં હત્યાનો બીજો બનાવ, ખાખીનો ખોફ વિસરાયો 





ભુજ : શહેરમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ દિનપ્રતિદિન જોખમમાં મુકાતી હોય તેવા કિસ્સા સામે આવી રહ્યા છે. અવાર-નવાર ચોરી સહિતની ઘટનાઓ બને છે. મારામારી, જીવલેણ હુમલા રોજિંદા બન્યા છે તેવામાં અઠવાડિયામાં ઘાતકી હત્યાનો બીજો બનાવ સામે આવ્યો છે. મતદાનના દિવસે સરપટ ગેટ રોડ પર વાહન ધીમું હંકારવા બાબતે આધેડની હત્યા કરવામાં આવી હતી. જેમાં પોલીસે પતિ-પત્ની અને બે દીકરાની ધરપકડ કરી હતી. જ્યાં હવે હત્યાનો બીજો બનાવ સામે આવ્યો છે. આ બાબતે સૂત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ રાતના સમયે હત્યાનો આ બનાવ બન્યો હતો. આરોપીઓએ અંદાજે રપ વર્ષના હનીફ નુરમામદ સમા નામના યુવાનની  હત્યા કરી હતી આશાપુરા નગરમાં સમા ફળિયામાં આવેલી દુકાનના ઓટલા પાસે બનાવ બન્યો હતો. આજે સવારે નિત્યક્રમ પ્રમાણે દુકાનધારક દુકાન ખોલવા ગયા ત્યારે દુકાનની બહાર આ યુવાન બેભાન જણાતી હાલતમાં જોવા મળ્યા હતા. આસપાસના લોકો ભેગા થયા અને પોલીસને જાણ કરતા એ-ડિવિઝન પોલીસ પહોંચી આવી. દેહને જી.કે.માં ખસેડતા હતભાગીનું મર્ડર થયું હોવાનું સામે આવ્યું હતું. મોઢા પર ઈજાના નિશાન જોવા મળ્યા હતા. એફએસએલ બોલાવીને તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત સમગ્ર પોલીસ કાફલો રાતના સમયે બનેલી ગતિવિધિ જાણવા માટે કેમેરા તપાસવામાં પરોવાઈ ગયો છે. હાલ તબક્કે હત્યાનું કારણ અને આરોપીઓની ઓળખ અકબંધ રહેવા પામી છે. રહેણાક વિસ્તારમાં બનેલી ઘટનાએ લોકોમાં પણ ચર્ચા જગાવી હતી. આ લખાય છે ત્યારે એ-ડિવિઝન પોલીસમાં ગુનો દાખલ કરવાની ગતિવિધિ હાથ ધરવામાં આવી છે.  દરમિયાન સૂત્રોના કહેવા પ્રમાણે રાતના સમયે બોલાચાલી બાદ બનાવ બન્યો હોવાનું જાણવા મળે છે. જેમાં એક શંકાસ્પદ શખ્સને પોલીસે પુછપરછ માટે ઉઠાવી લીધો છે. બનાવ અંગે એ-ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી છે.

Comments

COMMENT / REPLY FROM