Trending News
સ્થાનિક સમાચાર

હાથ ધોવાની સાચી ટેકનિકથી અનેક રોગોથી બચી શકાય છે

27 October


ભુજ શારદા સ્કીલ હાઉસ દ્વારા રામનગરી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓમાં આરોગ્ય, સ્વચ્છતા અને પૌષ્ટિક આહાર અંગે જાગૃતિ ફેલાવવા નાટિકા અને વક્તવ્યનું આયોજન કરાયું

ભુજ - કચ્છઉદય : શારદા સંસ્કૃતિ ટ્રસ્ટ સંચાલિત શારદા સ્કીલ હાઉસ દ્વારા વિદ્યાર્થીઓમાં આરોગ્ય, સ્વચ્છતા અને પૌષ્ટિક આહાર અંગે જાગૃતિ ફેલાવવા નાટિકા અને વક્તવ્યનું આયોજન રામનગરી પ્રાથમિક શાળામાં ધોરણ ૬ થી ૮ના વિદ્યાર્થીઓ માટે કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆતમાં સંસ્થાના નર્સિંગ આસિસ્ટન્ટના તાલીમાર્થીઓ દ્વારા વિદ્યાર્થીઓને હેન્ડવોશ કરવાની સાચી ટેકનિક અને બાયોમેડિકલ વેસ્ટ અંગે ખૂબ જ સરળ અને લોકભોગ્ય ભાષામાં નાટિકા પ્રસ્તુત કરવામાં આવી હતી, જેમાં જમતા પહેલા, શૌચાલયનો ઉપયોગ કર્યા પછી અને બહારથી આવ્યા બાદ સાબુ અથવા હેન્ડવોશથી હાથ ધોવા જોઈએ. હાથની હથેળીઓ, આંગળીઓની વચ્ચેના ભાગ અને નખની આસપાસ યોગ્ય રીતે સફાઈ કરવાથી અસંખ્ય રોગોથી બચી શકાય છે. આ નાટિકાની સુંદર તૈયારી શારદા સ્કીલ હાઉસના પ્રશિક્ષક આરતીબેન ગઢવીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી, જેમણે કાર્યક્રમમાં સૂત્રધારની મુખ્ય ભૂમિકા પણ ભજવી હતી.
આ પ્રસંગે શારદા સંસ્કૃતિ ટ્રસ્ટના મંત્રી અને ડાયેટિશિયન સોનુબેન યાદવે ‘વર્લ્ડ ફૂડ ડે’ ના ઉપલક્ષ્યમાં વક્તવ્ય આપતા વિદ્યાર્થીઓને સંતુલિત આહાર અને ખોરાકનો બગાડ અટકાવવા વિશે જણાવતા કહ્યું હતું કે, શરીરના યોગ્ય વિકાસ અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આહારમાં તાજા લીલા શાકભાજી, ફળો, કઠોળ, અનાજ અને પૂરતા પ્રમાણમાં પાણીનો સમાવેશ કરવો જોઈએ. જંક ફૂડ અને ફાસ્ટ ફૂડથી દૂર રહીને પૌષ્ટિક ખોરાક અપનાવવો એ તંદુરસ્ત જીવનની ચાવી છે.
શાળાના આચાર્ય જીતેન્દ્ર ઠક્કરે આ ઉજવણીને સમાજ હિત અને વિકાસનું નોંધપાત્ર પગલું ગણાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, જો વિદ્યાર્થી નાની વયે જાગૃત થાય, તો તે પોતાના પરિવાર અને સમાજ સુધી આ સાચા સંદેશાઓ ખૂબ જ સરળતાથી પહોંચાડી શકે છે. કાર્યક્રમની સફળતા માટે શાળાના સ્ટાફે વ્યવસ્થા સંભાળી હતી તથા સંસ્થાના ટ્રસ્ટી ઇલાબેન ગોસ્વામી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
--------

Comments

COMMENT / REPLY FROM