Trending News
સ્થાનિક સમાચાર

ગાગોદરના ધાણીથર પાસે શિકારીતત્વોનો આંતક વનવિભાગના ‘જંગલરાજ’ સામે લાલબત્તી!

04 October

જાગૃત નાગરિક પર બંદૂક તાકી ફાયરિંગનો પ્રયાસ વોર્નિંગ બેલ સમાન


e
ધાણીથર કેનાલ પાસે રાત્રિના શિકાર કરવા નીકળેલા ૪ શખસો સામે હત્યાના પ્રયાસની ગંભીર ફરિયાદઃ બાદ તરેહ તરેહના સવાલો : આવી ઘટનાઓ બાદ કેમ ન માનવુ કે, વનવિભાગની સુસ્ત નીતિ અને કડક સુપરવિઝનના અભાવે શિકારીઓની હિંમત વધી? : ધાણીથર સીમની ઘટનામાં જો  બંદૂકની નાળ ઉપર ન કરી હોત તો મોટો અકસ્માત-જાનહાનિ સર્જાયો હોત! :  શિકારીઓની આટલી હિંમત કેમ?ઃ વનવિભાગનું નિષ્ક્રિય સુપરવિઝન કેટલુ જવાબદાર?ઃ  નાગરિકોની સુરક્ષા પર કેમ ન મનાય જોખમ?



રાપરઃ વાગડ પંથકમાં રાત્રિના સમયે બેફામ બનેલા શિકારી તત્વોની હિંમત એટલી હદે વધી ગઈ છે કે હવે તેઓ મોડી રાત્રે શિકારી પ્રવૃતી રોકનારા જાગૃત નાગરિકો પર જ બંદૂકો તાકીને ફાયરિંગ કરતા પણ અચકાતા નથી. રાપર તાલુકાના ગાગોદર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ધાણીથર ગામની કેનાલ પાસે આવેલ પડતર ખેતરમાં શિકાર કરવા નીકળેલા ચાર શખસોને રોકવા જતાં એક નાગરિક પર બંદૂક તાકી જાનથી મારી નાખવાનો પ્રયાસ કરાતાં સમગ્ર પંથકમાં અરેરાટી સાથે ભારે સસનાટી મચી ગઈ છે. આ ઘટનાએ વનવિભાગ અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.
ભમીયાસર વાંઢના રહીશ પ્રભુભાઈ વજાભાઈ રાજપૂતે નોંધાવેલી સત્તાવાર ફરિયાદ મુજબ, તેઓ તથા સાહેદો ધાણીથરની સીમમાં હતા ત્યારે રાત્રિના સમયે અલ્તાફ દિનમામદ હિંગોળજા, મુબારક મામદ હિંગોળજા, હનિફ લતીફ નારેજા અને નજરમામદ ઈસ્માઈલ હિંગોળજા નામના ૪ શખસો બંદૂક અને છરી જેવા પ્રાણઘાતક હથિયારો સાથે શિકારના ઈરાદે આંટાફેરા મારતા જોવા મળ્યા હતા. ફરિયાદીએ આ શિકારીઓને રોકવાનો પ્રયાસ કરતાં જ આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ભૂંડી ગાળો 
આપવા લાગ્યા હતા. આ દરમિયાન એક શખ્સે પોતાની પાસે રહેલી બંદૂક ફરિયાદીની છાતી પર રાખી દઈ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અન્ય આરોપીઓના ઉશ્કેરાટ બાદ તે શખ્સે ફાયરિંગ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ફરિયાદી પ્રભુભાઈએ સમયસૂચકતા વાપરી બચાવ માટે બંદૂકની નાળ ઉપર તરફ કરી દેતાં ગોળી હવામાં ગઈ હતી અને મોટો અનર્થ ટળ્યો હતો.પરંતુ આ ઘટનાને હકીકતમાં તંત્રએ હળવાશથી ન લેવી જોઈએ. વાગડ હોય કે ભુજના બન્ની સહિતના પટ્ટા કે પછી અબડાસા જેવા વિસ્તારોમાં વનવિભાગના કર્મીઓ અને અધિકારીઓ પર પણ આવા માફીયા બની ગયેલા અમુક તત્વોએ હુમલો કરતા વાર નથી કરી.! જાણકારવર્ગ તો એપણ સવાલ કરી રહ્યો છે કે,  વનવિભાગની નિષ્કાળજી કે ‘જંગલરાજ’ની ચાડી ખાતી ઘટના? કેમ ન કહેવી.? આ ઘટના માત્ર એક ગુનો નથી, 
પરંતુ સરકારી તંત્ર અને વિશેષ કરીને વનવિભાગ માટે ભારે સવાલ ઊભા કરતી લાલબત્તી સમાન છે. સરહદી અને સંવેદનશીલ વાગડ વિસ્તારમાં શિકારી તત્વો પ્રાણઘાતક હથિયારો લઈને રાત્રે ખુલ્લેઆમ ફરે છે, છતાં વનવિભાગ કે 
પોલીસનું કોઈ પેટનું પાણી હલતું નથી? જો વનવિભાગ ખુદ સ્થાનિક કક્ષાએથી માંડીને વિવિધ મોરચે કડક સુપરવિઝન અને કાયદાકીય કાર્યવાહી કરતું હોત, તો શિકારીઓની આવી હિંમત જ ન થઈ હોત. વનવિભાગના જવાબદારોની ઘોર નિષ્કાળજીના કારણે જ આવી ઘટનાઓ બને છે. વન્યજીવોના રક્ષણ માટે આગળ આવતા જાગૃત નાગરિકો પર જ્યારે બંદૂકો તાકવામાં આવે, ત્યારે પ્રશાસનની ધાક ક્યાં ગઈ? તે મોટો પ્રશ્ન છે.


