કચ્છમાં ફોર્મ ભરવાના અંતિમ દિવસે ઉમેદવારોનો ફાટ્યો રાફડો
ગ્રામ સ્વરાજ્યની ચૂંટણી જંગનો ગરમાવો ચરમસીમાએ
૧૬૬ ગ્રામ પંચાયતમાં સુકાની બનવા ઈચ્છુક મુરતિયાઓ સમર્થકો સાથે ફોર્મ ભરવા પહોંચ્યા : મોટા ગામના સુકાની પદ માટે કાંટાની ટક્કર થવાના એંધાણ : રરમીએ મતદાન અને ર૪મીએ પરિણામ થશે જાહેર
ભુજ : કચ્છમાં ગ્રામ્ય સ્વરાજની ચૂંટણીનો ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. આગામી રરમી જુનના કચ્છની ૧૬૬ ગ્રામ પંચાયતોમાં નવા સુકાનીઓની વરણી માટે મતદાન થશે. ઉપરાંત વિવિધ ગ્રામ પંચાયતોની ર૪૧ બેઠકો માટે પેટા ચૂંટણીનું મતદાન થશે. તે પૂર્વે આજે ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાના અંતિમ દિવસે કચ્છ જિલ્લામાં ભારે ધસારો જોવા મળી રહ્યો છે. ગ્રામ્ય સુકાની બનવા માટે ઉમેદવારોનો રાફડો ફાટયો છે. જિલ્લાના વિવિધ તાલુકા મથકોએ પ્રાંત અને મામલતદાર કચેરીએ ઉમેદવારી પત્રક ભરવાના અંતિમ દિવસે સવારથી જ ઉમેદવારો અને સમર્થકોનો પ્રવાહ ઉમટ્યો હતો. ચૂંટણી જાહેર થયા બાદ ગ્રામ્ય ખાટલા બેઠકોમાં ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્યોની પેનલ નક્કી કરવા બેઠકોના દોર ચાલ્યા હતા. ગ્રામ પંચાયતોને સમરસ કરાવવાના પણ પ્રયાસો થયા બાદ ફોર્મ ભરવાના અંતિમ દિવસે ઉમેદવારી પત્રક ભરવા માટે ઉમેદવારોનો ધસારો જોવા મળ્યો છે. આજે સાંજે ફોર્મ ભરવાની મુદત પૂર્ણ થયા બાદ ચિત્ર સ્પષ્ટ થશે. આ અંગેની વિગતો મુજબ કચ્છના ગ્રામીણ રાજકારણમાં ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. બે વર્ષથી વધુ સમયથી જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તેવી ગ્રામ પંચાયતની સામાન્ય અને પેટા ચૂંટણી માટે આજે ફોર્મ ભરવાની અંતિમ ઘડી હોઈ છેલ્લી ઘડીના દાવપેચ ખેલાઈ રહ્યા છે. કચ્છ જિલ્લામાં કુલ્લ ૧૬૬ ગ્રામ પંચાયતમાં સામાન્ય, મધ્યસત્ર, વિભાજન અને કેટેગરી - પ ની ચૂંટણી થશે. જયારે ર૪૧ ગ્રામ પંચાયતમાં પેટા ચૂંટણી યોજાશે. કચ્છના દસેય તાલુકાઓ પૈકી સૌથી વધુ ભુજ તાલુકામાં ૩પ ગ્રામ પંચાયતની ચૂંટણી થશે. કચ્છમાં ઔદ્યોગીક વિકાસ બાદ મહત્વના ગામોમાં ગ્રામ્ય સુકાનીનું કદ અને મહત્વ વધ્યું છે. પવનચક્કીઓ અને ઔદ્યોગીક એકમોની આસપાસ આવેલા ગામોમાં પંચાયતનું સુકાન સંભાળવા માટે અનેક દાવેદારો સામે આવી રહ્યા છે. મહત્વના ગામના સુકાની બનવા માટે ઉમેદવારોએ આજે અંતિમ દિવસે પોતાની પેનલ સાથે દાવેદારી નોંધાવી હતી.
આજે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ આવતીકાલે રજુ થયેલા ફોર્મની ચકાસણી હાથ ધરવામાં આવશે. ઉમેદવારો ૧૧ મી તારીખ સુધી પોતાના ફોર્મ પરત ખેંચી શકશે ત્યારે ફોર્મ ખેંચવાની મુદ્ત પૂર્ણ થયા બાદ ચૂંટણી જંગનું અંતિમ ચિત્ર સ્પષ્ટ થશે. જે ગ્રામ પંચાયતો કે બેઠકો બીનહરીફ નહીં થઈ હોય તે માટે રરમી જુનના મતદાન થશે અને તારીખ રપ જુનના પરિણામો જાહેર થશે.
...........

Comments