Trending News
સ્થાનિક સમાચાર

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ત્રણ બાળકોનો કાયદો રદ્દ કરો 

18 November



કચ્છ જિલ્લા કોંગ્રેસની રાજ્યના મુખ્યમંત્રીને રજૂઆત


ભુજ - કચ્છઉદય : ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની અને ગ્રામ પંચાયતની ચૂંટણીઓમાંથી ત્રણ બાળકોના પ્રતિબંધિત કાયદાને નાબૂદ કરવા માટે કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વી.કે. હુંબલે રાજ્યના મુખ્યમંત્રીને પત્ર પાઠવીને માંગણી કરી છે. આ કાયદાના કારણે અનેક લાયક અને સક્ષમ ઉમેદવારો લોકશાહી પ્રક્રિયામાં ભાગ લેવાથી વંચિત રહી જતાં હોવાનું જણાવીને કેબિનેટમાં ત્વરિત નિર્ણય લેવા તાકીદ કરવામાં આવી છે.
કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલ રજૂઆતમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઉમેદવારી કરવા માટે જો કોઈ વ્યક્તિત્વને ત્રણ કે તેથી વધુ સંતાનો હોય, તો તેઓ ચૂંટણી લડી શકતા નથી. દેશના માત્ર ચારથી પાંચ રાજ્યોમાં જ વસ્તી નિયંત્રણના નામે આ પ્રકારનો નિયમ અમલમાં છે, જ્યારે બંધારણમાં પણ વસ્તી નિયંત્રણ અંગેની આવી કોઈ વિશેષ જોગવાઈ રાખવામાં આવી નથી. આ મામલે સુપ્રીમ કોર્ટના ચુકાદાનો હવાલો આપતા જણાવવામાં આવ્યું છે કે સર્વોચ્ચ અદાલતે પણ નોંધ્યું છે કે આવા કાયદાનું હવે કોઈ અર્થ નથી. આજના સમયમાં દેશની જનતા પૂરતી સમજદાર છે અને પોતાના કુટુંબ માટે શું સારું કે નરસું છે તેનો નિર્ણય તે જાતે કરી શકે છે, જેથી મોટાભાગના પરિવારો સ્વૈચ્છિક રીતે મર્યાદિત કુટુંબ રાખવાનું જ પસંદ કરે છે. આવી સ્થિતિમાં આ કાયદાની કોઈ સાર્થકતા રહી નથી.
ખાસ કરીને બેવડા ધોરણો સામે સવાલ ઉઠાવતા પત્રમાં જણાવાયું છે કે દેશ કે રાજ્ય સ્તરે ચૂંટાતા ધારાસભ્યો અને સંસદ સભ્યોહમાટે ત્રણ બાળકોનો કોઈ નિયમ લાગુ પડતો નથી અને તેમને ત્રણ કે તેથી વધુ બાળકો હોવા છતાં તેઓ કોઈપણ રોકટોક વગર ચૂંટણી લડી શકે છે. તો પછી માત્ર સ્થાનિક સ્વરાજ્ય અને ગ્રામ પંચાયતની ચૂંટણી લડતા સામાન્ય નાગરિકો કે સ્થાનિક નેતાઓ માટે જ શા માટે આવો ભેદભાવભર્યો અને વંચિત રાખતો નિયમ હોવો જોઈએ?
આ વિસંગતતા દૂર કરવા માટે ગ્રામ પંચાયતની ચૂંટણીઓથી જ શરૂ કરીને સમગ્ર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાંથી ત્રણ બાળકોના કાયદાને કાયમ માટે સમાપ્ત કરવા અને કેબિનેટ બેઠકમાં આ અંગેનો પ્રસ્તાવ લાવીને ત્વરિત ધોરણે રદ કરવા ભારપૂર્વક અપીલ કરવામાં આવી છે.
------------ 

Comments

COMMENT / REPLY FROM