Trending News
ક્રાઈમ

૧૮ પાકિસ્તાની અને ૧ અફઘાની સહિત ૧૯ ગુનેગારને ૨૦ વર્ષની સખત કેદ 

01 July


કરોડોનું ડ્રગ્સ ઘુસાડવાના ત્રણ કેસોમાં અદાલતનો ઐતિહાસિક ચુકાદો


નશાના કારોબારથી રાષ્ટ્રના માળખાને નબળું પાડવાનું સુનિયોજિત કાવતરૂં ચલાવી લેવાશે નહીં : આંતરિક સુરક્ષા સામે મોટો ખતરો : ભુજની સ્પેશિયલ એનડીપીએસ કોર્ટની કડક ચેતવણી


ભુજ - કચ્છઉદય : ભારત દેશની દરિયાઈ સરહદેથી કરોડો રૂપિયાનો નશીલા પદાર્થોનો જથ્થો ઘુસાડવાના અલગ - અલગ ત્રણ ગંભીર ગુનાઓમાં ભુજની અદાલતે એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો સંભળાવ્યો છે. ભુજ-કચ્છની ત્રીજી અધિક સેશન્સ અને સ્પેશિયલ એનડીપીએસ કોર્ટના ન્યાયાધીશ વી.એ. બુધ્ધની અદાલતે આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ સ્મગલિંગના નેટવર્કનો પર્દાફાશ કરી કુલ ૧૯ આરોપીઓને દોષિત જાહેર કર્યા છે. જેમાં ૧૮ પાકિસ્તાની નાગરિકો અને ૧ અફઘાની નાગરિકનો સમાવેશ થાય છે. કોર્ટે તમામ ૧૯ આરોપીઓને ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારી છે, તેમજ પ્રત્યેક આરોપીને રૂપિયા બે લાખના દંડની સજાનો હુકમ કર્યો છે. .આ સમગ્ર મામલાની વિગતો મુજબ, ગુજરાતના આતંકવાદ વિરોધી દળ (એ.ટી.એસ.) અમદાવાદને સમયાંતરે મળેલી ચોક્કસ અને ખાનગી બાતમીના આધારે ભારતીય કોસ્ટગાર્ડ અને એસઓજી ભુજ દ્વારા જખૌના દરિયાઈ વિસ્તારમાં સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યા હતા. જેમાં વર્ષ ૨૦૨૦, ૨૦૨૧ અને ૨૦૨૨ દરમિયાન દરિયામાં શંકાસ્પદ પાકિસ્તાની બોટોને આંતરીને તપાસ કરતા તેમાંથી વગર પાસ-પરમીટે ગેરકાયદેસર રીતે લાવવામાં આવતો હેરોઇનનો વિશાળ જથ્થો ઝડપાયો હતો. પ્રથમ કેસમાં ૩૫ કિલોથી વધુ (૧૭૫ કરોડ), બીજા કેસમાં ૩૦ કિલો (૧૫૦ કરોડ) અને ત્રીજા કેસમાં ૫૦ કિલો (૨૫૦ કરોડ) મળીને કુલ આશરે ૫૭૫ કરોડ રૂપિયાની કિંમતનું હેરોઇન જપ્ત કરવામાં આવ્યું હતું. આ ત્રણેય ઓપરેશન દરમિયાન એ.ટી.એસ.ના અધિકારીઓ દ્વારા ગુના રજીસ્ટર કરી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી અને અફઘાનિસ્તાનના નાગરિક હેકમતુલ્લા સહિતના આરોપીઓની સંડોવણી ખુલતા કોર્ટમાં પૂરતા પુરાવા સાથે ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી.
ચુકાદો આપતી વખતે નામદાર કોર્ટે પ્રોસીક્યુશન દ્વારા રજૂ કરાયેલા તમામ પુરાવાઓનું બારીકાઈથી મૂલ્યાંકન કરીને ખૂબ જ ગંભીર અને સખત અવલોકનો કર્યા હતા. કોર્ટે સ્પષ્ટ તારણ કાઢ્યું હતું કે, આરોપીઓ દ્વારા ભારતના યુવાધનને નશાના રવાડે ચડાવવા અને દેશના લોકોને આવા ગંભીર વ્યસનમાં ધકેલવાનું કૃત્ય કોઈ સામાન્ય બાબત નથી. આ ગુનાહિત પ્રવૃત્તિ પાછળ મોટા પાયે નશીલા પદાર્થો સપ્લાય કરી રાષ્ટ્રના આંતરિક માળખાને નબળું પાડવાનું એક સુનિયોજિત વ્યુહરચના પૂર્વકનું આંતરરાષ્ટ્રીય કાવતરું ઘડવામાં આવ્યું હતું. અદાલતે ચિંતા વ્યક્ત કરી હતી કે નશાની આ દૂષણ માત્ર વૈયક્તિક સ્તરની સમસ્યા નથી, પરંતુ તે સમગ્ર રાષ્ટ્ર માટે એક ગંભીર સંકટ બની શકે તેમ છે, જે દેશની આંતરિક સુરક્ષાને સીધી અને ઘાતક અસર પહોંચાડે છે. કોર્ટે તમામ આરોપીઓને એન.ડી.પી.એસ. એક્ટની અલગ - અલગ કલમો હેઠળ કડક સજા ફટકારી આ પ્રકારના રાષ્ટ્રવિરોધી તત્વોને ક્યારેય સાંખી નહીં લેવાય તેવો મક્કમ સંદેશ આપ્યો છે. આ કેસમાં સરકાર પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ એચ.બી. જાડેજાએ ધારદાર દલીલો કરી હતી અને મહત્વના સાક્ષીઓ તપાસ્યા હતા
--------

