ભચાઉના ચોપડવા પાસેની ઓરિએન્ટલ ફાઉન્ડ્રી માં વરસાવરસે લાગતી ભીષણ આગથી તર્કવિતર્કો
ગઈકાલે પણ ટ્રાન્સફોર્મર બ્લાસ્ટ થતા આગ લાગવાથી મચી દોડધામ : ૫ કલાકે કાબૂ મેળવ્યો
કંપનીના મેનેજર મનોજભાઈએ વાતચીત કરવાની વ્યકત કરી અસમર્થતા
ગાંધીધામ : ભચાઉ તાલુકાના ચોપડવા ગામ પાસે આવેલ ઓરિએન્ટલ ફાઉન્ડ્રી પ્રા.લિ. (યુનિટ-૧)માં મંગળવારે મોડી રાત્રે એક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ, તારીખ ૨૮/૧૦/૨૦૨૬ ના રાત્રે ૩.૩૦ વાગે ભચાઉ નગરપાલિકા ફાયર ટીમને ૧૧૨ નંબર પર કોલ મળ્યો હતો કે ચોપડવા ગામ પાસે આવેલ ફાઉન્ડ્રીમાં આગ લાગી છે.ઘટનાસ્થળે પહોંચીને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ટ્રેનનું મટીરિયલ બનાવતી આ કંપનીના રો મટીરિયલમાં આગ લાગી હતી, જે જોતજોતામાં આજુબાજુ ફેલાઈ રહી હતી. ટ્રાન્સફોર્મરમાં મોટા પ્રમાણમાં ઓઇલ ભરેલું હોવાથી આગ વધુ ભડકી હતી અને ફાયર ફાઇટીંગ દરમિયાન ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મર બ્લાસ્ટ પણ થયો હતો.ભચાઉ ફાયર ટીમના જવાનોએ સતત ૫ કલાક સુધી પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. આ આખી દુર્ઘટનામાં ફાયર ટીમની સતર્કતાથી કંપનીનો ૭૦ ટકા જેટલો હિસ્સો બચાવી લેવામાં સફળતા મળી હતી. આ કામગીરીમાં ટીમ ઇન્ચાર્જ પ્રવીણ દાફડા, ફાયર હેલ્પર્સ કુલદીપભાઈ અને ફાયરમેન શક્તિસિંહ જોડાચાએ સક્રિય ભૂમિકા ભજવી હતી. આગનું કારણઃ ટ્રેનનું મટીરિયલ બનાવતી આ કંપનીમાં રો મટીરિયલમાં આગ લાગી હતી અને ત્યારબાદ ટ્રાન્સફોર્મરમાં મોટા ભાગે ઓઇલ ભરેલું હોવાથી ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મર બ્લાસ્ટ થયો હતો. ૧૧૨ પર કોલ મળતા જ ભચાઉ ફાયર ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને સતત ૫ કલાકની જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી કંપનીનો ૭૦% ભાગ બચાવી લીધો હતો. જાણકારો દ્વારા સવાલ ઉઠાવાઈ રહ્યા છે કે, આ કંપનીમાં વરસાવરસ આગ કેમ લાગી રહી છે? તેની પાછળનુ રહસ્ય શું છે? દિવાળીના સમયે જ અહી આગ લાગવાની કેમ ઘટનાઓ બનવા પામી રહી છે. આ સંદર્ભે કંપનીના મેનેજર મનોજભાઈ માજીની સાથે વાતચીત કરતા તેઓ રોકાયેલા હોવાથી વાતચીત કરવા અસમર્થતા દર્શાવી હતી.
........
વીમા કંપની સચેત બને : ઈન્સ્શ્યોરન્સ માટેનું
તરકટ તો નથી ને? કયા ખાખીને હપ્તો મળે છે!
આવી ભયાવહ આગમાં કયા ખાખી અધિકારી કે કર્મીઓ કંપનીવાળાઓ સાથે કરી લે છે સેટીંગ? વીમા કંપનીઓ પણ ઈન્શ્યોરન્સ મંજુર કરતા પહેલા આવી લાગેલી આગના તમામ પાસાજુએ તે જરૂરી : આ કંપનીમાં અત્યાર સુધીમાં પાંચથી વધુ આગ લાગી ચુકી હોવાની છે ચકચાર, તેનુ કારણ શું?
ગાંધીધામ : ચોપડવા વિસ્તારમાં આવેલી આ કંપનીમાં આગની ઘટનાઓ વારંવાર બની રહી છે. જાણકારો કહી રહ્યા છે કે, આ કંપનીમાં પાંચથી વધુ વખત આગનીઘટના બની ચુકી છે. કયાંક ને કયાંક ઈન્શયોરેન્સનું તો કોઈ નાટક નથી ને? વીમા કંપની આવી રીતે આગ લગાડતી કંપનીઓના વીમા મંજુર કરતા પહેલા વિચાર કરે? જાણકારો એમ પણ કહી રહ્યા છે કે, અમુક ખાખીધારીઓને પણ કંપનીના જવાબદારો સાચવી રહ્યા છે? ઉચ્ચસ્તરેથી તપાસ થવી જોઈએ કે, આ બધુ કેવી રીતે નાટક ચાલી રહ્યુ છે?
.........
આગની ઘટનાઓના સિલસિલો પાછળ કંપની સહિતનાઓની લાપરવાહી કારણભુત?
ગાંધીધામ : * વધારે પડતું પ્રોડક્શન અને પ્રેશરઃ દિવાળીની આસપાસ ફેક્ટરીઓ અને કંપનીઓમાં ઓર્ડરનું ભારણ વધારે હોય છે, જેના કારણે મશીનરી સતત અને ક્ષમતા કરતાં વધુ સમય ચાલે છે. * ઇલેક્ટ્રિકલ લોડ અને શોર્ટ સર્કિટઃ સતત મશીનો ચાલવાથી ઇલેક્ટ્રિકલ સિસ્ટમ પર વધુ ભાર પડે છે, જેના કારણે શોર્ટ સર્કિટ થવાની સંભાવના વધી જાય છે. * જ્વલનશીલ પદાર્થોનું સ્ટોરેજઃ કાપડ, ઓઇલ અથવા કેમિકલ જેવા જ્વલનશીલ રો-મટીરિયલ યોગ્ય સુરક્ષા વગર સંગ્રહિત થયા હોય ત્યારે અકસ્માતે આગ ઝડપથી ફેલાઈ જાય છે. * સુરક્ષાના ધોરણોની બેદરકારીઃ નાઇટ શિફ્ટમાં અથવા ઉતાવળના કામ દરમિયાન સેફ્ટી પ્રોટોકોલનું પૂરતું પાલન ન થવું પણ ઘણીવાર આગનું કારણ બને છે.આ તમામ બાબતો ઊંડી તપાસનો વિષય બને છે કે આ આગ માત્ર અકસ્માત હતો કે પછી સંચાલન કે સુરક્ષામાં કોઈ ગંભીર બેદરકારી રહી હતી.
.......

Comments