પ્રાકૃતિક ખેતીથી જમીનની ફળદ્રુપતા અને ખેત ઉત્પાદન વધે છે : આચાર્ય દેવવ્રતજી
રાજ્યપાલે મુન્દ્રાના મોટા કપાયા ખાતે પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લઇને પ્રગતિશીલ ખેડૂતો સાથે સંવાદ કર્યો
મુન્દ્રા - કચ્છઉદય : કચ્છ જિલ્લાના બે દિવસીય પ્રવાસે પધારેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મુન્દ્રા તાલુકાના મોટા કપાયા ગામે પ્રગતિશીલ ખેડૂત દિનેશભાઈ વાલાણીના નર નારાયણ પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લઇ પ્રગતિશીલ ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો.
આ પ્રસંગે ખેતરમાં ઉપસ્થિત ધરતીપુત્રોને સંબોધતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, દિનેશભાઈના ખેતરમાં લહેરાતા કેળ, શેરડી, મકાઈ, અંજીર, પપૈયા અને તુવેરના ઉત્કૃષ્ટ પાકો એ વાતની સાબિતી આપે છે કે પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદનમાં સહેજ પણ ઘટાડો થતો નથી, પરંતુ ખર્ચ શૂન્ય થઈ જાય છે અને નફો વધે છે. રાજ્યપાલે કહ્યું હતું કે, સામાન્ય છાણીયા ખાતરની સરખામણીએ દેશી ગાયના ગોબર-ગૌમૂત્રના મેળવણથી બનતા ઘન જીવામૃતમાં વધુ સૂક્ષ્મ જીવાણુઓ હોય છે, આ સૂક્ષ્મ જીવાણુઓ અને અળસિયાં જમીનમાં ઓર્ગેનિક કાર્બન વધારે છે, જમીનને પોચી બનાવે છે અને ભેજ સંગ્રહશક્તિ વધારે છે. યુરિયા, ડીએપી અને ઝેરી જંતુનાશકોથી જમીન કઠણ અને બંજર બની રહી છે. તેમણે યુએનના અહેવાલોને ટાંકીને કહ્યું કે, જમીનમાં રસાયણોનો આડેધડ ઉપયોગ ચાલુ રહેશે તો ભવિષ્યમાં જમીન સંપૂર્ણ બિન ઉપજાઉ બની જશે. રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓ અસંખ્ય બિમારીનું કારણ બને છે. કુરુક્ષેત્ર ગુરુકુળના અનુભવ વર્ણવતા રાજ્યપાલે જણાવ્યું કે, રાસાયણિક ખેતી કરતા ખેડૂતોને ખેત નિભાવ માટે વધુ ખર્ચ થાય છે, જ્યારે પ્રાકૃતિક ખેતીમાં નહીંવત ખર્ચ આવે છે. સાથે સાથે પાણીનો વપરાશ ૫૦% ઓછો થાય અને ઉત્પાદન પણ રાસાયણિક ખેતી કરતાં વધુ નોંધાય છે. રાજ્યપાલશ્રીએ સ્થાનિક ખેડૂત હરીશભાઈ ઠક્કર, મનોજભાઈ સોલંકી, રતિલાલભાઈ શેઠિયા અને દિનેશભાઈ વાલાણી જેવા પ્રગતિશીલ ખેડૂતોને યુગદ્રષ્ટા કહ્યાં હતાં.
આ પ્રસંગે રાજ્યપાલે ફાર્મની મુલાકાત લઈ શેરડી, કેળ, પપૈયા સહિતના પાકોનું નિરીક્ષણ કર્યું હતું. ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અંતર્ગત દેશી ગાયના છાણ, ગૌમૂત્ર, ગોળ, કઠોળનો લોટ અને સજીવ માટી દ્વારા બનાવવામાં આવતા જીવામૃત તેમજ ઘનજીવામૃતની બનાવટ અને ઉપયોગ પદ્ધતિઓનું રાજ્યપાલશ્રીએ નિરીક્ષણ કરી ખેડૂતોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત "સેક્સ સોર્ટેડ સીમેન ડોઝથી જન્મેલી વાછરડીઓનું નિદર્શન" પણ નિહાળ્યું હતું. આ તકે ફાર્મ ખાતે નરનારાયણ બાગ - ગાય આધારિત ખેતી ઉત્પાદનો તેમજ શ્રીજી ગૃહઉદ્યોગ અંતર્ગત ઉત્પાદિત કાચી ઘાણીના તેલ અને અન્ય પ્રાકૃતિક ઉત્પાદનોનું પ્રદર્શન પણ યોજવામાં આવ્યું હતું.
આ પ્રસંગે દેવચરણ સ્વામી, કચ્છ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસીયા, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, જિલ્લા પોલીસ વડા વિકાસ સુંડા તેમજ પ્રગતિશીલ ખેડૂત અગ્રણીઓ મનોજભાઈ સોલંકી, હરીશભાઈ ઠક્કર, રતિલાલભાઈ શેઠિયા સહિત મોટી સંખ્યામાં ખેડૂત ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
----------

Comments