Trending News
સ્થાનિક સમાચાર

એલએલડીસી ખાતે ‘પેટર્ન્સ ઓફ ફેશન : એક્રોસ યુરોપ એન્ડ ઇન્ડિયા’ આંતરરાષ્ટ્રીય સિમ્પોઝિયમ સફળતાપૂર્વક સંપન્ન

05 October



ભુજ - કચ્છઉદય :શ્રુજન લિવિંગ એન્ડ લર્નિંગ ડિઝાઇન સેન્ટર અને ધ સ્કૂલ ઓફ હિસ્ટોરિકલ ડ્રેસ (લંડન)ના સંયુક્ત ઉપક્રમે ‘પેટર્ન્સ ઓફ ફેશન : એક્રોસ યુરોપ એન્ડ ઇન્ડિયા’ વિષય પર બે દિવસીય વૈશ્વિક સિમ્પોઝિયમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ઈ.સ. ૧૬૨૦ થી ૧૭૨૦ ના સમયગાળાના યુરોપિયન પુરૂષોના પોશાકની બનાવટ, કટ, ટેકનિક અને એતિહાસિક સંદર્ભો તેમજ ભારતીય પરંપરાગત વસ્ત્રકળા પર ગહન ચર્ચા-વિચારણા અને સંશોધન પત્રો રજૂ કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમનો પ્રારંભ એલએલડીસીના ચેરમેન દીપેશ શ્રોફ, મેનેજિંગ ટ્રસ્ટી અમીબેન શ્રોફ, જાણીતા ડિઝાઇનર કિરીટ દવે, ધ સ્કૂલ ઓફ હિસ્ટોરિકલ ડ્રસ (લંડન)ના પ્રતિનિધિઓ પ્રો. જેની તિરામાની, હેટી બાર્સબી, ક્લેર થોર્નટન અને પોવેલ ટોમાશેવસ્કી તેમજ જુહી પાંડે, મહેશ ગૌસ્વામી, ઉમેશ ભટ્ટ દ્વારા સંયુક્ત રીતે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો. આ સમગ્ર સિમ્પોઝિયમને વૈશ્વિક સ્તરે આયોજિત કરવામાં એલએલડીસીના ઇન્ટરનેશનલ ક્યુરેટોરિયલ એન્ડ રિલેશન્સ એડવાઇઝર ઉથરા રાજગોપાલએ મુખ્ય અને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેઓ કાર્યક્રમ દરમિયાન માન્ચેસ્ટર, ઇંગ્લેન્ડથી ઓનલાઈન માધ્યમથી જોડાયા હતા.
કાર્યક્રમના પ્રથમ દિવસે ’ધ સ્કૂલ ઓફ હિસ્ટોરિકલ ડ્રસ’ની ટીમે તેમના વિશ્વપ્રસિદ્ધ પુસ્તક શ્રેણી ‘પેટર્ન્સ ઓફ ફેશન’ના સંશોધન અને દસ્તાવેજીકરણની પદ્ધતિ રજૂ કરી હતી. તેમણે પોતાના ચાર મુખ્ય સિદ્ધાંતો - કન્ટેન્ટ, કટ, કન્સ્ટ્રક્શન અને કોન્ટેક્સ્ટ પર પ્રકાશ પાડ્યો હતો. આ સાથે વિશ્વવિખ્યાત પેટર્ન મેકર, સીમસ્ટ્રેસ, કોસ્ચ્યુમ ડિઝાઇનર અને સંશોધક જેનેટ આર્નાલ્ડના યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું.
ભારતીય સંદર્ભમાં વાત કરતા એલએલડીસીના ડાયરેક્ટર ડૉ. તુલિકા ગુપ્તાએ ‘શેરવાનીનો ઉદ્દભવ’ વિષય પર પોતાનું સંશોધન ઓનલાઈન રજૂ કર્યું હતું. ત્યારબાદ એલએલડીસી અને શ્રુજનની રિસર્ચ અને ડિઝાઇન ટીમના નીરજ પાર્કર, અવની દેવધર અને બંસરી સોનીએ અનુક્રમે કચ્છના પરંપરાગત પુરૂષોના પોશાક, પાઘડી અને અજરખ, તેમજ અસલ ડ્રપ્સ પર પોતપોતાના સંશોધન પત્રો રજૂ કર્યા હતા.
દિવસના અંતે પોવેલ ટોમાશેવસ્કી અને ક્લેર થોર્નટને ‘ધી આર્કિટેક્ચર ઓફ એ પેટર્ન’ વિષય પર માહિતી આપી હતી અને ત્યારબાદ એક ખાસ લાઈવ ડ્રેસિંગ સેશન યોજાયું હતું, જેમાં એલએલડીસી ટીમમાંથી સુરેશ ગુદાર, વિમલ મેહતા અને હિસ્ટરી સ્કૂલના પોવેલને ‘પેટર્ન્સ ઓફ ફેશન વોલ્યુમ ૭’ના સંશોધન આધારે ૧૭મી સદીના ઐતિહાસિક પોશાક પહેરાવીને વસ્ત્ર નિર્માણની બારીકીઓ દર્શાવવામાં આવી હતી અને દળદાર રિસર્ચ પુસ્તક ‘પેટર્ન્સ ઓફ ફેશન વોલ્યુમ ૭’ નું વૈશ્વિક અનાવરણ કરવામાં આવ્યું હતું.
સિમ્પોઝિયમના બીજા દિવસે ત્રણ વિશેષ હેન્ડ્‌સ-ઓન માસ્ટરક્લાસ  વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સહભાગીઓએ વસ્ત્ર નિર્માણ, ટેલરિંગ સ્ટ્રક્ચર અને ફિનિશિંગની વિવિધ ટેકનિકો શીખી હતી. આ બીજા દિવસના વર્કશોપમાં ઓસ્ટ્રેલિયાથી ઇન્ડિયન ઓશન ક્રાફ્ટ ટ્રાયએનલના સભ્યો અને કલાકારો પણ ઉત્સાહભેર જોડાયા હતા. વર્કશોપ બાદ તમામ સહભાગીઓ માટે અનુભવોની આપ-લે માટે સેશન યોજાયો હતો. કાર્યક્રમના અંતિમ ચરણમાં અમીબેન શ્રોફ, પ્રો. જેની તિરામાની અને શામજીભાઈ વણકર દ્વારા ઉભરતા યુવા કલાકારો, ડિઝાઇનરો અને વિદ્યાર્થીઓને પરંપરાગત કળા તથા ફેશન ક્ષેત્રે આગળ વધવા માટે પ્રેરણાદાયી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
આ આંતરરાષ્ટ્રીય સિમ્પોઝિયમમાં દેશભરમાંથી કળા અને વસ્ત્રકળા ક્ષેત્રે રસ ધરાવતા લોકો, વિદ્યાર્થીઓ અને ડિઝાઇનરો તેમજ નિષ્ણાતો ઉત્સાહભેર જોડાયા હતા. અમદાવાદ, પંજાબ, કોલકાતા જેવા દૂર-દૂરના શહેરો અને રાજ્યોમાંથી ફેશન ડિઝાઇનના વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી. આ ઉપરાંત હસ્તકળા અને ટેક્સટાઇલ ક્ષેત્રની કેટલીક નામાંકિત સંસ્થાઓના પ્રતિનિધિઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર ગ્લોબલ સિમ્પોઝિયમનું સફળ સંચાલન જાણીતા ડિઝાઇનર અને એલએલડીસીના રિસર્ચ સલાહકાર જુહી પાંડે દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે એલએલડીસીની સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. 
-----

Comments

COMMENT / REPLY FROM