...........................


નીલગાયોનો શિકાર કરી ગાંધીધામની ઝૂંપડપટ્ટીઓમાં  સસ્તા ભાવે માંસ વેચાતું હોવાની ચર્ચા

એક સમયે હાઇવે પર મુક્તપણે ફરતા વન્યજીવોનો સફાયોઃ વનવિભાગના કડક ચેકિંગ સામે ઉઠતા પ્રશ્નાર્થ


ગાંધીધામ : કચ્છનો વન વિસ્તાર અને ખુલ્લા મેદાનો એક સમયે ભાત-ભાતના વન્ય પ્રાણીઓથી ધમધમતા હતા. હાઇવે પરથી પસાર થતી વખતે રસ્તા આડે પ્રાણીઓનું અવરજવર કરવું સામાન્ય દ્રશ્ય હતું. પરંતુ છેલ્લા કેટલાક સમયથી સક્રિય થયેલી અસામાજિક અને શિકારી ટોળકીઓના કારણે કચ્છના જંગલોમાંથી વન્યજીવોનો મોટાપાયે સફાયો થઈ રહ્યો હોવાની આઘાતજનક વિગતો સામે આવી રહી છે.
સ્થાનિક સૂત્રો અને ચર્ચાતી વિગતો મુજબ, શિકારી ટોળકીઓ રાત્રિના અંધારામાં જંગલી ગાયો (નીલગાય) તેમજ અન્ય શાંત પ્રાણીઓને નિશાન બનાવી રહી છે. એટલું જ નહીં, આ પ્રાણીઓને મારીને તેનું માંસ ગાંધીધામ શહેરના સરહદી વિસ્તારો તેમજ ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં સસ્તા ભાવે બેફામ રીતે વેચવામાં આવી રહ્યું હોવાના ગંભીર આક્ષેપો ઊઠ્યા છે.એક સમયે જે કચ્છ પ્રાકૃતિક વૈવિધ્ય અને વન્યજીવો માટે જાણીતું હતું, ત્યાં શિકારીઓના આતંકથી વન્યજીવોની સંખ્યામાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. સ્થાનિક નાગરિકો અને પશુપ્રેમીઓમાં આ પ્રવૃત્તિને લઈને તીવ્ર આક્રોશ વ્યાપી ગયો છે.આ સમગ્ર મામલે વનવિભાગ અને સ્થાનિક પોલીસ તંત્ર તાત્કાલિક હરકતમાં આવે, શિકારી ટોળકીઓ સુધી પહોંચવા માટે ગેરકાયદે માંસના વેચાણ પર દરોડા પાડે અને જંગલ વિસ્તારોમાં રાત્રિ પેટ્રોલીંગ સઘન બનાવે તેવી ઉગ્ર માંગ ઉઠી રહી છે. જો સમયસર આ પ્રવૃત્તિઓ પર લગામ નહીં કસાય તો કચ્છનું કુદરતી સંતુલન જોખમાશે.


