કચ્છના પ્રા. શિક્ષકોના પગાર માટે નવી ડિજિટલ વ્યવસ્થા લાગુ થશે
ભુજ - કચ્છઉદય : કચ્છની સરકારી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા અંદાજે ૭ હજાર શિક્ષકોના પગારની ચૂકવણીની પદ્ધતિમાં આગામી સમયમાં ફેરફાર થઈ શકે છે. રાજ્યના શિક્ષણ વિભાગે શિક્ષકોના પગાર બિલ તૈયાર કરવાની અને ચૂકવણી કરવાની પ્રક્રિયા વધુ પારદર્શક બનાવવા કર્મયોગી પોર્ટલ અને આઈએફએમએસ મારફતે સીધા પગાર ચૂકવવાનો નિર્ણય લીધો છે. પ્રથમ તબક્કામાં ૧ નવેમ્બરથી ગાંધીનગર જિલ્લામાં પ્રાયોગિક ધોરણે નવી વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવશે.બાદમાં સમગ્ર રાજ્યમાં યોજના અમલી બનશે.હાલમાં પ્રાથમિક શિક્ષકોના પગાર બિલ તૈયાર કરવાની કામગીરી પ્રીસા સોફ્ટવેર મારફતે થાય છે. આ પ્રક્રિયામાં બિલ તૈયાર કરવા, ચેક મેળવવા અને બેંકમાં જમા કરાવવા સહિતની કામગીરી મેન્યુઅલી થતી હોવાથી પગાર ચૂકવણીમાં વિલંબ થવાની શક્યતા રહેતી હતી. આ પ્રક્રિયાને વધુ સરળ અને પારદર્શક બનાવવા હવે પગાર બિલ કર્મયોગી પોર્ટલ પર તૈયાર કરીને આઈએફએમએસ
મારફતે ચૂકવવાની વ્યવસ્થા કરવામાં આવી છે. નવી પદ્ધતિ હેઠળ ગાંધીનગર જિલ્લાના પ્રાથમિક શિક્ષકોનાં પગાર બિલ કર્મયોગી એપ્લિકેશન મારફતે જ તૈયાર કરવાનાં રહેશે. આ માટે હાલની હિસાબી પ્રક્રિયામાં પણ જરૂરી ફેરફારો કરવામાં આવશે. અગાઉ પગાર બિલ પી.એ.એફ.-૬૨ નમૂનામાં તૈયાર થતાં હતાં, જ્યારે નવી વ્યવસ્થામાં તિજોરી કચેરીમાં બિલ રજૂ કરવા જી.ટી.આર.-૩૦ નમૂનાનો ઉપયોગ કરવા નિયમોમાં સુધારો કરાશે. સ્થાનિક ભંડોળ હિસાબ તપાસની કામગીરી સરળતાથી થઈ શકે તે માટે તાલુકા પંચાયતોએ હિસાબો અદ્યતન રાખવા ઉપરાંત તમામ વાઉચર અને આધાર પુરાવાઓની નકલો સાચવી રાખવી પડશે. કચ્છ જિલ્લામાં અંદાજે ૭ હજાર પ્રાથમિક શિક્ષકો ફરજ બજાવતા હોવાથી નવી પગાર વ્યવસ્થા અહીં અમલમાં આવે તો શિક્ષકોની પગાર ચૂકવણીની પ્રક્રિયામાં ફેરફાર થશે. જોકે, હાલના તબક્કે નવી વ્યવસ્થા ગાંધીનગર જિલ્લામાં પ્રાયોગિક ધોરણે શરૂ થઈ રહી છે. કચ્છ સહિત અન્ય જિલ્લાઓમાં તેનો અમલ આગામી સમયમાં થશે.

Comments