કચ્છ જિલ્લાની તમામ અદાલતોમાં ૨૧મીએ યોજાશે ખાસ લોક અદાલત
ભુજ - કચ્છ ઉદય : ચેક બાઉન્સના કેસોના ઝડપી નિકાલ સાથે અદાલતોમાં પડતર વિવાદો ઘટાડવાના હેતુથી આગામી ૨૧ નવેમ્બર, શનિવારના રોજ સમગ્ર કચ્છ જિલ્લાની તમામ અદાલતોમાં ખાસ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ, નવી દિલ્હી અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ યોજાનારી આ લોક અદાલતમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રૂમેન્ટ એક્ટની કલમ ૧૩૮ હેઠળના ચેક બાઉન્સના કેસોનો સમાવેશ કરવામાં આવશે. લોક અદાલતમાં બંને પક્ષકારો વચ્ચે પરસ્પર સમજૂતી કરાવી વિવાદોનો ઝડપી અને સરળતાથી ઉકેલ લાવવાના પ્રયાસો કરવામાં આવશે. ચેક બાઉન્સના કેસમાં સમાધાન કરવા ઇચ્છતા પક્ષકારો પોતાના કેસ લોક અદાલતમાં મુકવા માટે સંબંધિત અદાલતનો સંપર્ક કરી શકશે. આ પ્રક્રિયાથી પક્ષકારોને લાંબી ન્યાયિક કાર્યવાહી, સમય અને ખર્ચમાંથી રાહત મેળવવાની તક મળશે.
જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, કચ્છ-ભુજના અધ્યક્ષ અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ દિલીપ પી. મહિડા તથા સચિવ અમિત એમ. પાટડિયાએ પક્ષકારોને આ તકનો લાભ લેવા અનુરોધ કર્યો છે. વધુ માહિતી માટે ભુજ જિલ્લા ન્યાયાલય સ્થિત કાનૂની સેવા સત્તામંડળનો ફોન નંબર ૦૨૮૩૨ - ૨૫૪૯૩૦ પર સંપર્ક કરી શકાશે. આ ઉપરાંત રાપર, ભચાઉ, ગાંધીધામ, અંજાર, ભુજ, નખત્રાણા, દયાપર, નલિયા, માંડવી અને મુન્દ્રા ખાતેની તાલુકા કાનૂની સેવા સમિતિઓ પાસેથી પણ વિગતો મેળવી શકાશે.
----------

Comments