Trending News
સ્થાનિક સમાચાર

શિકારપુરના રણમાં મીઠાનું અગર ખાલી કરવા મુદ્દે ફાયરીંગ, ૧૭ જણા સામે નોંધાયો ગુનો

14 May


રણ તમારા બાપનું નથી કહીં ફોર્ચ્યુનર, સ્વિફટ, ક્રેટા, બોલેરો, જીપમાં આવેલા શખ્સોએ આંતક મચાવ્યો : ચાર વ્યક્તિ ઘાયલ થતા સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા

રણમાં કાયદો-વ્યવસ્થાને લલકાર આપનારાઓની સામે થવી જોઈએ કડક કાર્યવાહી : વિષય-મુદો-ઘટના જે કાંઈ પણ હોય તેની તલસ્પર્શી તપાસ થશે તો સાચી વાત બહાર આવશે જ પરંતુ ફાયરીંગ કરનારાઓના પણ પૂર્વ ઈતિહાસ ચકાસવા ઘટે..! : ફાયરીગ કરનારાઓ કયાંક ગુનાહિત માનસ ધરાવનારાઓ તો નથી ને? રણમાં અગાઉ પણ આ જ રીતે કારખાનાઓ પર કબજા કરી વેચસાટ કરવાનો ઈતિહાસ નથી ધરાવતા ને? : પોલીસતંત્ર આ બાબતે પણ કડકાઈથી કરે તપાસ

ગાંધીધામ : કચ્છના રણમાં મીઠાના અગરની જમીનનો મુદ્દો લાંબા સમયથી ચર્ચામાં છે. અવાર-નવાર અહીં મીઠાની જમીનનો કબજો મેળવવા માટે સામ સામે મારામારી થતી રહે છે. ગત વર્ષે પણ અહીં ફાયરિંગ થયું હતું. અભયારણ્ય વિસ્તારમાં ગેરકાયદે રીતે મીઠાના કારાખાના ધમધમી રહ્યા છે જ્યાં રક્ત રેળાય છે. ૧૩ તારીખે સાંજે ૪થી ૪ઃ૩૦ ના અરસામાં શિકારપુર રણ વિસ્તાર ઘુડખર અભયારણ્યમાં આ બનાવ બન્યો હતો. ફરિયાદી કાનમેરમાં રહેતા મગનભાઈ સુજાભાઈ ગોહિલના જણાવ્યા પ્રમાણે ફરિયાદી અને સાહેદો જોધપરવાંઢ રણ વિસ્તારમાં મીઠાના કારખાના પાસે બેઠા હતા ત્યારે આરોપીઓ પોતાનો સમાન ઈરાદો પાર પાડવા માટે ફોર્ચ્યુનર, સ્વફિટ, ક્રેટા, સફેદ કલરની બોલેરો જીપમાં આવ્યા જેમાં આરોપી દેવા કરશન ડોડિયા, બળદેવ ગેલા રાજપૂત અને વિજય રાયધણ ઉસેટીયાએ બંદૂકથી ફાયરિંગ કરતા સાહેદને ઈજા પહોંચી હતી. વિજયએ પોતાના કબજાની બોલેરોથી ફરિયાદી મગનભાઈ અને સાહેદ દિનેશ કોલીને મારી નાખવાને ઈરાદે ટક્કર મારી અન્ય આરોપીઓ કહ્યું કે, રણ તમારા બાપનું નથી કહીં જાતિ અપમાનિત શબ્દો ઉચારી જુના મીઠાના કારખાના વાળી જગ્યા ખાલી કરી નાખવા જણાવ્યું હતું. જો જગ્યા ખાલી ન કરે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આરોપીઓ ફાયરિંગ કરવા સાથે લાકડી વડે મુંઢમાર મારી ફ્રેક્ચર સહિતની ઈજાઓ પહોંચાડી હતી. વલીમામદ ઈબ્રાહીમ રાજા, મુકેશ બેચરા કોલી અને ફરિયાદી મગનભાઈને ઈજા થતા પ્રાથમિક સારવાર સામખિયાળીમાં અપાઈ હતી હાલ તેઓ સ્વસ્થ છે. દિનેશભાઈ કોલીને માથાના ભાગે ગોળી વાગતા ગંભીર ઈજાઓ હોવાથી તેઓને રાજકોટ લઈ જવામાં આવ્યા હતા. હાલ તેઓ સારવાર તળે આઈસીયુમાં દાખલ છે.  આ બનાવ અંગે સામખિયાળી પોલીસમાં કાનમેરના ભરત દેવા ભરવાડ, ભરત રવા વાઘેલા, શબરા પાલા વાઘેલા, દેવા કરશન ડોડિયા, કીડિયાનગરના ઈશ્વર રાજપૂત, કાનમેરના શક્તિ ડાયા ડોડિયા, બળદેવ ગેલા રાજપૂત, સઈના રાયધણ ઉસેટીયા, વિજય રાયધણ ઉસેટીયા, શિકારપુરના કાજા અમરા રબારી, જેઠાસરી ચિત્રોડના વિરમ રબારી, કાનમેરના સતીષ કલા ભરવાડ, લખમણ દેવા ભરવાડ, અજા ટપુ ભરવાડ, રૂપા ટપુ ભરવાડ, થાવર આંબા રબારી, સવા રત્ના રબારી સામે હત્યાના પ્રયાસ સહિતની કલમો તળે ગુનો દાખલ કરાયો હતો. સામખિયાળી પીએસઆઈ વી.આર.પટેલે વિગતો આપતા જણાવ્યું કે, એક પક્ષે ૧૭ લોકો સામે હત્યાના પ્રયાસની કલમો તળે ગુનો દાખલ કરાયો હોવાનું જણાવી આરોપીઓને પકડવા માટે વિવિધ ટીમો બનાવાઈ હોવાની બાબત પર પ્રકાશ પાડ્યો હતો. ઈજાગ્રસ્તો પૈકી દિનેશભાઈ રાજકોટની હોસ્પિટલમાં દાખલ છે, જ્યારે અન્ય ત્રણને સ્થાનિકે સારવાર અપાઈ હતી. હાલમાં વધુ તપાસ હાથ ધરાઈ હોવાનું જણાવ્યું હતું. 

 

Comments

COMMENT / REPLY FROM