Trending News
સ્થાનિક સમાચાર

આજથી ધોરણ-૧૨ સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહમાં ગુણ ચકાસણીની કાર્યવાહી શરૂ

13 May




૯મી મેના જાહેર થયું હતું પરિણામ : વિદ્યાર્થીઓએ ગુણ ચકાસણી માટે બોર્ડને ઓનલાઈન અરજી કરવાની રહેશે


ભુજ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૨નું પરિણામ જાહેર કરાયા બાદ હવે આજથી સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહમાં ગુણ ચકાસણી અને અવલોકન માટે ઓનલાઈન ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત ગુજકેટમાં પણ ઓ.એમ.આર.ની ચકાસણી માટે આજથી જ ફોર્મ ભરાશે. ફોર્મ ભરવાની કાર્યવાહી પૂર્ણ થયા બાદ બોર્ડ દ્વારા ગુણ ચકાસણી હાથ ધરવામાં આવશે અને જો ગુણમાં સુધારો થશે તો તે અંગેની વિગતો વિદ્યાર્થીઓને જણાવાશે. ધો. ૧ર વિજ્ઞાન પ્રવાહની બોર્ડ પરીક્ષામાં કચ્છના ૧૩૦૭ છાત્રો પૈકી ૧૧૦ર છાત્રો ઉત્તિર્ણ થયા છે. જયારે સામાન્ય પ્રવાહમાં ૧૦૩૯૦ છાત્રો પૈકી ૯૭૬પ વિદ્યાર્થીઓ ઉત્તિર્ણ થયા હતા. 
આ અંગેની વિગતો મુજબ શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૨ સાયન્સ અને સામાન્ય પ્રવાહનું પરિણામ એક જ દિવસે જાહેર કરવામાં આવ્યા બાદ હવે ગુણ ચકાસણી માટેની કાર્યવાહી પણ એક જ સાથે શરૂ કરવામાં આવી છે. ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ અને સાયન્સમાં ગુણ ચકાસણી માટે આજથી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. જ્યારે ધોરણ-૧૨ સાયન્સમાં ઉત્તરવહી અવલોકન માટે પણ આજથી ફોર્મ ભરવાની કાર્યવાહી હાથ પર લેવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. ગુણ ચકાસણી માટેની અરજીઓ આવ્યા બાદ વિષય નિષ્ણાંતો પાસે ફરીથી ગુણની ચકાસણી કરાવવવામાં આવશે અને જો તેમાં ફેરફાર થયો હશે તો વિદ્યાર્થીને તેની જાણ કરી સુધારેલી માર્કશીટ મોકલવામાં આવશે. જ્યારે ધોરણ-૧૨ સાયન્સમાં ઉત્તરવહી અવલોકનની અરજીઓ મળ્યા બાદ વિદ્યાર્થીઓને તારીખ અને સ્લોટ ફાળવ્યા બાદ તેમને ઉત્તરવહી અવલોકન માટે બોલાવવામાં આવશે. ત્યારબાદ તેમને ઉત્તરવહી અવલોકન માટે અપાશે. તેમાં પણ જો ગુણમાં ફેરફાર થશે તો વિદ્યાર્થીઓને સુધારેલી માર્કશીટ આપવામાં આવશે. આ સાથે જ ઈજનેરી- ફાર્મસીમાં પ્રવેશ માટેની ગુજકેટની ઓએમઆરની ચકાસણી માટે પણ આજથી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ધો. ૧ર સામાન્ય પ્રવાહમાં કચ્છ જિલ્લાનું પરિણામ ૯૪.ર૩ ટકા અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ ૮૪.૩ર ટકા રહ્યું હતું. 

Comments

COMMENT / REPLY FROM