Trending News
સ્થાનિક સમાચાર

ભચાઉની ખાનગી હોસ્પિટલમાં ફરી તબીબની બેદરકારી : પ્રસુતિ દરમ્યાન બાળકનું મોત

13 May


ભૂતકાળમાં બોગસ તબીબ પ્રકરણમાં વિવાદાસ્પદ બનેલી ખાનગી હોસ્પિટલમાં ફરી વિવાદનો વંટોળ

ભચાઉ : આરોગ્ય સેવાને પ્રભુની સેવાનો દરજ્જો આપવામાં આવે છે. પરંતુ વર્તમાન સમયમાં સેવાના આ માધ્યમને લેભાગુ તત્ત્વોએ નાણા કમાવવાનું માધ્યમ બનાવી દીધું છે. લોકો તબીબોને ઈશ્વર માની તેમના પર ભરોસો કરી પોતાનું અને પોતાના પરિવારજનોનું જીવન બચાવી લેવા આશાભરી મીટ માંડતા હોય છે પરંતુ કેટલાક કિસ્સાઓમાં તબીબોની બેદરકારીના કારણે તેમના પર વિશ્વાસ મુકનાર નિર્દોષ લોકોને ઠેસ પહોંચતી હોય છે. આવો જ એક કિસ્સો પૂર્વ કચ્છના ભચાઉની એક વિવાદાસ્પદ ખાનગી હોસ્પિટલમાં સામે આવ્યો છે.આ અંગે મળતી માહિતી અનુસાર ભચાઉની એક ખાનગી હોસ્પિટલમાં તબીબની ગંભીર બેદરકારીના કારણે પ્રસુતિના સમયે બાળકનું મોત નિપજયું હતું. સગર્ભા મહિલાને પ્રસુતિ માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સગર્ભાને પ્રસવ પીડા ઉપડતા ખાનગી હોસ્પિટલના તબીબે ડીલેવરી કરાવવા માટેની સારવાર શરૂ કરી હતી પરંતુ તબીબની અક્ષમ્ય બેદરકારીના કારણે નવજાત બાળકનું મોત નિપજતા સગર્ભા મહિલાના પરિવારજનો પર આભ તુટી પડયું હતું. તબીબની ગંભીર પ્રકારની બેદરકારીનો કિસ્સો ઉજાગર થતા ભચાઉ પંથકમાં ચકચાર મચી ગઈ હતી અને લોકોએ માનવ જિંદગી સાથે લાપરવાહી દાખવનાર તબીબ પર ફીટકાર વરસાવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ભચાઉની જે ખાનગી હોસ્પિટલમાં આ ઘટના બની છે તે હોસ્પિટલ નજીકના જ ભૂતકાળમાં બોગસ તબીબના પ્રકરણ વખતે ભારે વિવાદાસ્પદ બની હતી. ફરી એકવખત ભચાઉની ખાનગી હોસ્પિટલનું નામ વિવાદના વંટોળમાં સપડાયું છે.
-----------

Comments

COMMENT / REPLY FROM