Trending News
સ્થાનિક સમાચાર

આચાર્યશ્રી મહાશ્રમણજીએ માનવ મંદિરને ધન્ય કરી દીધું : મુનિ દિનેશચંદ્રજી મહારાજ

25 February


ભુજ : કચ્છની ધરા પર જૈન શ્વેતામ્બર તેરાપંથ ધર્મસંઘના એકાદશમ અધિશાસ્તા, ભગવાન મહાવીરના પ્રતિનિધિ, માનવતાના મસીહા આચાર્યશ્રી મહાશ્રમણજી જૈન સમાજના અનેક આમ્નાયોના સંતોની આધ્યાત્મિક મુલાકાત કરી રહ્યા છે. મંગળવારની પ્રભાત વેળાએ યુગપ્રધાન આચાર્યશ્રી મહાશ્રમણજી તલવાણા થી પ્રસ્થાન કરીને આશરે ત્રણ કિમીના અલ્પ વિહાર પછી બિદડા ખાતે સ્થિત માનવ મંદિર પહોંચ્યા હતા, જ્યાં સ્થાનકવાસી આઠ કોટી મોટી પક્ષના મુનિશ્રી દિનેશચંદ્રજી મહારાજે આચાર્યશ્રીનું ભાવભિનંદન કર્યું હતુ. જૈન શાસનની બે ધારાઓનો આધ્યાત્મિક મિલન શ્રદ્ધાળુઓ માટે અત્યંત હર્ષ આપનાર હતો.મંગળ પ્રવચન કાર્યક્રમમાં યુગપ્રધાન આચાર્યશ્રી મહાશ્રમણજી સાથે મુનિ દિનેશચંદ્રજી પણ ઉપસ્થિત રહ્યાં હતા. માનવતાના મસીહા આચાર્યશ્રી મહાશ્રમણજી એ ઉપસ્થિત શ્રદ્ધાળુઓને અમૃતવાણીનો રસપાન કરાવતા કહ્યું હતું કે, આત્માના ચાર પ્રકાર હોય છે - પરમાત્મા, મહાત્મા, સદાત્મા અને દુરાત્મા. પરમાત્મા એટલે સિદ્ધ ભગવાન, જ્યાં ન શરીર છે, ન વાણી, ન મન - નિરંજન, નિરાકાર રૂપમાં રહેલ. આવી અનંત સિદ્ધ આત્માઓ સિદ્ધશિલા પર નિવાસ કરે છે. મહાત્મા એ લોકો છે, જે ઘર-ગૃહસ્થ્યનો ત્યાગ કરીને ધર્મ, ધ્યાન, સાધના, આરાધના, જપ-તપમાં રોકાયેલા હોય છે. ગૃહસ્થ જીવનમાં રહીને પણ જે હિંસા, હત્યા, ચોરી, છલ, કપટ, અસત્ય વગેરેથી દૂર રહે છે અને કોઈનું ખરાબ નથી કરતાં, તેઓ સદાત્મા છે. જે હિંસા, હત્યા, ચોરી, છલ, કપટ, બેઇમાનીમાં લીન હોય છે, તેઓ દુરાત્મા છે.માણસે પ્રયાસ કરવો જોઈએ કે તે પોતાની આત્માને પરમાત્મા કે મહાત્મા નહીં બનાવી શકે તો પણ દુરાત્મા ન બનાવે. તે પ્રયત્નશીલ રહે કે તેની આત્મા સદાત્મા બની રહે. હિંસા, ચોરી, લૂંટ, છલ, કપટ, માયા વગેરેથી બચવાનો પ્રયત્ન કરવો જોઈએ. મોહમાં પડેલો મનુષ્ય વિષયોમાં ફસાઈને દુરાત્મા બની શકે. રાગ-દ્વેષથી દૂર રહી, સેવા અને સહકારની ભાવના રાખવી જોઈએ. માનવસેવા, પરોપકાર અને ભક્તિ દ્વારા સત્કર્મો દ્વારા સજ્જનતા