નખત્રાણા દારૂકાંડઃ છેવાડાના પટ્ટામાં લાખોનો દારૂ ઠલવાતાં ચકચાર ખાખીની લાપરવાહી કે પછી હપ્તાખોરી? ઉંડી તપાસ થવી જરૂરી
બનાસકાંઠા, મહેસાણા અને પૂર્વ કચ્છ જેવા વિસ્તારોમાથી નખત્રાણાના અંતરીયાળ વિસ્તારો સુધી દારૂ પહોચી ગયો અને માર્ગમાં કોઈને ગંધ શુદ્ધા ન આવે તે બની શકે ખરૂ? રસ્તામાં આવતી ડઝનબંધ પોલીસ ચેકપોસ્ટને ચમકમો આપતો દારૂ કઈ રીતે પહોંચ્યો?
ગાંધીધામ : કચ્છના સરહદી અને છેવાડાના નખત્રાણા વિસ્તારમાં લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઠલવાવાનો કિસ્સો પ્રકાશમાં આવતાં જ સ્થાનિક પોલીસ સહિત સમગ્ર જિલ્લા પોલીસ બેડામાં ભારે દોડધામ મચી ગઈ છે. બનાસકાંઠા, મહેસાણા અને પૂર્વ કચ્છના લાંબા રૂટ પરથી પસાર થઈને દારૂનો આ મોટો જથ્થો છેક પશ્ચિમ કચ્છના સીમાડા સુધી પહોંચી જતાં પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે.મળતી વિગતો મુજબ, રાજ્ય બહારથી કે અન્ય જિલ્લાઓમાંથી વાહનો મારફતે દારૂનો જથ્થો કચ્છમાં ઘૂસાડવામાં આવ્યો હતો. આ દરમિયાન રસ્તામાં અનેક તાલુકાઓ અને પોલીસ સ્ટેશનની હદ આવતી હોવા છતાં આટલું મોટું કન્સાઇનમેન્ટ કોઈ પણ અટકાયત વગર છેવાડા સુધી પહોંચી ગયું હતું. આ બનાવને પગલે ચર્ચા જાગી છે કે રસ્તામાં આવતી પોલીસ અંધારામાં રહી હતી કે પછી આંખ આડા કાન કરવામાં આવ્યા હતા?દારૂના આ કારોબારમાં હપ્તાખોરી અને ભાગબટાઈથી સામ્રાજ્ય ચાલતું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. નખત્રાણા સુધી દારૂ પહોંચી જવાની આ ઘટનાએ દારૂબંધીના કડક અમલના દાવાઓની હોળી કરી નાખી છે.ખાનાયના જીતીયા જેવા બૂટલેગરો જો બિનધાસ રીતે દારૂનો જથ્થો મંગાવી શકતા હોય, તો એ સ્પષ્ટ છે કે તેમને સ્થાનિક સ્તરેથી કોઈ વગદાર આકાનું પીઠબળ મળેલું છે. આ માત્ર દારૂ પકડવાનો નહીં, પણ ખાખીમાં રહેલા કાળી ભેટ સમાન ભ્રષ્ટ તત્વોને શોધી કાઢી તેમની સામે સખત કાર્યવાહી કરવાનો સમય છે. જો ઉચ્ચ અધિકારીઓ આ મામલે આકરા પગલાં નહીં લે, તો ‘દારૂબંધી’ માત્ર કાગળ પરનો નિયમ બનીને રહી જશે.
..................................
ખાનાયના ‘જીતીયા’ નું નામ ખુલતાં ચકચારઃ કોની મદદથી ચાલે છે દારૂનું નેટવર્ક?
બિન્દાસ્ત રીતે દારૂ મંગાવતા બૂટલેગર પાછળ ખાખીના કયા ભ્રષ્ટ તત્વોની છત્રછાયા?ઃ અબડાસા સહિતના વિસ્તારોમાં જીતીયાનું નામ દારૂકાંડમાં કોઈ પહેલી વહેલી વાર તો આવ્યુ જ નથી?
નખત્રાણાઃ નખત્રાણા દારૂકાંડમાં ખાનાય ગામના જાણીતા બૂટલેગર ‘જીતીયા’નું નામ ખુલતાં
પોલીસ તપાસનો ધમધમાટ શરૂ થયો છે. જોકે, જીતીયા સુધી આટલી મોટી માત્રામાં દારૂનો જથ્થો પહોંચી જવો એ પોલીસ તંત્ર માટે આત્મખોજ (આત્મમંથન) નો વિષય બન્યો છે. સ્થાનિક વર્તુળોમાં ચાલી રહેલી ચર્ચા મુજબ, જીતીયો લાંબા સમયથી બિનધાસ રીતે છેવાડાના વિસ્તારો સુધી દારૂનો જથ્થો મંગાવી રહ્યો છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે તેને દારૂ સપ્લાય કરવા માટે કઈ લાઈન કે કયો રૂટ સેફ લાગી રહ્યો છે? ખાખી વર્ધીમાં બેઠેલા કયા ભ્રષ્ટ તત્વો હજુ પણ તેની મદદગારી કરી રહ્યા છે?દારૂના આ દૂષણ પાછળ ખાખીના જ કેટલાક તત્વોની ભાગબટાઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જો જીતીયા જેવા બૂટલેગરો સામે કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો છેવાડાના વિસ્તારોમાં દારૂનું નેટવર્ક વધુ મજબૂત બનશે તેવી ભીતિ સેવાઈ રહી છે.
...................
ખાટલે મોટી ખોટ : દારૂની ગાડીઓ નીકળી ગઈ અને પોલીસ ‘અજાણ’ રહી?
ગાંધીધામ : કચ્છના છેવાડાના નખત્રાણા વિસ્તારમાં લાખો
રૂપિયાનો દારૂ ઠલવાઈ જવાની ઘટનાએ પોલીસની વહીવટી કાર્યક્ષમતા અને વિજિલન્સ પર મોટો પ્રશ્નાર્થ ચિહ્ન મૂકી દીધો છે. બનાસકાંઠા, મહેસાણા અને પૂર્વ કચ્છની સરહદો વટાવીને, ડઝનબંધ પોલીસ સ્ટેશનો અને હાઇવે પેટ્રોલીંગની વચ્ચેથી
પસાર થઈને લાખોનો દારૂ છેક સીમાડા સુધી પહોંચી જાય અને પોલીસને કાનંગો કાન ખબર પણ ન પડે એ વાત ગળે ઉતરે તેવી નથી. આ ઘટનામાં બે જ શક્યતાઓ સેવાઈ રહી છેઃ કાં તો
પોલીસ તંત્ર ઘોર નિદ્રામાં છે અને ભારે ‘લાપરવાહી’ દાખવી રહ્યું છે, અથવા તો હપ્તાખોરી અને ‘ભાગબટાઈ’ના ખેલમાં ખાખી
પોતે જ બૂટલેગરોની મદદગાર બની છે. આ બંને સ્થિતિઓ કાયદો અને વ્યવસ્થા માટે અત્યંત ચિંતાજનક છે.

Comments