Trending News
સ્થાનિક સમાચાર

વિશ્વપ્રસિદ્ધ હેરિટેજ સાઇટ ધોળાવીરામાં ગેરકાયદેસર રિસોર્ટ્‌સનું સામ્રાજ્ય

18 November



રાજકીય વગ અને ઓથા હેઠળ તંત્ર મૂકપ્રેક્ષક બન્યું : તંત્રના આશીર્વાદ અને રાજકીય સંરક્ષણ વચ્ચે ખડકાઈ રહેલા અનધિકૃત બાંધકામોથી કચ્છના વિશ્વવિખ્યાત પ્રવાસન સ્થળની રણની ગરિમા અને સુરક્ષા જોખમમાં

ભચાઉ - કચ્છઉદય : કચ્છના ઇતિહાસ અને પુરાતત્વ વિજ્ઞાનના નકશા પર સોનેરી અક્ષરે અંકિત થયેલી અને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે ઘોષિત વિશ્વપ્રસિદ્ધ હેરિટેજ સાઇટ ધોળાવીરા કાયદાની બેડીઓ અને વહીવટી ઉદાસીનતા વચ્ચે ઘેરાયેલી છે. હડપ્પીય સંસ્કૃતિના આ પ્રાચીન અવશેષો અને વૈશ્વિક વિરાસતની ગરિમાને કલંકિત કરતી ઘટનાઓ દિવસેને દિવસે વકરી રહી છે, જ્યાં પ્રવાસન ક્ષેત્રના નામે ધોળાવીરા પંથકમાં કાયદો અને વ્યવસ્થાને ઘોળીને પી જતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો ધમધમાટ ચાલી રહ્યો છે. અત્રે અંદાજિત પંદરથી પણ વધુ નાના-મોટા રિસોર્ટ્‌સ અને ટેન્ટ સિટી ગેરકાયદેસર રીતે ધમધમી રહ્યા છે, જેમાંથી મોટાભાગના રિસોર્ટ્‌સ દ્વારા કોઈપણ પ્રકારની કાયદેસરની મંજૂરીઓ લેવાની તસ્દી સુદ્ધાં લેવામાં આવી નથી. આશ્ચર્યજનક બાબત તો એ છે કેઆ તમામ અનધિકૃત બાંધકામો સરકારી જમીનો અને ટાવર્સ પૈકીની માલિકીની જમીનો પર ધડેધડ દબાણ કરીને ખડકી દેવામાં આવ્યા છે, છતાં જવાબદાર વહીવટી તંત્ર અનિચ્છનીય રીતે મૌન ધારણ કરીને બેસી રહ્યું છે.
ધોળાવીરાની આ પવિત્ર ધરતી પર પ્રવાસન વિકાસના નામે ખાનગી સ્વાર્થના પાયા નંખાઈ રહ્યા છે અને રાજકીય ઓથા તથા મોટા ગજાના રાજકારણીઓના પ્રત્યક્ષ કે પરોક્ષ આશીર્વાદથી કાયદાના શાસનને ખુલ્લેઆમ પડકારવામાં આવી રહ્યો છે. સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા દર વર્ષે નિયમિતપણે આ તમામ રિસોર્ટ્‌સને કાયદેસરની નોટિસોની બજવણી કરવામાં આવે છે, જેમાં તેમની પાસેથી બાંધકામની મંજૂરીઓ, નકશા અને અન્ય આવશ્યક વિગતોની માંગણી કરવામાં આવે છે. આ સાથે જ પંચાયતને ભરવાપાત્ર થતા હાઉસ ટેક્સ અને અન્ય વેરાઓની નિયમિત ભરપાઈ કરવા માટે પણ વારંવાર તાકીદ કરવામાં આવે છે. પરંતુ, રાજકીય આશીર્વાદ અને પીઠબળ ધરાવતા આ રિસોર્ટ્‌સના સંચાલકો સ્થાનિક ગ્રામ પંચાયતની નોટિસોને કચરાપેટીમાં ફેંકી દે છે અને પંચાયત દ્વારા માંગવામાં આવતા કોઈપણ પ્રકારના જવાબો કે વેરા ભરપાઈ કરવાની દરકાર કરતા નથી. ગ્રામ પંચાયત ઉપરાંત તાલુકા વહીવટી તંત્ર દ્વારા પણ અવારનવાર આ અનધિકૃત રિસોર્ટ્‌સને નોટિસો ફટકારવામાં આવી છે, પરંતુ સ્થાનિક નેતાઓની રહેમનજર અને છત્રછાયા હેઠળ ચાલતા આ એકમો સરકારી કાગળો અને નોટિસોને ધોઈને પી જાય છે. આ બાબતે ભચાઉ મામલતદારનો સંપર્ક કરવાનો પ્રયાસ વિફળ રહ્યો હતો. 
સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, ધોળાવીરા વિસ્તારમાં ધમધમતા આ પંદરથી વધુ રિસોર્ટ્‌સમાંથી માત્ર છ જેટલા જ રિસોર્ટ્‌સ એવા છે કે જેમણે કાયદેસરની બાંધકામ મંજૂરીઓ મેળવી છે અને જેઓ પંચાયતના નિયમોનું પાલન કરીને નિયમિત વેરાની ભરપાઈ કરે છે. બાકીના તમામ રિસોર્ટ્‌સ સંપૂર્ણપણે ગેરકાયદેસર રીતે અને કોઈ પણ પ્રકારના નિયમોનું પાલન કર્યા વિના માત્ર રાજકીય જોરે અસ્તિત્વમાં આવ્યા છે. પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે હવે આ ગેરકાયદેસર રિસોર્ટ્‌સની હદ માત્ર ગામની બહાર પૂરતી સીમિત નથી રહી, પરંતુ વિશ્વપ્રસિદ્ધ હેરિટેજ સાઇટના હેલિપેડ અને પુરાતત્વ ખાતા એટલે કે એએસઆઈની સુરક્ષિત સાઇટ પર પણ મોટા પાયે ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા છે.આ અનધિકૃત એકમો દ્વારા માત્ર જમીનો પર ગેરકાયદેસર કબ્જા જ જમાવવામાં નથી આવ્યા, પરંતુ સરકારી તિજોરીને લાખો રૂપિયાનો ચૂનો ચોપડીને મોટા પ્રમાણમાં ટેક્સની ચોરી પણ આચરવામાં આવી રહી છે. એટલું જ નહીં, સ્થાનિકોના જણાવ્યા મુજબ આ રિસોર્ટ્‌સ દ્વારા વ્યાપક પ્રમાણમાં વીજળી અને પાણીની પણ ગેરકાયદેસર ચોરી કરવામાં આવી રહી છે, જેના કારણે સ્થાનિક પ્રજાને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે અને સરકારી સંસાધનોની આડેધડ લૂંટ મચી રહી છે. એક તરફ દેશ-વિદેશથી આવતા પ્રવાસીઓ આ મહામૂલી વિરાસતને જોવા માટે આવે છે અને બીજી તરફ આસપાસ ફૂલીફાલી રહેલા આ અનધિકૃત અડ્ડાઓ સમગ્ર વિસ્તારની છબી ખરડી રહ્યા છે. વહીવટી તંત્ર અને રાજકીય નેતાઓની આ ભ્રષ્ટ મિલીભગત સામે હવે સ્થાનિક નાગરિકોમાં ભારે આક્રોશ ફેલાઈ રહ્યો છે અને કડક કાર્યવાહીની માંગ ઉઠી રહી છે.

