અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય અણુવ્રત સમિતિનું ૭૬મું વાર્ષિક અધિવેશન યોજાશે
મહાસંમેલનમાં દેશ-વિદેશની સમિતિઓને સહભાગી થવા હાર્દિક આમંત્રણ
અમદાવાદ : અણુવ્રત અનુશાસ્તા આચાયર્શ્રી મહાશ્રમણજીના અધ્યાત્મિક નેતૃત્વ અને પ્રેરણા હેઠળ છેલ્લા સાત દાયકાથી સમગ્ર વિશ્વમાં અણુવ્રત આંદોલન નિરંતર પ્રગતિ કરી રહ્યું છે.અણૂ આંદોલનનો મુખ્ય આશય માનવ જીવનમાં નૈતિકતા, અસત્યથી મુક્તિ, અહિંસા, વ્યસનમુક્તિ અને સ્વચ્છ જીવનાચારિતાને જગાડીને વ્યક્તિ અને સમાજ બંનેમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો છે.
અણુવ્રત એટલે નાના-નાના સંકલ્પો મારફતે મોટા નૈતિક પરિવર્તન તરફનું પાયાનું પગલું. અસત્ય, ચોરી, વ્યસન અને હિંસા જેવી ઘટનાઓથી દૂર રહીને સત્ય, અહિંસા, અપરિગ્રહ અને સ્વચ્છ માનસિકતા દ્વારા જીવનને વધુ ઉજ્જવળ બનાવવાનો અણુવ્રતનો સંદેશ સમગ્ર વિશ્વમાં પ્રસર્યો છે.
આ અન્વયે અણુવ્રત અનુશાસ્તાના પાવન સાનિધ્યમાં દર વર્ષે આયોજીત થતું અણુવ્રત અધિવેશન કાર્યકરોને આંતરિક સંકલ્પને મજબૂત બનાવવાની, પરસ્પર વિચારવિમર્શ કરવાની તથા નવા કાર્ય સંકલ્પો ઘડીને આગળ વધવાની અનોખી તક પૂરી પાડે છે.
આ વર્ષે ૭૬મું વાર્ષિક અધિવેશન તારીખ ૬, ૭ અને ૮ સપ્ટેમ્બર ૨૦૨૫ ના રોજ કોબા, અમદાવાદ, ગુજરાત ખાતે નિર્ધારિત થયું છે. અધિવેશનનું આયોજન સફળમ રીતે પરિપૂર્ણ બનાવવા માટે શ્રી ભીખમ સુરાણા (દિલ્હી, +૯૧ ૯૮૧૦૧૫૫૮૬૧) ને કેન્દ્રિય સંયોજક તરીકે જવાબદારી સોંપવામાં આવી છે.
આ અધિવેશનમાં દેશ-વિદેશની તમામ અણુવ્રત સમિતિઓ અને મંચો ને સહભાગી થવા આમંત્રણ અપાયું છે. દરેક સમિતિમાંથી મહત્તમ પાંચ પ્રતિનિધિઓ ભાગ લઇ શકે છે, જેમાં ઓછામાં ઓછા બે પદાધિકારીઓ (અધ્યક્ષ અને મંત્રી)નું હાજર રહેવું ફરજિયાત રહેશે. શક્ય હોય ત્યાં સુધી પ્રમુખ તથા મંત્રી બંને સાથે હાજર રહે તેવી અપેક્ષા રહેશે. જરૂર મુજબ વધુ બે સભ્યો વધારામાં પણ સમાવાઈ શકે છે.તમામ પ્રતિનિધિઓએ ૬ સપ્ટેમ્બર ૨૦૨૫ ના રોજ સવારે ૭ વાગ્યા સુધી અધિવેશન સ્થળે પહોંચવાની વ્યવસ્થા કરવાની રહેશે જેથી કાર્યક્રમ સમયસર શરૂ થઈ શકે.અધિવેશનનો અંતિમ દિવસ ૮ સપ્ટેમ્બરના રોજ આચાયર્શ્રી મહાશ્રમણજીના પાવન પ્રવચનથી શુભ સમાપન થશે.
સમિતિઓ અને મંચોને વિનંતી છે કે પોતાના વિસ્તારમાં કાર્યરત કાર્યકરો સુધી આ માહિતી ઝડપથી પહોંચાડીને સહભાગીઓની યાદી વહેલી તકે તૈયાર કરી સંયોજકને મોકલાવે. તમામ પ્રતિનિધિઓનું સમયસર રજિસ્ટ્રેશન અને ભાગીદારી અધિવેશનને વધુ સફળ બનાવશે.
અણુવ્રત સમિતિના રાષ્ટ્રીય સહસંયોજક અને રાષ્ટ્રીય કાર્યકારીણી સદસ્યશ્રી અને અણુવ્રત સમિતિ ભુજના અધ્યક્ષશ્રી મહેશ પ્રભુલાલ મહેતાએ એક યાદીમાં જણાવ્યું હતું કે કરછથી પણ વધુમાં વધુ સંખ્યામાં અણુવ્રતના કાર્યકરો આ અધિવેશનમાં સંવિભાગી બનીને કરછમાં વધુને વધુ લોકોપયોગી અને માનવતાના કાર્યો તથા સ્કૂલો અને વિદ્યાર્થીઓમાં ચરિત્ર નિર્માણનું કાર્ય કરશે અને તેથી જ તેમણે સમસ્ત કરછના કાર્યકરોને આહવાન કરતાં કહ્યું હતું કે ચાલો સૌ મળીને આ ૭૬માં અણુવ્રત અધિવેશનને સાફલ્યની નવી ઊંચાઈઓ પર લઈ જઈએ, વધુ ને વધુ માનવમાત્રને નૈતિક જીવનમૂલ્યો અપનાવવા પ્રેરિત કરી શકીએ અને અણુવ્રત આંદોલનને વિશ્વવ્યાપી બનાવવાના અભિયાનમાં સક્રિય યોગદાન આપી શકીએ.આ માટે આંતરરાષ્ટ્રીય અણુવ્રત પરિવાર તરફથી પણ વિનમ્ર અનુરોધ કરવામાં આવ્યો છે.
-------

Comments