Trending News
સ્થાનિક સમાચાર

કચ્છમાં બીજી નવેમ્બર સુધી વિવિધ પ્રતિબંધાત્મક હુકમો અને જાહેરનામા અમલી

19 October


શાંતિ સદભાવના, કાયદો-વ્યવસ્થા જાળવણી તેમજ વચેટીયા પ્રવૃત્તિ પર અંકુશ લાવવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આદેશ


ભુજ - કચ્છઉદય : આગામી ધાર્મિક તહેવારો, મેળાઓ અને ઉત્સવોની ઉજવણી દરમિયાન કચ્છ જિલ્લામાં સુલેહ-શાંતિ અને કાયદો-વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા સમગ્ર જિલ્લામાં આગામી તા. ૨/૧૧ સુધી વિવિધ પ્રતિબંધાત્મક જાહેરનામા પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે. જિલ્લામાં શાંતિપૂર્ણ વાતાવરણ જળવાય તે માટે ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૩૭ (૧) અન્વયે હથિયારબંધી જાહેર કરવામાં આવી છે, જેમાં ૨૦મી તારીખે આવતા દશેરાના તહેવાર નિમિત્તે માત્ર પરંપરાગત શસ્ત્રપૂજન પૂરતી છૂટછાટ આપવામાં આવી છે. શસ્ત્રપૂજન એક જ સ્થળે રાખીને કરવાનું રહેશે, જ્યારે શસ્ત્ર સાથે રેલી કાઢવા કે અગ્નિશસ્ત્રમાં દારૂગોળો રાખવા પર સખત મનાઈ રહેશે. આ ઉપરાંત, ભુજ સ્થિત જિલ્લા સેવા સદન, મધ્યસ્થ સેવા સદન, તમામ તાલુકા સેવા સદનો, પોલીસ મહાનિરીક્ષક અને અધિક્ષકશ્રીઓની કચેરીઓ, તમામ પોલીસ સ્ટેશનો, મહાનગરપાલિકા તથા તમામ સરકારી કચેરીઓના પરિસરની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં પરવાનગી વગર ચાર કે તેથી વધુ વ્યક્તિઓએ એકઠા થવા, ધરણાં, પ્રતિક ધરણાં, ભૂખ હડતાલ કે ઉપવાસ પર બેસવા પર મનાઈ ફરમાવવામાં આવી છે. સાથોસાથ સરકારી કચેરીઓમાં ચારથી વધુ વ્યક્તિઓએ એકઠા થઈને આવેદનપત્ર આપવા, સરઘસ કે રેલી કાઢવા પર પણ કલમ ૩૭(૩) હેઠળ પ્રતિબંધ મૂકાયો છે. સરકારી કચેરીઓની આસપાસ નાગરિકોને ગેરમાર્ગે દોરીને પૈસા પડાવતા અનઅધિકૃત વચેટીયાઓની પ્રવૃત્તિઓ ડામવા માટે પણ પ્રવેશબંધીનો હુકમ કરાયો છે. જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર સામે ગુજરાત પોલીસ અધિનિયમની કલમ ૧૩૫ હેઠળ કાયદેસરની શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
-------- 

Comments

COMMENT / REPLY FROM