કચ્છમાં અછતની જાહેરાત બાદ વહીવટી તંત્રની કસોટીઃ હવે વેળાસર પશુપાલકો-ખેડૂતો ને અછત મેન્યુઅલ નો આપો લાભ
પશુપાલકો માટે રાહત અને ઘાસચારાનું આગોતરૂ આયોજન : ડેપો અને સબસિડીયુક્ત ઘાસ વિતરણઃપાંજરાપોળો અને ગૌશાળાઓ માટે વિશેષ સહાય પેકેજઃપશુ આરોગ્ય શિબિરો સહિતનો આદરો ધમધમાટ
ખેડૂતો માટે પાક નુકસાની સર્વે અને આર્થિક રાહતો :ગ્રામ્ય સ્તરે રોજગારી અને મનરેગાના કાર્યો : રોજગારીલક્ષી કામો શરૂ કરવાઃ પીવાના પાણીની સુનિશ્ચિતતા અને ટેન્કર રાજની નાબૂદી : ખાનગી બોર-કૂવાઓનું અધિગ્રહણ વેળાસર કરો
ગાંધીધામ : રાજ્ય સરકાર દ્વારા કચ્છ સહિતના ચાર જિલ્લાઓને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે, ત્યારે કચ્છ જેવા ભૌગોલિક રીતે વિશાળ અને અર્ધ-શુષ્ક પ્રદેશમાં અછત મેન્યુઅલ ની જોગવાઈઓ મુજબ વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે કયા પ્રકારના પગલાં લેવા જરૂરી છે અને તેનાથી પશુપાલકો તથા ખેડૂતોને મહત્તમ ફાયદો કેવી રીતે મળી શકે તે બાબતે ત્વરીત વ્યવસ્થાઓ ગોઠવવી જોઈએ. રાજ્ય સરકાર દ્વારા કચ્છ જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવતાની સાથે જ જિલ્લા વહીવટી તંત્રની જવાબદારીઓ અનેકગણી વધી ગઈ છે. કચ્છમાં ખેતી ઉપરાંત પશુપાલન એ ગ્રામ્ય અર્થવ્યવસ્થાનો મુખ્ય કરોડરજ્જુ છે. અછતની સ્થિતિમાં ‘ગુજરાત અછત મેન્યુઅલ’ ના નિયમો અનુસાર જમીની સ્તરે તાત્કાલિક અને અસરકારક અમલવારી થાય તે અત્યંત આવશ્યક છે.આ મામલે જો વિગતે વાત કરીએ તો કચ્છની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રએ ઝડપથી વહીવટી કાર્યવાહી હાથ ધરવી ઘટે. કચ્છમાં લાખોની સંખ્યામાં નાના-મોટા પશુઓ છે અને અછતના સમયે પશુધન માટે ઘાસચારાની સમસ્યા સૌથી વિકટ બને છે. સરકારી ધોરણે ડેપો શરૂ કરી રાહત દરે (સબસિડી સાથે) પૂરતા પ્રમાણમાં સૂકો અને લીલો ઘાસચારો પશુપાલકોને ઉપલબ્ધ કરાવવો જોઈએ. નોંધાયેલી પાંજરાપોળો અને ગૌશાળાઓને પશુ દીઠ નિભાવ સહાય સમયસર ચૂકવવી જેથી પશુ નિભાવમાં મુશ્કેલી ન પડે. અછતગ્રસ્ત વિસ્તારોમાં પશુઓમાં રોગચાળો ન ફેલાય તે માટે ખાસ મોબાઈલ વેટેનરી યુનિટ અને રસીકરણ ઝુંબેશ શરૂ કરવી.વરસાદની અછત કે અનિયમિતતાને કારણે નિષ્ફળ ગયેલા પાક માટે ખેડૂતોને ન્યાય અપાવવો વહીવટીતંત્રની પ્રાથમિકતા હોવી જોઈએ.