સજા પામેલા આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાઓની યાદી

પ્રથમ કેસમાં ઝડપાયેલા પાકિસ્તાની આરોપીઓ 
૧. ઇસ્માઇલ મોહમદ જામ (ઉંમર વર્ષઃ ૫૦)
૨. અનીશ ઇશા ભટી (ઉંમર વર્ષઃ ૩૦)
૩. અબુબકર હાસમ કુંગરા (ઉંમર વર્ષઃ ૭૦)
૪. અશરફ ઉસ્માન ભટી (ઉંમર વર્ષઃ ૪૨), તમામ રહેવાસીઃ પાકિસ્તાન)

બીજા કેસમાં ઝડપાયેલા પાકિસ્તાની આરોપીઓ
૫. મુર્તઝા યામીન સિંધી (ઉંમર વર્ષઃ ૩૫)
૬. યામીન ઉમર સિંધી (ઉંમર વર્ષઃ ૬૫)
૭. મુસ્તફા યામીન સિંધી (ઉંમર વર્ષઃ ૩૩)
૮. નસરૂલ્લા યામીન સિંધી (ઉંમર વર્ષઃ ૨૮)
૯. હુસૈન ઇબ્રાહીમ સિંધી (ઉંમર વર્ષઃ ૬૨)
૧૦. સાલેમામદ અબ્દુલા સિંધી (ઉંમર વર્ષઃ ૭૦)
૧૧. મહમંદ યાસીન મહમંદ ઉર્સ મલ્લા (ઉંમર વર્ષઃ ૩૯)
૧૨. રફીક આમદ ઉસ્માનઅલી મુલ્લા (ઉંમર વર્ષઃ ૬૨, તમામ રહેવાસીઃ પાકિસ્તાન)

ત્રીજા કેસમાં ઝડપાયેલા પાકિસ્તાની અને અફઘાની આરોપીઓ 
૧૩. અલી મોહમદ બચ્ચલ મલ્લા (ઉંમર વર્ષઃ ૪૦)
૧૪. મમતાજ હારૂન મલ્લા (ઉંમર વર્ષઃ ૩૦)
૧૫. શેર મોહમદ બશરીયા બડ (ઉંમર વર્ષઃ ૪૦)
૧૬. મોતીયા ઇદ્રીશ મલ્લા (ઉંમર વર્ષઃ ૫૦)
૧૭. ઇબ્રાહીમ યુસુફ સમેજા (ઉંમર વર્ષઃ ૬૮)
૧૮. જાહીદ અબ્દુલ્લા મલ્લા (ઉંમર વર્ષઃ ૨૨, તમામ રહેવાસીઃ પાકિસ્તાન)
૧૯. હેકમતુલ્લા નુરૂઉલ્લાહ (રહેવાસીઃ અફઘાનિસ્તાન)
--------- 

Comments

COMMENT / REPLY FROM