................

ગેરકાયદેસર દબાણો સામે ટૂંક સમયમાં કાર્યવાહી : પ્રાંત અધિકારી 

ભચાઉ : આ મામલે ભચાઉ પ્રાંત અધિકારી શ્રી અભિષેક સાથે વાતચીત કરતા તેમણે વહીવટી તંત્રની ભૂમિકા સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે ધોળાવીરાની આસપાસ થયેલા તમામ ગેરકાયદેસર દબાણો સામે તંત્ર દ્વારા પ્રશાસનિક નિયમો અનુસારની સખત અને કડક કાર્યવાહી કરવામાં આવશે. એએસઆઈ સાઇટની આસપાસ કરવામાં આવેલા ટેન્ટ, હોટલ અને અન્ય દબાણો કરનારાઓને અગાઉથી જ કાયદેસરની નોટિસો આપી દેવામાં આવી છે અને હવે કોઈપણ પ્રકારના પ્રભાવમાં આવ્યા વિના આગામી એકાદ દિવસની અંદર જ આ તમામ ગેરકાયદેસર દબાણોને સપાટાભેર દૂર કરવાની કામગીરી વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત ગેરકાયદેસર ધમધમતા થયેલા રિસોર્ટ અંગે પણ તપાસ કરાવી નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે તેવું તેમણે વધુમાં ઉમેર્યું હતું.

.................

ગ્રામ પંચાયતના સત્તા ક્ષેત્રની બહાર હોવાથી સીધી કાર્યવાહી અશક્ય : સરપંચ 

ભચાઉ : આ સમગ્ર પ્રકરણ અંગે ધોળાવીરા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ જીલુભા સોઢા સાથે વિસ્તૃત વાતચીત કરતા તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ધોળાવીરા ગામ તળની અંદર એક પણ રિસોર્ટ આવેલો નથી અને તમામ રિસોર્ટ્‌સ ગ્રામ પંચાયતની હદની બહાર આવેલા છે. ગ્રામ પંચાયત દ્વારા દર વર્ષે નિયમ અનુસાર દરેક રિસોર્ટને નોટિસ પાઠવી તેમની નોંધણી કરાવવા માટે અને વેરાની ભરપાઈ કરવા માટે તાકીદ કરવામાં આવે છે, પરંતુ માત્ર છ રિસોર્ટના સંચાલકો દ્વારા જ બાંધકામની મંજૂરી મેળવવામાં આવી છે અને વેરા ભરપાઈ કરવામાં આવ્યા છે. સરપંચશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે તમામ રિસોર્ટ્‌સ ટાવર્સ પૈકીની માલિકીની જમીનમાં આવેલા હોવાથી તે ગ્રામ પંચાયતના સત્તા ક્ષેત્રની બહાર જાય છે, જેના કારણે પંચાયત સ્તરેથી આ મામલે કોઈ સીધી કે કઠોર કાર્યવાહી કરી શકાતી નથી.

 

Comments

COMMENT / REPLY FROM