કૃષિ અને મહેસૂલ વિભાગની સંયુક્ત ટીમો બનાવીને ગામડે-ગામડે તાત્કાલિક પાક નુકસાનીનું સર્વેક્ષણ પૂરું કરવું, જેથી કોઈ પણ ખેડૂત વળતરથી વંચિત ન રહે. કૃષિ ધિરાણની પુનઃરચના ટૂંકા ગાળાની કૃષિ લોનને લાંબા ગાળાની લોનમાં ફેરવવાની દરખાસ્ત બેંકો સમક્ષ મૂકવી અને ધિરાણના હપ્તા ભરવામાં રાહત અપાવવી. ખેડૂતોને સિંચાઈ માટે પૂરતી વીજળી પૂરી પાડવી અને બોર-કૂવાઓ માટેના વીજ બિલમાં નિયમોનુસાર માફી કે રાહત આપવી. ગાંધીધામ : અછતની આ જાહેરાત માત્ર કાગળ પર ન રહેતા જમીની સ્તરે પશુપાલકો અને ખેડૂતોના આસુ લૂછનારી સાબિત થાય તે માટે વહીવટીતંત્રએ ‘પ્રોએક્ટિવ’ અભિગમ અપનાવીને યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવી અનિવાર્ય છે. કચ્છના વિષમ ભૌગોલિક સંજોગોને ધ્યાનમાં રાખીને જો સમયસર પગલાં લેવામાં આવશે, તો જ ગ્રામ્ય પ્રજાને અછતના સંકટમાંથી વાસ્તવિક રાહત મળી શકશે.અછતના સમયે ગ્રામ્ય વિસ્તારોમાંથી રોજગારી અર્થે પલાયન અટકાવવું સૌથી મોટો પડકાર હોય છે. ગ્રામ્ય પંચાયતોમાં મનરેગા હેઠળ તળાવ ઊંડા કરવા, કેનાલ સફાઈ, માટીકામ અને વોટર શેડ ડેવલપમેન્ટના નવા કાર્યો ત્વરિત મંજૂર કરવા. રોજની હાજરી અને સમયસર મજૂરી ચૂકવણી. કામદારોને સમયસર પૂરતી મજૂરી મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવી જેથી આર્થિક સુરક્ષા મળી રહે. કચ્છના અંતરિયાળ વિસ્તારો અને ગિરિમથકો કે પટ્ટાઓમાં પાણીની તંગી ન સર્જાય તે માટે અગાઉથી જ માસ્ટર પ્લાન બનાવવો જરૂરી છે.જૂથ યોજનાઓ અને કેનાલ આધારિત પાણી. નર્મદા આધારિત જળ વિતરણ શૃંખલાઓને સઘન બનાવી છેવાડાના ગામો સુધી પાણી પહોંચાડવું. જે વિસ્તારોમાં પાઈપલાઈન દ્વારા પાણી પહોંચવું મુશ્કેલ હોય, ત્યાં અગાઉથી જ સરકારી કે ભાડે રાખેલા ટેન્કરો દ્વારા નિયમિત પાણી વિતરણની વ્યવસ્થા સુનિશ્ચિત કરવી. જરૂર પડ્યે પીવાના પાણી માટે સ્થાનિક ખાનગી બોર કે કૂવાઓને હસ્તગત કરવા માટેના અધિકારોનો તંત્ર દ્વારા સમયસર ઉપયોગ કરવો.
..........
વહીવટી સંકલન અને હેલ્પલાઇન સેન્ટર શરૂ કરો
જિલ્લા અને તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમઃ અછતની સ્થિતિ પર બાજ નજર રાખવા અને નાગરિકોની ફરિયાદોનું નિવારણ લાવવા માટે ૨૪ કલાક કાર્યરત કંટ્રોલ રૂમ શરૂ કરવા.ગ્રામીણ સ્તરે મોનિટરિંગ કમિટી તલાટી, ગ્રામસેવક અને સરપંચની સંયુક્ત સમિતિ બનાવીને ઘાસચારા અને પાણીના વિતરણમાં
પારદર્શિતા જાળવવી.
.......

Comments