Trending News
સ્થાનિક સમાચાર

કચ્છનો જિલ્લાકક્ષાનો પીએમ કિસાન ઉત્સવ દિવસ કાર્યક્રમ કોટડા (ઉગમણા) ખાતે યોજાશે

28 October


શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની ઉપસ્થિતિમાં 




કચ્છમાં ૩૦મી ઓક્ટોબરે ‘પીએમ કિસાન ઉત્સવ દિવસ’ની થશે ઉજવણી : જિલ્લામાં કુલ ૭૫ સ્થળોએ યોજાશે કાર્યક્રમો :  રાજ્યમંત્રી, સાંસદ, ધારાસભ્યો સહિતના પદાધિકારી રહેશે ઉપસ્થિત


ભુજ - કચ્છઉદય : રાષ્ટ્રવ્યાપી પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી અંતર્ગત કચ્છમાં જિલ્લાકક્ષાનો કાર્યક્રમ તા. ૩૦ ઓક્ટોબરના રોજ સવારે ૯ કલાકે ગોકુલધામ સમાજવાડી, કોટડા ઉગમણા ખાતે શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાશે. ઉલ્લેખનીય છે કે, તા. ૩૦ ઓક્ટોબરના રોજ પીએમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી નિમિત્તે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા બનાસકાંઠાના ભીલડી ખાતેથી ભારત બોવાઈન બ્રિડિંગ એન્ડ રિસર્ચ સેન્ટરનું ઉદ્દઘાટન કરવામાં આવશે. આ દિવસે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના ૨૪મા હપ્તાની દેશ અને ગુજરાતના ખેડૂતોના બેંક ખાતામાં ડીબીટી માધ્યમથી ચૂકવણી કરવામાં આવશે.
ગુજરાત રાજ્યના ૩૪ જિલ્લાઓ અને ૧૦૯૦ જેટલી પંચાયત સીટ દીઠ આ કાર્યક્રમ યોજાશે. કચ્છ જિલ્લામાં જિલ્લાકક્ષાનો એક કાર્યક્રમ અને દરેક પંચાયત સીટ દીઠ બે કાર્યક્રમ એમ કુલ ૭૫ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાનના બનાસકાંઠા ખાતેના કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવશે. આ કાર્યક્રમ દરમિયાન ખેડૂત સબંધિત વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે. કાર્યક્રમમાં પધારનાર ખેડૂતોને પ્રાકૃતિક કૃષિનું માર્ગદર્શન આપવામાં આવશે. આ ઉપરાંત સરકારની કલ્યાણકારી યોજનાઓ અંગેની જાણકારી આપવામાં આવશે. વધુમાં આ કાર્યક્રમ દરમિયાન પ્રગતિશીલ ખેડૂતો તેમજ કૃષિ લાભાર્થીઓનું પ્રશસ્તિપત્ર આપીને સન્માન કરવામાં આવશે.
કચ્છ જિલ્લામાં ૩૦ ઓક્ટોબરના રોજ પીએમ કિસાન દિવસની ઉજવણી અંતર્ગત જિલ્લાકક્ષાના કોટડા (ઉગમણા) ખાતેના કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત જિલ્લામાં અન્ય ૭૪ કાર્યક્રમો વિવિધ પંચાયત સીટો હેઠળ યોજાશે. જેમાં રાપર તાલુકામાં સેલારી, કુડા-જામપર, ભીમાસર, આડેસર, ગાગોદર, ચિત્રોડ, ગેડી, બાલાસર, પલાસવા અને પ્રાગપર ખાતે કાર્યક્રમો થશે. ભચાઉ તાલુકામાં રતનપર, કકરવા, જંગી, વોંધ, જુના કટારિયા, વાંઢીયા, માય અને વીજપાસર ખાતે કાર્યક્રમો યોજાશે. માંડવી તાલુકામાં બીદડા, મસ્કા, રાયણ મોટી, ગોધરા, ગઢસીસા, પદમપૂર (બાયઠ), ભેરૈયા અને રામપર વેકરા ખાતે ઉજવણી થશે. અંજાર તાલુકાના ભીમાસર, નવી દુધઇ, ખંભરા, ભલોટ, સુગારીયા, આંબાપર, ચાંદ્રોડા અને નગાવલાડિયા ખાતે કાર્યક્રમો રાખવામાં આવ્યા છે. લખપત તાલુકામાં દયાપર, ઘડુલી, પુનરાજપર અને કપૂરાશી ખાતે, જ્યારે નખત્રાણા તાલુકાના જીયાપર, કોટડા (જ.), નેત્રા, ઘડાણી, વિથોણ, લક્ષ્મીપર તરા, દેશલપર ગુથલી અને નીરોણા ખાતે કાર્યક્રમો યોજાશે. અબડાસા તાલુકામાં વાયોર, તેરા, કોઠારા, નલીયા, મોથાળા અને ડુમરા ખાતે, મુંદ્રા તાલુકાના ગુંદાલા, વડાલા, દેશલપર, મોટા કાંડાગરા, પત્રી, કણજરા, કારાઘોઘા અને સાડાઉ ખાતે આયોજન કરાયું છે. ભુજ તાલુકાના તુગા, ખાવડા, માનકુવા, સુખપર, નારણપર પસાયતી, આણંદસર, માધાપર, કુકમા, થરાવડા, કોટડા ઉગમણા, કેરા, કુનરીયા, સુમરાસર શેખ, ડગાળા અને ખારી ગામોના નિર્ધારિત સ્થળોએ પણ આ કાર્યક્રમની ઉજવણી કરાશે.
આ કાર્યક્રમમાં સહકારી સંસ્થાઓ, કૃષિ વિભાગ, બાગાયત વિભાગ, પશુપાલન, આત્મા પ્રોજેક્ટ સાથે સંકળાયેલા લાભાર્થીઓ, પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો, સહકારી મંડળીઓના સભાસદો અને પંચાયત વિભાગના વિવિધ લાભાર્થીઓ ઉપસ્થિત રહેશે. આ તમામ કાર્યક્રમોમાં પ્રભારીમંત્રી, રાજ્યમંત્રી, સાંસદ તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.
---------

Comments

COMMENT / REPLY FROM