....................

ભચાઉ આઈએએસ પ્રાંતશ્રી અને પૂર્વ કચ્છ DFO કડકાઈ દાખવશે?


ગાંધીધામ : આ ગંભીર કિસ્સાને ધ્યાને રાખીને ભચાઉના આઈએએસ પ્રાંત અધિકારી બાબતે તુરંત હસ્તક્ષેપ કરી કડક વલણ અપનાવે તે સમયની માંગ છે. પૂર્વ કચ્છના DFO  (ડિસ્ટ્રિક્ટ ફોરેસ્ટ ઓફિસર) થી લઈને રાપર વિસ્તારના સંબંધિત વનવિભાગના સ્ટાફ અને પોલીસ પ્રશાસન સાથે યોગ્ય સંકલન સાધીને શિકારી તત્વોની સામે તૂટી પડવાના સ્પષ્ટ આદેશો આપવામાં આવે. રાત્રિ પેટ્રોલીંગ વધારીને, ગેરકાયદેસર હથિયારો જપ્ત કરી અને શિકારી ગિરોહ સામે ધાક બેસાડતી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તે અત્યંત જરૂરી બન્યું છે.


......................

સામખિયારી - જંગી વિસ્તારમાં ફાયરિંગ કરી ‘રોજ’(નીલગાય)નો શિકાર?

વન વિભાગ, પોલીસ અને મહેસૂલ તંત્રના ખોફ વગર ચોરીછૂપીથી શિકારની પ્રવૃત્તિ વધતાં ગ્રામજનોમાં  રોષ; કાયદો-વ્યવસ્થા સામે મોટો પડકાર બને તે પહેલા કડક કાર્યવાહીની માંગ


ગાંધીધામ  : વાગડ પટ્ટામાં અસામાજિક તત્વો અને શિકારીઓની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ દિવસેને દિવસે વધી રહી છે. સામખિયારી અને જંગી વિસ્તારમાં શિકારી ટોળકીઓ તંત્રનો કોઈ જ ડર ના હોય તેમ બેફામ બનીને ફાયરિંગ કરી 
પશુઓનો શિકાર કરી રહી છે, જેના કારણે સમગ્ર પંથકના ગ્રામજનો અને પશુપાલકોમાં ભારે અસંતોષ અને ચિંતાનો માહોલ વ્યાપી ગયો છે.તાજેતરમાં સામખિયારી-જંગી વિસ્તારમાં શિકારીઓ દ્વારા દેશી કે ગેરકાયદેસર બંદૂકો વડે ફાયરિંગ કરીને ‘રોજ’ (નીલગાય)નું મોત નીપજાવવામાં આવ્યું હતું. અંધારાનો લાભ લઈને અવારનવાર શિકારી ટોળકીઓ આવી રીતે સીમ વિસ્તારમાં ઘૂસી જઈ ખુલ્લેઆમ ફાયરિંગ કરી વન્યજીવોનો શિકાર કરી રહી છે.
સ્થાનિક ગ્રામજનોનો આક્ષેપ છે કે, વાગડ વિસ્તારમાં વન વિભાગ, પોલીસ તેમજ મહેસૂલ તંત્રની કોઈ ધાક જ ન રહી હોય તે રીતે શિકારીઓ કારનામા આચરી રહ્યા છે. રાત્રિના સમયે અવાવરૂ જગ્યાઓ અને સીમ વિસ્તારમાં બંદૂકોના ધડાકા સંભળાતા હોવાથી આસપાસના ગ્રામજનોમાં પણ ભયનો માહોલ સર્જાયો છે.આ વિસ્તારમાં વધતી જતી આવી ગુનાહિત પ્રવૃત્તિઓ ભવિષ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ માટે મોટો પડકાર બની શકે તેમ છે. તેથી જાગૃત નાગરિકો અને લોકલાગણી માંગ કરી રહી છે કે, વન વિભાગ અને પોલીસ તંત્ર સંયુક્ત રીતે કડક હાથે કામગીરી કરે અને આ ચોક્કસ શિકારી ટોળકીઓ સામે કાયદાનો ધોકો પછાડી તેમની તાત્કાલિક અટકાયત કરવામાં આવે.

Comments

COMMENT / REPLY FROM