૬૬ મુમુક્ષુ રત્નો સાથે જૈનાચાર્યે પાવન પગલાં કરતા ખુશી છવાઈ
મુમુક્ષુ રત્નોનું અભિવાદન-ગુરૂપૂજન વિગેરે અનુષ્ઠાનો યોજાયાં
ભુજ - કચ્છઉદય : શ્રમણી ગણનાયક જૈનાચાર્ય પ.પૂ.આ.ભ. રશ્મિરત્નસૂરીશ્વરજી મ.સા. પોતાના શિષ્ય વૃંદ અને શ્રમણી ભગવંતો તેમજ ૬૬ જેટલા મુમુક્ષુ રત્નો સાથે વાટીકા બિલ્ડીંગમાં લીલાબેન મનસુખલાલ શાહના નિવાસસ્થાને પાવન પગલાં કરી મંગલાચરણ ફરમાવતાં વાટીકા બિલ્ડીંગમાં રહેતા તમામ પરિવારોમાં ખુશીની લહેર ફરી વળી હતી.
શુભારંભે વાટીકા પરિવારનાં બહેનો દ્વારા ગુહલી કરી તેમજ અક્ષતથી વધાવી પૂ. ગુરૂદેવ તથા મુમુક્ષુ રત્નો વગેરેને આવકાર આપવામાં આવ્યો હતો ત્યારે સમગ્ર વાતાવરણ ‘ગુરૂજી અમારો અંતરર્નાદ અમને આપો આશીર્વાદ’ના અને દીક્ષાર્થી અમર રહો ના ગગનભેદી નાદ સાથે ગુંજી ઉઠયું હતું. આગળના ચરણમાં વિરસેનભાઈ શાહ તથા વેલજીભાઈ મહેતાએ સામુહિક ગુરૂવંદના કરાવી હતી.
પ.પૂ.આ.ભ. શ્રી રશ્મિરત્નસૂરીશ્વરજી મ.સાહેબે ભાવિકો સમક્ષ માંગલિક ફરમાવતાં જણાવ્યું હતું કે આજના ભૌતિક અને ભોગવાદના જમાનામાં સંયમ ગ્રહણ કરવાનો વિચાર આવવો એ પણ અતી દુર્લભ છે. ત્યારે એકી સાથે ૬૬ જેટલા મુમુક્ષુ રત્નો-ભાઈ-બહેનો એ દીક્ષા લેવાનો સંકલ્પ કર્યો અને ભુજ નગરે વાંચના સાંભળવા પધાર્યા તે ઈતિહાસની વિરલ ઘટના છે જેના પર પરમાત્માની અસિમ કૃપા હોય તેજ આ કાળે દિક્ષા લેવાનો વિચાર કરી શકે તેમ જણાવી દરેકને મંગલમય આશીર્વાદ આપ્યા હતા અને આગામી અનુષ્ઠાનોમાં જોડાવવા આહ્વાન કર્યું હતું. આ તકે લાભાર્થી લીલાબેન મનસુખલાલ શાહ પરિવાર દ્વારા ગુરૂપૂજન, દીક્ષાર્થીઓનું બહુમાન પ્રભાવના આદી અનુષ્ઠાનો યોજાયાં હતાં અને મુમુક્ષુ રત્નોને- પંચતીર્થી- પાંચ તીર્થની યાત્રાએ લઈ જવાયા હતા. વિરસેનભાઈ શાહ, વેલજીભાઈ મહેતા, રાજેશભાઈ શાહ, મનોજભાઈ વોરા, હસુભાઈ મોરબીયા, મનીશ મહેતા, વીરલ શેઠ વિગેરે શ્રાવકો તથા શ્રાવિકાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અને પૂજ્ય ગુરુદેવના આશીર્વાદ લીધા હતા.
--

Comments