કચ્છ જિલ્લા આરોગ્ય તંત્રની ઐતિહાસિક સિદ્ધિ : ૮૩ આયુષ્માન આરોગ્ય મંદિરોને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું એનક્યુએએસ પ્રમાણપત્ર
નાગરિકોને ઉત્તમ આરોગ્ય સેવાઓ પૂરી પાડવાની દિશામાં એકમહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરતો આરોગ્ય વિભાગ
ભુજ - કચછઉદય : કચ્છ જિલ્લાના સરકારી આરોગ્ય કેન્દ્રોમાં સેવાઓની ગુણવત્તામાં વધારો કરવા અને નાગરિકોને ઉત્કૃષ્ટ તબીબી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુથી એક ઝુંબેશ આરોગ્ય શાખા જિલ્લા પંચાયત દ્વારા શરૂ કરવામાં આવી હતી. આ ઝુંબેશ અંતર્ગત કચ્છ જિલ્લાના ૧૧૭ આયુષ્માન આરોગ્ય મંદિરોમાંથી કુલ ૮૩ કેન્દ્રોએ એનક્યુએએસ પ્રમાણપત્ર મેળવીને મોટી સિદ્ધિ હાંસલ કરી છે.ડિસેમ્બર-૨૦૨૫ દરમિયાન જિલ્લાના ૧૧૭ સબ-સેન્ટર કક્ષાના આયુષ્માન આરોગ્ય મંદિરોને ‘રાષ્ટ્રીય ગુણવત્તા ખાતરી પ્રમાણપત્ર’ અપાવવાના લક્ષ્યાંક સાથે આ કામગીરીની શરૂઆત કરવામાં આવી હતી.
આ ઝુંબેશને સફળ બનાવવા માટે નિયમિત સાપ્તાહિક વીડિયો કોન્ફરન્સ મારફતે કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરાતી હતી. આરોગ્ય કેન્દ્રોના સ્ટાફને અઠવાડિયામાં બે વખત એનક્યુએએસના માપદંડો, ગુણવત્તા સુધારણા અને જરૂરી દસ્તાવેજીકરણ અંગે તાલીમ પૂરી પાડવામાં આવી હતી.આ સતત માર્ગદર્શનના પરિણામે પસંદ કરાયેલા આરોગ્ય કેન્દ્રોની કામગીરીમાં નોંધપાત્ર ગુણવત્તાલક્ષી સુધારો જોવા મળ્યો હતો.
પ્રથમ તબક્કામાં રાજ્ય કક્ષાએ એસેસમેન્ટ પૂર્ણ થયા બાદ, આ પ્રમાણપત્ર મેળવવા માટે એસએક્યુએસએચએએમ પોર્ટલ પર અરજી કરવામાં આવી હતી. ત્યારબાદ નેશનલ હેલ્થ સિસ્ટમ્સ રિસોર્સ સેન્ટર દ્વારા ઓગસ્ટ-૨૦૨૬ સુધી તબક્કાવાર તમામ કેન્દ્રોનું વર્ચ્યુઅલ માધ્યમથી એસેસમેન્ટ કરાયું હતું. પારદર્શિતા જાળવવા એનએચએસઆરસીની માર્ગદર્શિકા મુજબ ૧૦ ટકા રેન્ડમ ફિઝિકલ વેરિફિકેશન અંતર્ગત ત્રણ આરોગ્ય કેન્દ્રોની રૂબરૂ સ્થળ તપાસ પણ કરવામાં આવી હતી.
એસેસમેન્ટના અંતે પ્રાપ્ત થયેલાં પરિણામો કચ્છ જિલ્લાના જાહેર આરોગ્ય ક્ષેત્ર માટે ગૌરવરૂપ રહ્યા છે. પસંદ કરાયેલા ૧૧૭ આયુષ્માન આરોગ્ય મંદિરોમાંથી કુલ ૮૩ કેન્દ્રોએ એનક્યુએએસ પ્રમાણપત્ર મેળવીને મોટી સિદ્ધિ હાંસલ કરી છે, જેમાં ૪૨ આરોગ્ય કેન્દ્રોને ત્રણ વર્ષની માન્યતા ધરાવતું સંપૂર્ણ પ્રમાણપત્ર અને ૪૧ કેન્દ્રોને છ મહિનાની માન્યતા ધરાવતું પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે.જ્યારે અન્યની કાર્યવાહી પ્રગતિમાં છે. આ એનક્યુએએસ પ્રમાણપત્ર મેળવવાની પ્રક્રિયાથી આરોગ્ય કેન્દ્રોમાં સ્વચ્છતા, ચેપ નિયંત્રણ, દર્દીઓની સુરક્ષા, સેવાઓની ઉપલબ્ધતા અને દર્દી-કેન્દ્રિત અભિગમ જેવા વિવિધ પાસાઓમાં નોંધપાત્ર સુધારો થયો છે.સંપૂર્ણ પ્રમાણિત થયેલા કેન્દ્રોને સરકારશ્રીના નિયમો મુજબ ગુણવત્તા જાળવણી માટેની ગ્રાન્ટ તથા ઇન્સેન્ટિવનો સીધો લાભ પણ મળશે.
આ સમગ્ર જ્વલંત સિદ્ધિ પાછળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.મિતેષ ભંડેરીના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લાના વિવિધ પ્રોગ્રામ ઓફિસરો, જિલ્લા ક્વોલિટી વિભાગના ડીક્યુએએમઓ ડૉ.અમીન અરોરા, ડીક્યુએ દીપેન ગોર, તાલુકા હેલ્થ ઓફિસરો, રાજ્ય ઇન્ટરનલ એસેસરો, તાલુકા સીએચઓ નોડલ અને તમામ આરોગ્ય કેન્દ્રોના અધિકારીઓ-કર્મચારીઓએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. જિલ્લા ક્વોલિટી વિભાગ દ્વારા તમામ કેન્દ્રોને આ ઉત્તમ ગુણવત્તા સતત જાળવી રાખવા આહવાન કરવામાં આવ્યું છે. કચ્છ જિલ્લો નાગરિકોને સુરક્ષિત અને દર્દી-કેન્દ્રિત આરોગ્ય સેવાઓ પૂરી પાડવાની દિશામાં સતત આગળ વધી રહ્યો છે તેમ આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત દ્વારા જણાવાયું છે.
----------

Comments