Trending News
સ્થાનિક સમાચાર

નાના કપાયા ગામની કિંમતી જમીનની બોગસ વારસાઈ અને વહેંચણીની નોંધો રદ કરવા હુકમ

20 October



મુન્દ્રા - કચ્છઉદય : કચ્છ જિલ્લામાં ઉદ્યોગોના આગમન થતાં જમીનોના ભાવમાં આસમાની ઉછાળો આવ્યો છે. આ પરિસ્થિતિ વચ્ચે અનેક કિસ્સાઓમાં લોકોએ પેઢીઓ બાદ ખાતેદાર પોતાના વડિલ હોવાના સોગંદનામા અને પેઢીનામા બનાવી વારસાઈ નોંધો દાખલ કરાવી જમીનો વેચી કરોડો રૂપિયા મેળવ્યા હોવાના બનાવો પોલીસ ચોપડે પણ નોંધાયા છે. આવે જ કિસ્સામાં મુન્દ્રા તાલુકાના નાના કપાયા ગામે આવેલ કરોડોની કિંમતની રેવેન્યુ સર્વે નંબર ૧૯૨/૧ વાળી જમીનમાં રાયશી પુના હરિજનના વારસો બનીને કુલ ૧૪૨ જેટલા વ્યક્તિઓએ વારસદાર બનીને વારસાઈ નોંધ દાખલ કરાવી હતી. ત્યારબાદ આ ૧૪૨ જેટલા કહેવાતા વારસદારોએ આપસમાં જમીનની વહેંચણી કરી તેની નોંધ પણ દાખલ કરાવી દીધી હતી. નોંધો રદ કરાવવા માટે નામૌરી લખમણ સોધમ વગેરેએ કલેક્ટર સમક્ષ અપીલ દાખલ કરી હતી. આ જમીનનો મામલો હાઈકોર્ટમાં પેન્ડિંગ હોવા છતાં વારસાઈ નોંધ તથા વહેંચણીની નોંધ દાખલ થઈ હોવાથી તેને રદ કરવા જણાવાયું હતું. 
અગાઉ નાયબ કલેક્ટર તેમજ કલેક્ટર કચ્છ દ્વારા આ વારસાઈ નોંધો રદ કરવાનો હુકમ કરાયો હોવા છતાં, આ હુકમોને પડકાર્યા વિના ફરીથી ખોટી વારસાઈ અને વહેંચણીની નોંધો દાખલ કરી પ્રમાણિત કરાવવામાં આવી હતી. આ સંજોગોમાં આવી નોંધો કાયદાકીય રીતે ટકવાપાત્ર ન હોઈ, કાયદાકીય જોગવાઈઓ અને માર્ગદર્શક ચૂકાદાઓ તરફ ધ્યાન દોરીને એડવોકેટ દેવાયત એન. બારોટ દ્વારા દલીલો કરવામાં આવી હતી. દલીલોને ધ્યાને લઈને ૧૪૦થી વધુ વ્યક્તિઓના નામે દાખલ કરવામાં આવેલ વારસાઈ તથા વહેંચણીની શંકાસ્પદ નોંધો રદ કરતો ધાક બેસાડતો હુકમ કલેક્ટર કચ્છ દ્વારા કરવામાં આવ્યો છે. 
એડવોકેટ તરીકે દેવાયત એન. બારોટ અને ભીમરાજ એન. ગઢવીએ દલીલો કરી હતી. તેમની સાથે ઉમેર સુમરા, રામ ગઢવી, રાજેશ ગઢવી, જય કટુઆ અને અંકિત ભાનુશાલી પણ હાજર રહ્યા હતા.

Comments

COMMENT / REPLY FROM