વિકસી શકે છે અને આત્મા સદાત્મા બની શકે છે. કોઈપણ પ્રકારના નશાથી બચવું જોઈએ. વિકારો અને વિષયવાસનાઓમાં અતિશય મમતા રાખવાથી બચવું જોઈએ. દુર્જન અને સજ્જનને જોવામાં કોઈ ખાસ તફાવત દેખાતો નથી, પરંતુ તેમના આચરણ, વ્યવહાર અને ધર્મથી તેઓ અલગ પડી જાય છે. જે માણસનો વ્યવહાર સજ્જનતાનો છે, જે કટુભાષી નથી, અહંકાર વિહોણો છે, સૌ સાથે પ્રેમભરી ભાવના ધરાવે છે, તે સજ્જન ગણાય. માનવીને પોતાની અંદર સજ્જનતા વિકસાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. અણુવ્રત આંદોલન એ સજ્જન માનવી બનાવવાનું એક આંદોલન છે. આચાર્યશ્રીએ આગળ કહ્યું કે, કચ્છ યાત્રા દરમિયાન આજે માનવ મંદિર આવતા આનંદ થયો.થોડા સમયથી મુનિ દિનેશચંદ્રજી મહારાજ વિશે સાંભળી રહ્યો હતો, આજે મુલાકાતનો લાભ મળ્યો છે.તેમના વિશે મંગલ ભવના ભાવતા કહ્યું હતું કે સાધન-ધર્મ-ધ્યાન ચાલુ રહે.
મંગળ પ્રવચન પછી ભાવેનભાઈ સંઘવીએ પોતાના ભાવોની અભિવ્યક્તિ વ્યક્ત કરી હતી. મુનિ દિનેશચંદ્રજી મહારાજે પણ આચાર્યશ્રીના સ્વાગતમાં કહ્યું હતું કે, આજે આચાર્યશ્રી મહાશ્રમણજીની ધવલ સેનાની સાથે પધરામણી થઈ છે. ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિભાવથી આપનું સ્વાગત કરું છું. આજે તમે માનવ મંદિરની ધરાને ધન્ય કરી દીધી. આચાર્યશ્રીએ સૌને આશીર્વચન  આપ્યા હતા.આચાર્યશ્રી સાથે વિચરણ કરી રહેલા અનેક સાધુ સાધ્વી તથા સમણી ભગવંતોની ધવલ સેનાની સાથે મર્યાદા મહોત્સવ વ્યવસ્થા સમિતિના કન્વીનર કે.કે.સંઘવી તેમજ ભુજના માર્ગદર્શનમાં તેરાપંથ સંઘ, યુવક પરિષદ, મહિલા મંડળ તથા અણુવ્રત સમિતિના સદસ્યો વિગેરે સેવા અને વ્યવસ્થા સંભાળી રહ્યા છે.સમસ્ત જૈન સમાજનો અનુકરણીય સહયોગ સાંપડી રહ્યો છે. સમસ્ત જૈન મંડળોની સ્વૈછિક સેવા પણ અનુકરણીય છે.તેરાપંથી સભા ગાંધીધામમાં આચાર્યશ્રી મહાશ્રમણજીનો આગામી  ૫ માર્ચથી ૧૯ માર્ચ સુધીનો પ્રવાસ રહેશે તેમજ તેઓ પણ સેવામાં છે તેવું એક યાદીમાં આચાર્ય મહાશ્રમણ મર્યાદા મહોત્સવ પ્રવાસ વ્યવસ્થા સમિતિ ૨૦૨૫ - ભુજ - કચ્છના પ્રીન્ટ મિડિયા પ્રભારી મહેશ પ્રભુલાલ મહેતાએ જણાવ્યું હતું.
-----

Comments

COMMENT / REPLY FROM