Trending News
સ્થાનિક સમાચાર

કચ્છ યુનિવર્સિટીની સ્પોર્ટ્‌સ ફીમાં વધારાને લઈ એનએસયુઆઈની ઉગ્ર રજૂઆત

28 October


બોર્ડ ઓફ મેનેજમેન્ટના ઠરાવ કરતાં વધુ ફી વસૂલાતી હોવાનો આક્ષેપ, રમતગમતનાં મેદાનોની દુર્દશા સામે પણ રોષ

ભુજ - કચ્છઉદય : ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી વસૂલવામાં આવતી રમતગમત ફીમાં વધારો કરવાના મુદ્દે કચ્છ જિલ્લા એનએસયુઆઈ દ્વારા આજે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. યુનિવર્સિટીના પરિપત્રમાં દર્શાવેલી ફી અને બોર્ડ ઓફ મેનેજમેન્ટ (બીઓએમ) દ્વારા લેવાયેલા નિર્ણય વચ્ચે વિસંગતતા હોવાનો આક્ષેપ કરી, વિદ્યાર્થીઓ પાસેથી ઠરાવ મુજબ જ ફી વસૂલવાની માંગ કરવામાં આવી હતી. આ રજૂઆત દરમિયાન યુનિવર્સિટી ખાતે પોલીસ અધિકારીઓનો કાફલો પણ તૈનાત કરવામાં આવ્યો હતો.
એનએસયુઆઈના જણાવ્યા મુજબ, યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા પરિપત્ર ક્રમાંક ૧૭૭માં વિદ્યાર્થીઓ પાસેથી વાર્ષિક રૂ. ૨૦૦ રમતગમત ફી લેવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બીજી તરફ, બોર્ડ ઓફ મેનેજમેન્ટની બેઠકમાં રમતગમત ફી, સાંસ્કૃતિક ફી અને ઝોનલ ફીમાં રૂ. ૫૦નો વધારો તેમજ સમગ્ર વર્ષ માટે કુલ રૂ. ૧૦૦નો વધારો કરવાનો નિર્ણય લેવાયો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આથી પરિપત્રમાં દર્શાવેલી ફી અને બોર્ડના ઠરાવ વચ્ચેના તફાવત અંગે તાત્કાલિક સ્પષ્ટતા કરવાની માંગ ઉઠાવવામાં આવી હતી.
એનએસયુઆઈએ રજૂઆતમાં જણાવ્યું હતું કે, બોર્ડ ઓફ મેનેજમેન્ટના ઠરાવને અનુરૂપ સુધારેલું ફી માળખું જાહેર કરવામાં આવે અને વિદ્યાર્થીઓ પર વધારાનો આર્થિક બોજ ન પડે તે માટે તાત્કાલિક નિર્ણય લેવામાં આવે. વિદ્યાર્થીઓ પાસેથી માત્ર ઠરાવ મુજબ જ ફી વસૂલવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી. ફી વધારા ઉપરાંત યુનિવર્સિટીમાં રમતગમતની સુવિધાઓની સ્થિતિ સામે પણ નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી. એનએસયુઆઈના આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે, યુનિવર્સિટીના ફૂટબોલ અને ક્રિકેટનાં મેદાનોમાં બાવરિયા ઊગી નીકળ્યાં છે તેમજ કાદવ-કીચડની સ્થિતિ જોવા મળે છે. આવા મેદાનોમાં વિદ્યાર્થીઓ કેવી રીતે રમતગમતની પ્રવૃત્તિઓ કરી શકે તેવો સવાલ ઉઠાવી, મેદાનોનું સમારકામ કરાવી યોગ્ય સ્થિતિમાં લાવવા અને રમતગમતને લગતી જરૂરી સુવિધાઓ તાત્કાલિક ઉપલબ્ધ કરાવવાની માંગ કરવામાં આવી હતી. આવેદનપત્ર આપતી વખતે કચ્છ જિલ્લા એનએસયુઆઈના પ્રમુખ ઋષિરાજસિંહ જાડેજા, વિશ્વરાજસિંહ વાળા, કૃષ્ણરાજસિંહ જાડેજા, યાગ્નિકભાઈ, હર્ષદભાઈ, ભુપેન્દ્રભાઈ, યશભાઈ સહિતના આગેવાનો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. 
------

Comments

COMMENT / REPLY FROM