સરકારી મેળાઓ અને પ્રોત્સાહનથી રાધાબેન આહીર સહિત અનેક બહેનોને મળ્યો સ્વરોજગારનો અવસર : જીઆઈ ટેગથી કચ્છની પરંપરાગત કળાને મળી વૈશ્વિક ઓળખ : પરંપરાગત ભરતકામમાંથી આત્મનિર્ભરતાની કેડી કંડારતી કચ્છની આહીર મહિલાઓ
ભુજ - કચ્છઉદય : કચ્છની ધરતી તેની આગવી સંસ્કૃતિ, પરંપરા અને કલા વારસાથી વિશ્વભરમાં જાણીતી છે. આ ધરતીની પરંપરાગત હસ્તકળાઓમાં આહીર ભરતકામનું વિશેષ સ્થાન છે. પેઢી દર પેઢી મહિલાઓ દ્વારા જતન પામતી આ ભરતકામની કળા આજે માત્ર પરંપરાનું પ્રતીક જ નહીં, પરંતુ ગ્રામ્ય મહિલાઓ માટે આર્થિક સ્વાવલંબન અને આત્મનિર્ભરતાનું સશક્ત માધ્યમ પણ બની છે. આહીર ભરતકામને જીઆઈ ટેગ મળતાં તેની આગવી ઓળખને વૈશ્વિક સ્તરે નવી ઓળખ મળી છે. સરકારી મેળાઓ, પ્રદર્શનો અને બજાર સાથે જોડાવાની તકોના કારણે કચ્છની આ પરંપરાગત કળા દેશ-વિદેશ સુધી પહોંચી રહી છે.
ભુજ તાલુકાના અટલનગર ગામનાં રાધાબેન આહીર આ કળાને જીવંત રાખવાની સાથે અન્ય મહિલાઓને પણ રોજગારીની તક પૂરી પાડવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યાં છે. રાધાબેન જણાવ્યુ હતું કે, અમારા સમાજમાં ભરતકામની પરંપરા વર્ષોથી ચાલી આવે છે. દીકરી લગભગ ૧૦ વર્ષની થાય ત્યારથી જ તેને ભરતકામ શીખવવાની શરૂઆત કરવામાં આવે છે. નાનપણથી જ આ કળા શીખેલી મહિલાઓ જીવનભર તેને જાળવી રાખે છે. અમારા માટે ભરતકામ માત્ર એક કળા નથી, પરંતુ અમારી સંસ્કૃતિ, પરંપરા અને ઓળખનો એક અભિન્ન હિસ્સો છે.
આહીર ભરતકામની વિશેષતા તેની સુંદર બારીકાઈ, આકર્ષક રંગો અને આગવી ભાતમાં રહેલી છે. આ કળા દ્વારા મહિલાઓ કાંચળી, ઘાઘરા, બ્લાઉઝ, પડદા, ઘરેણાં અને શણગારની વસ્તુઓ ઉપરાંત પર્સ, થેલી સહિતની વિવિધ ઉપયોગી ચીજવસ્તુઓ તૈયાર કરે છે. દરેક વસ્તુમાં મહિલાઓની કલાકારી, મહેનત અને સર્જનાત્મકતા જોવા મળે છે. રાધાબેન વિવિધ ભરતકામની વસ્તુઓ વિશે માહિતી આપતાં જણાવ્યુ હતું કે, અમારા ભરતકામમાં દરેક ડિઝાઇન અને ભાતનું અલગ નામ અને મહત્વ છે. અમે પરંપરાગત પોશાકથી લઈને ઘરની સજાવટની વસ્તુઓ અને આજના સમયને અનુરૂપ પર્સ, થેલી જેવી અનેક વસ્તુઓ બનાવીએ છીએ. કેટલીક વસ્તુઓ તૈયાર કરવામાં મહિનાઓનો સમય લાગે છે, જ્યારે ભારે ભરતકામવાળી એક વસ્તુ તૈયાર કરતાં લગભગ એક વર્ષ જેટલો સમય પણ લાગી શકે છે. આ કામમાં ખૂબ ધીરજ, મહેનત અને કારીગરીની જરૂર પડે છે. રાધાબેન વધુમાં ઉમેરતા જણાવ્યા હતું કે, ગામની અંદાજે ૪૦૦ મહિલાઓમાંથી લગભગ ૩૦૦ મહિલાઓ આ કળા સાથે સંકળાયેલી છે. મહિલાઓ પોતાના પરિવાર માટે પરંપરાગત વસ્ત્રો તૈયાર કરવાની સાથે બજારમાં વેચાણ માટે પણ વિવિધ વસ્તુઓ બનાવે છે.
રાધાબેન આહિર સરકારનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યુ હતુ કે, અમારા જેવા ગામડાંમાં રહેતી બહેનો માટે આ ભરતકામ રોજગારીનું મોટું માધ્યમ બન્યું છે. અમારી પાસે કળા અને આવડત છે, જરૂર છે માત્ર તેને યોગ્ય તક અને બજાર મળે તેની. સરકારી મેળાઓ અને પ્રદર્શનોના કારણે અમને અમારી વસ્તુઓ લોકો સુધી પહોંચાડવાની તક મળી છે. આજે અમે કચ્છથી ગુજરાત અને ગુજરાતથી વિદેશ સુધી અમારી બનાવેલી વસ્તુઓ પહોંચાડી શકીએ છીએ. સરકારશ્રીએ અમને આવી તક પૂરી પાડી અને અમારી કળાને પ્રોત્સાહન આપ્યું તે બદલ અમે સરકારના ખૂબ ખૂબ આભારી છીએ.

ટિપ્પણીઓ
હજુ કોઈ ટિપ્પણી નથી. પહેલી ટિપ્પણી તમે લખો.