Trending News
સ્થાનિક સમાચાર

ભુવડ ખાતે સેફ ટચ - અનસેફ ટચ, મેનસ્ટ્રૂઅલ હાઈજીન તથા કિશોરાવસ્થા અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

23 October



અંજાર - કચ્છઉદય : જિલ્લા મહિલા અને બાળ અધિકારી અવનીબેન રાવલના માર્ગદર્શન હેઠળ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, કચ્છ દ્વારા બેટી બચાઓ બેટી પઢાઓ સેલ અંતર્ગત અંજાર તાલુકાના ભુવડ ગામ ખાતે સેફ ટચ - અનસેફ ટચ, માસિક સ્વચ્છતા, કિશોરાવસ્થા અંગે જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શાળાના ૨૦૧ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
કાર્યક્રમમાં શાળાના આચાર્ય શંભુભાઈ, ડીએચઈડબલ્યુ ટીમનાં ડિસ્ટ્રિક્ટ મિશન કો-ઓર્ડિનેટર ફોરમબેન વ્યાસ, જેન્ડર સ્પેશિયાલિસ્ટ પૂજાબેન પરમાર, જેન્ડર સ્પેશિયાલિસ્ટ દીપ્તીબેન ઠક્કર તથા એસએફએલ ક્રિષ્નાબેન ભુડિયા ઉપસ્થિત રહ્યાં હતાં. કાર્યક્રમ દરમિયાન ડિસ્ટ્રિક્ટ મિશન કો-ઓર્ડિનેટર ફોરમબેન વ્યાસ દ્વારા વિદ્યાર્થીઓને સેફ ટચ - અનસેફ ટચ અંગે સમજણ આપવામાં આવી હતી. શરીરના અંગત અને સંવેદનશીલ ભાગો અંગે જાગૃતિ કેળવવા સાથે કોઈ વ્યક્તિના સ્પર્શથી અસ્વસ્થતા, ભય કે અસુરક્ષાની લાગણી થાય ત્યારે સ્પષ્ટ રીતે “ના” કહેવી, ત્યાંથી દૂર જવું અને માતા-પિતા, શિક્ષક અથવા અન્ય વિશ્વાસુ વ્યક્તિને જાણ કરવી જરૂરી છે તે સમજાવવામાં આવ્યું હતું.         
આ ઉપરાંત બાળકોને મુશ્કેલી, અસુરક્ષા, શોષણ કે સંકટની પરિસ્થિતિમાં મદદ અને રક્ષણ મેળવવા માટે ૧૦૯૮ ચાઇલ્ડ હેલ્પલાઇન અંગે માહિતી આપવામાં આવી હતી. કિશોરીઓને માસિક સ્વચ્છતા અંગે માર્ગદર્શન આપતાં માસિક દરમિયાન વ્યક્તિગત સ્વચ્છતા જાળવવી, યોગ્ય મેનસ્ટ્રૂઅલ પ્રોડક્ટ્‌સનો ઉપયોગ કરવો, તેને સમયાંતરે બદલવા તથા વપરાયેલ પ્રોડક્ટ્‌સનો યોગ્ય રીતે નિકાલ કરવો કેટલો જરૂરી છે તે સમજાવવામાં આવ્યું હતું. માસિક દરમિયાન સ્વચ્છતાની કાળજી ન રાખવાથી ત્વચામાં બળતરા, ખંજવાળ, દુર્ગંધ અને ચેપ જેવી સમસ્યાઓ થઈ શકે છે તે અંગે પણ માહિતી આપવામાં આવી હતી. માસિક અંગેના સંકોચને દૂર કરી સ્વચ્છતા અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ કેળવવા કિશોરીઓને પ્રેરિત કરવામાં આવી હતી. કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં વ્યક્તિગત સુરક્ષા, શરીર અંગેની સમજ, માસિક સ્વચ્છતા, કિશોરાવસ્થાના શારીરિક અને માનસિક ફેરફારો તથા સાયબર સલામતી અંગે જાગૃતિ કેળવવાનો અને તેમને સુરક્ષિત વર્તન અપનાવવા માટે પ્રેરિત કરવાનો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. 
-----

Comments

COMMENT / REPLY FROM