કે. કે. પટેલ હોસ્પિટલમાં અત્યાધુનિક ક્લોટ-રિમૂવલ સારવાર કરાઈ
ડૉ. તેજેન્દ્ર રામાણી દ્વારા અત્યાધુનિક ટેક્નોલોજીથી જટિલ વાસ્ક્યુલર સારવાર શરૂ : ૫૦ વર્ષીય મહિલા દર્દીના પગ અને પેટની મુખ્ય નસના લોહીના ગંઠા ‘પેનમ્બ્રા લાઈટનિંગ ફ્લેશ ૧૬’ ટેક્નોલોજીથી સફળતાપૂર્વક દૂર કરાયા : સારવારના બીજા જ દિવસે દર્દી પોતાના પગે ચાલતા થયા : કચ્છના આરોગ્ય ક્ષેત્ર માટે ગર્વની ક્ષણ
ભુજખ - કચ્છઉદય : ભુજ સ્થિત કે. કે. પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે તાજેતરમાં એક ૫૦ વર્ષીય મહિલા દર્દી પર ગંભીર અને જટિલ ‘ડીપ વેઇન થ્રોમ્બોસિસ’ની અત્યાધુનિક પદ્ધતિથી સફળ સારવાર કરવામાં આવી છે. ગર્ભાશયની સર્જરી (હિસ્ટરેક્ટોમી) બાદ મહિલા દર્દીના પગમાં ગંભીર સોજો અને અસહ્ય દુખાવો ઉપડ્યો હતો. તબીબી તપાસ દરમિયાન માલૂમ પડ્યું કે દર્દીના પેટની મુખ્ય નસ આઈવીસીાી લઈને ઘૂંટણની નીચે સુધીની નસોમાં લોહીના મોટા ગંઠા જામી ગયા હતા, જે અત્યંત ગંભીર પરિસ્થિતિ હતી.
આ કેસની સફળ સારવાર હોસ્પિટલના જાણીતા વાસ્ક્યુલર અને ન્યુરો ઇન્ટરવેન્શનલ રેડિયોલોજિસ્ટ ડૉ. તેજેન્દ્ર રામાણી દ્વારા કરવામાં આવી હતી. આ જટિલ સારવાર માટે ભારતના પસંદગીના મેટ્રો શહેરો તથા અમેરિકા અને યુ.કે. જેવા દેશોમાં વપરાતી અત્યાધુનિક 'Penumbra Lightning Flash 16' થ્રોમ્બેક્ટોમી સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ મિનીમલી ઇન્વેસિવ (ઓછા ચીરા-ચીરીવાળી) ટેક્નોલોજી વડે નસની અંદર રહેલા મોટા ગંઠાને સીધા જ ખેંચીને બહાર કાઢવામાં આવ્યા હતા અને રક્તપ્રવાહ પૂર્વવત કરવામાં આવ્યો હતો. સારવાર બાદ અદ્દભૂત સુધારો જોવા મળ્યો હતો અને દર્દી બીજા જ દિવસે પોતાના પગે ચાલતા થયા હતા તથા ત્રીજા દિવસે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
ડૉ. તેજેન્દ્ર રામાણીના જણાવ્યા અનુસાર, ડીપ વેઈન થ્રોમ્બોસિસની સ્થિતિમાં નસમાં બનેલો લોહીનો ગંઠો છૂટો પડીને ફેફસાં સુધી પહોંચી જાય તો ‘પલ્મોનરી એમ્બોલિઝમ’ થવાનું જોખમ રહે છે, જે અત્યંત પ્રાણઘાતક બની શકે છે, પરંતુ આ આધુનિક થ્રોમ્બેક્ટોમી ટેક્નોલોજી વડે ડીવીટીની સાથે સાથે ફેફસાંમાં જામેલા લોહીના ગંઠાની પણ ખૂબ જ સુરક્ષિત રીતે સારવાર શક્ય બની છે.
કચ્છી લેવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડીકલ ટ્રસ્ટના અધ્યક્ષ ગોપાલભાઈ ગોરસિયાએ જણાવ્યું હતું કે, અમારી સંસ્થા હંમેશાં કચ્છના લોકોને ઉત્તમ અને આધુનિક આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે કટિબદ્ધ રહી છે. કે. કે. પટેલ હોસ્પિટલમાં શરૂ કરવામાં આવેલી આ અદ્યતન ‘ક્લોટ-રિમૂવલ’ ટેક્નોલોજીથી સ્થાનિક લોકોને નવું જીવનદાન મળશે. અત્યાર સુધી જે સારવાર માટે કચ્છના દર્દીઓને અમદાવાદ કે મુંબઈ જેવા મોટા શહેરો તરફ દોડવું પડતું હતું, તે હવે ઘરઆંગણે જ ઉપલબ્ધ થતાં દર્દીઓનો કિંમતી સમય અને નાણાં બંને બચશે.
--------

Comments